જે પોતાના મનને જીતી ન શકે અને જગતને જીતી લેવાની વાત કરે તે મહામૂર્ખ છે
જીવનનું અમૃત -ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
નૃસિંહ અવતાર
“હે અસુરબાળકો! ભગવાન દાન, તપ, યજ્ઞ, શારીરિક-માનસિક શૌચ, વ્રતોનું અનુષ્ઠાન આદિ ઉપાયોથી
પ્રસન્ન થતા નથી. ભગવાન માત્ર નિષ્કામભક્તિથી પ્રસન્ન થાય છે. ભગવદ્ભક્તિથી પાપી લોકો પણ ભગવાનને પામીને કૃતાર્થ થઈ
ગયા છે.
“આ સંસારમાં અર્થાત્ મનુષ્યશરીરમાં જીવનો સૌથી મોટો સ્વાર્થ અર્થાત્ પરમાર્થ એટલો જ છે કે તે ભગવાન શ્રીકૃષ્ણની અનન્ય ભક્તિ પ્રાપ્ત કરે. તે ભક્તિનું સ્વરૂપ છે – સર્વદા, સર્વત્ર, સર્વ વસ્તુઓમાં ભગવાનનું દર્શન!
પ્રહ્લાદજીનું આ પ્રવચન સાંભળીને દૈત્યબાળકોએ બાલસહજ નિર્દોષભાવે તેનો સ્વીકાર કર્યો. ગુરુજીના દૂષિત શિક્ષણનો ત્યાગ કર્યો. જ્યારે ગુરુજીએ જાણ્યું કે બધા વિદ્યાર્થીઓની બુદ્ધિ એકમાત્ર ભગવાનમાં સ્થિર થઈ રહી છે ત્યારે તેઓ ગભરાયા અને તેમણે તુરત આ વાત હિરણ્યકશિપુને જણાવી.
આ સમાચાર સાંભળીને હિરણ્યકશિપુ અતિશય ક્રોધિત બની ગયો અને તેણે પ્રહ્લાદજીને મારી નાખવાનો નિર્ણય કર્યો.
હિરણ્યકશિપુએ પ્રહ્લાદને પોતાની સમક્ષ બોલાવ્યો. પ્રહ્લાદજી નમ્રભાવે હાથ જોડીને તેમની સમક્ષ ઊભા રહ્યા. પગની લાત વાગવાથી જેમ સાપ છંછેડાઈને ફૂંફાડા મારે તેમ હિરણ્યકશિપુ ફૂંફાડા મારવા લાગ્યો. અતિ ક્રોધના આવેગમાં તે પ્રહ્લાદજીને કહેવા લાગ્યો, “અરે, મૂર્ખ! મેં ત્રણે લોકને જીતી લીધા છે અને તું ક્યા જોર પર મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરી રહ્યો છે?
પ્રહ્લાદે શાંતભાવે ઉત્તર આપ્યો:
“દૈત્યરાજ! સમગ્ર બ્રહ્માંડમાં અધિપતિ તો ભગવાન શ્રીહરિ છે. જે વ્યક્તિ પોતાના મનને જીતી ન શકે અને જગતને જીતી લેવાની બડાશ મારે, તે તો મહામૂર્ખ છે.
પ્રહ્લાદજીનાં વચનો તો સરળ અને લાભપ્રદ હતાં, પરંતુ આસુરી પ્રકૃતિના હિરણ્યકશિપુને તો તે વચનો અરુચિકર લાગ્યાં, એટલું જ નહિ પરંતુ જેમ ઘીની આહુતિથી અગ્નિ વધુ પ્રજ્વલિત થઈ ઊઠે, તેમ પ્રહ્લાદજીનાં આ હિતકર વચનોથી પણ તેનો ક્રોધ અતિ પ્રજ્વલિત બની ગયો. તેણે પ્રહ્લાદજીને પૂછ્યું –
“તું કોના જોરથી મારી સામે બોલે છે? તારો જગતસ્વામી કોણ છે? ક્યાં રહે છે?
પ્રહ્લાદજીએ શાંતિથી ઉત્તર આપ્યો –
“જગતના સ્વામી તો ભગવાન શ્રીવિષ્ણુ જ છે અને તેઓ સચરાચરમાં વ્યાપીને રહેલા છે.
સામે જ રહેલા એક સ્તંભને બતાવીને હિરણ્યકશિપુએ પ્રહ્લાદજીને પૂછ્યું –
“તો શું તારો ભગવાન આ સ્તંભમાં પણ છે?
