(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ઓ. પી. કોહલીનું સોમવારે નિધન થયું હતું. તેમનાં પૌત્રીએ ટ્વિટ કરીને નિધન અંગે માહિતી આપી હતી. તે બાદ દેશના વરિષ્ઠ નેતાઓએ તેમને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ
આપી હતી.
રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ટ્વિટ કરી ઓ. પી. કોહલીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ઓમ પ્રકાશ કોહલીનો જન્મ ૯ ઓગસ્ટ ૧૯૩૫માં થયો હતો. સરળ સ્વભાવના ઓમ પ્રકાશ કોહલીએ વર્ષ ૨૦૧૪થી ૨૦૧૯ દરમિયાન ગુજરાતના રાજ્યપાલ તરીકે ફરજ નિભાવી હતી. તેમણે કમલા બેનીવાલનો કાર્યકાળ પૂરો થયા બાદ આ હોદ્દો સંભાળ્યો હતો.
કોહલી લગભગ ૩૭ વર્ષ સુધી હંસરાજ કોલેજ અને દેશબંધુ કોલેજ ખાતે વ્યાખ્યાતા તરીકે સેવારત હતા. કોહલીએ હિન્દીમાં ‘રાષ્ટ્રીય સુરક્ષા કે મોર્ચે પર’, ‘શિક્ષાનીતિ’ અને ‘ભક્તિકાલ કે સંતો કી સામાજિક ચેતના’ નામનાં ત્રણ પુસ્તકો લખ્યાં છે. રાજકારણમાં ઓ. પી. કોહલી તરીકે વધુ જાણીતા થયેલા પૂર્વ રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીએ કટોકટી દરમિયાન જેલવાસ પણ ભોગવ્યો હતો. ઓમ પ્રકાશ કોહલી વર્ષ ૧૯૯૯ થી ૨૦૦૦ સુધી ભારતીય જનતા પાર્ટીના દિલ્હી એકમના પ્રમુખ હતા અને વર્ષ ૧૯૯૪ થી ૨૦૦૦ સુધી રાજ્યસભાના સભ્ય તરીકે સેવા
આપી હતી.
૮ સપ્ટેમ્બર ૨૦૧૬ થી ૧૯ જાન્યુઆરી ૨૦૧૮ સુધી, તેમણે ગુજરાતની સાથે મધ્ય પ્રદેશના રાજ્યપાલના કાર્યાલયનો વધારાનો હવાલો સંભાળ્યો હતો. તેમને વાંચનનો ઘણો શોખ હતો. તેઓ જ્યારે ગુજરાત રાજ્યના રાજ્યપાલ હતા ત્યારે તેમણે વિવિધ પુસ્તકોની લાઇબ્રેરી પણ
બનાવી હતી. ઉ