પ્રહ્લાદજીએ શાંતિથી ઉત્તર આપ્યો –
“હા, પિતાજી! ભગવાન તો સર્વવ્યાપી છે, તેથી આ સ્તંભમાં
પણ છે.
ક્રોધથી ઉન્મત્ત બનેલો હિરણ્યકશિપુ સિંહાસન પરથી કૂદીને તે સ્તંભ પાસે ગયો. તેણે સ્તંભ પર પોતાના હાથથી પ્રહાર કર્યો. તે જ સમયે સ્તંભમાંથી એક પ્રચંડ અવાજ નીકળ્યો. આ અવાજ સાંભળીને હિરણ્યકશિપુ સહિત દૈત્યસેનાપતિઓ ભયભીત બની ગયા. કોઈ કશું સમજી શક્યા નહિ. તે વખતે સ્તંભમાંથી વિચિત્ર વેશધારી ભગવાન નૃસિંહ પ્રગટ થયા. તેમનાં મુખ અને હાથ સિંહ જેવાં અને શરીરના અન્ય ભાગો મનુષ્ય જેવા હતા.
ભગવાન નૃસિંહે પોતાનાં જ તેજ અને શક્તિથી અસુરોને ભગાડી મૂક્યા. હિરણ્યકશિપુ પણ સમજી ગયો કે વિષ્ણુ જ મને મારવા માટે આ વિચિત્ર વેશ ધારણ કરીને આવ્યા છે. આ રીતે સમજીને સિંહનાદ કરતો દૈત્યરાજ હિરણ્યકશિપુ હાથમાં ગદા લઈને નૃસિંહ ભગવાન પર તૂટી પડ્યો. જાણે પતંગિયું અગ્નિમાં પડ્યું. ભગવાન નૃસિંહે હિરણ્યકશિપુને જેમ ગરુડ સાપને પકડે તેમ પકડી લીધો. ક્યારેક ગરુડ સાપ સાથે ક્રીડા કરે અને સાપ છટકી જાય તેમ હિરણ્યકશિપુ ભગવાન નૃસિંહની પકડમાંથી છટકી ગયો. હિરણ્યકશિપુ ઢાલતલવાર લઈને ભગવાન પર ફરીથી તૂટી પડ્યો. ભગવાને તેને જેમ સર્પ ઉંદરને પકડે તેમ પકડી લીધો. ભગવાને તેને પકડીને સભાગૃહના દરવાજા પર લઈ ગયા અને તેને પોતાના સાથળ પર સુવાડ્યો. ભગવાન નૃસિંહે સંધ્યાકાળે, દ્વાર પર, સાથળ પર મૂકીને હિરણ્યકશિપુને પોતાના તીક્ષ્ણ નખોથી ચીરી નાખ્યો.
તે સમયે ભગવાન નૃસિંહનો સામનો કરનાર કોઈ હતું નહિ, તોપણ તેમનો ક્રોધ વધી રહ્યો હતો. તેઓ હિરણ્યકશિપુની રાજસભાના ઊંચા સિંહાસન પર બિરાજમાન થયા. હિરણ્યકશિપુના મૃત્યુથી ત્રિલોકીમાં સર્વત્ર હર્ષ વ્યાપી ગયો. તે સમયે બ્રહ્માજી, રુદ્ર, ઈન્દ્ર, ઋષિઓ, પિતરો, સિદ્ધો, વિદ્યાધરો, નાગો, મનુઓ, પ્રજાપતિઓ, ગંધર્વો, ચારણો, યક્ષો, કિંપુરુષો, વૈતાલિકો, ક્ધિનરો, પાર્ષદો આદિ સૌ ભગવાન નૃસિંહ પાસે આવ્યા અને સૌએ ભગવાનની સ્તુતિ કરી.
બ્રહ્માજી, શંકર અને સમસ્ત દેવગણ પણ ભગવાન નૃસિંહના ક્રોધાવેશને શાંત કરી શક્યા નહિ; એટલું જ નહિ, પરંતુ તેમની પાસે જવાની પણ કોઈ હિંમત કરી શક્યું નહિ. દેવોએ ભગવાનને શાંત કરવા માટે લક્ષ્મીજીને મોકલ્યાં. લક્ષ્મીજી પણ ભગવાનનું તે અદ્ભુત સ્વરૂપ જોઈને ભયભીત બની ગયાં અને ભગવાનની પાસે જઈ શક્યાં નહિ. તે સમયે બ્રહ્માજીએ ત્યાં જ ઊભેલા પ્રહ્લાદજીને કહ્યું, “બેટા! પ્રહ્લાદ! ભગવાન તારા પિતા પર ક્રોધાયમાન થયા છે. હવે તું જ ભગવાન પાસે જઈને તેમને શાંત કર.
પ્રહ્લાદજી તો ભગવાનના ભક્ત છે. બ્રહ્માજીની આજ્ઞાને શિરોધાર્ય કરીને તેઓ શાંતિથી ભગવાન સમક્ષ ગયા અને ભગવાનનાં ચરણોમાં સાષ્ટાંગ સૂઈ ગયા. ભગવાને સ્નેહપૂર્વક પ્રહ્લાદજીને ઊભા કર્યા અને તેમના મસ્તક પર પોતાનો વરદહસ્ત મૂક્યો. ભગવાનના હસ્તસ્પર્શથી પ્રહ્લાદજીના સર્વ સંસ્કારોનો નાશ થયો અને તેમને પરમતત્ત્વનો સાક્ષાત્કાર થયો. ભાવસમાધિમાં તલ્લીન બનીને પ્રહ્લાદજી ભગવાનના ગુણોનું ચિંતન કરતાં-કરતાં તેમની સ્તુતિ કરવા લાગ્યા.
પ્રહ્લાદજીની આ અનુપમ સ્તુતિથી ભગવાન પ્રસન્ન થયા અને તેમનો ક્રોધ શાંત થયો. પ્રહ્લાદજી પર પ્રસન્ન થઈને ભગવાને તેમને વરદાન માગી લેવા કહ્યું.
પ્રહ્લાદજીના મનમાં કોઈ કામના હતી નહિ, તેથી તેમણે કાંઈ માગવાની ઈચ્છા ન કરી. પ્રહ્લાદજીએ ભગવાનને કહ્યું-
“ભગવાન! આપ મને કોઈ પ્રલોભન ન આપો. હું આપનો નિષ્કામ સેવક છું અને આમ મારા નિરપેક્ષ સ્વામી છો. આમ છતાં આપ મને વરદાન આપવા ઈચ્છતા જ હો તો એવું વરદાન આપો કે મારા હૃદયમાં ક્યારેય કોઈ કામના જન્મે જ નહિ.
પ્રહ્લાદની નિષ્કામભક્તિ જોઈને ભગવાન નૃસિંહ ખૂબ પ્રસન્ન થયા અને તેમણે કહ્યું –
“બેટા પ્રહ્લાદ! તારી નિષ્કામભક્તિથી હું પ્રસન્ન છું. તારી ઈચ્છા નથી, પરંતુ મારી પ્રસન્નતા માટે તું એક મન્વંતર માટે દૈત્યોનો અધિપતિ બન અને તત્સંબંધી સર્વ ભોગોનો સ્વીકાર કર. મન્વંતરના અંતે તું શરીરનો ત્યાગ કરી, સમસ્ત બંધનોથી મુક્ત થઈ મારી પાસે આવી જઈશ.
પ્રહ્લાદજીએ ભગવાનની આજ્ઞા શિરોધાર્ય કરી અને ભગવાનને પ્રાર્થના કરી કે તેમના પિતા હિરણ્યકશિપુ ભગવાન સાથે વિરોધ કરવાના દોષથી મુક્ત થાઓ. ભગવાન પ્રહ્લાદજીને કહ્યું-
“બેટા! તારા જેવા પુત્રના જન્મથી તારા પિતા જ નહિ, પરંતુ તારી એકવીશ પેઢીના પિતૃઓ તરી ગયા છે.
ભગવાનની આજ્ઞા પ્રમાણે પ્રહ્લાદજીએ પિતાની અંત્યેષ્ટિક્રિયા કરી. બ્રાહ્મણોએ પ્રહ્લાદજીનો રાજ્યાભિષેક કર્યો.
ભગવાને બ્રહ્માજીને સૂચના આપી કે દૈત્યોને આવાં વરદાનો ન આપવાં. ભગવાન અંતર્ધાન થયા.
નારદજી યુધિષ્ઠિરને કહે છે-
“રાજન્! જે મનુષ્ય પ્રહ્લાદજીના આ ચરિત્રનું પઠન કરશે કે સાંભળશે અને પ્રહ્લાદકૃત નૃસિંહસ્તુતિનો પાઠ કરશે તે મનુષ્યને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થશે.