ભગવાનની કૃપાથી રાજા સત્યવ્રત આ કલ્પમાં વૈવસ્વત મનુ થયા
જીવનનું અમૃત -ભાણદેવ
ભગવાન શ્રીકૃષ્ણ મહાભારતના યુદ્ધ દરમિયાન પાંડવોના પક્ષે રહ્યા અને પાંડવોના આખરી વિજય માટે તેમણે નિર્ણાયક ભૂમિકા ભજવી. મહાભારતના યુદ્ધ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણે એવો વ્યવહાર પણ કર્યો હતો જે સામાન્ય નૈતિક ધોરણ કરતાં ભિન્ન હતો. ઘણા માનવો ભગવાન શ્રીકૃષ્ણના આવા વ્યવહાર માટે તેમની ટીકા પણ કરે છે. આ ટીકાકારોએ અને આપણે સૌએ સમજવું જોઇએ કે ભગવાન શ્રીકૃષ્ણ તેમની દિવ્ય ચેતનામાં જીવે છે અને તદ્નુરૂપ વ્યવહાર કરે છે. તેઓ હંમેશાં સામાન્ય નૈતિક ધોરણો પ્રમાણે જ વર્તે તેવું નથી. તેમનું વર્તન અનૈતિક નહીં, પરંતુ અતિનૈતિક ગણાવું જોઇએ.
અવતારના વ્યવહારમાં રહેલી આ અતિનૈતિકતા સમજવામાં આવે તો ભગવાન મોહિનીનારાયણના અસુરો સાથેના વ્યવહારને સમજવાનું કાર્ય કઠિન નથી.
૪. મત્સ્યાવતાર
મહારાજ પરીક્ષિત શુકદેવજી કહે છે-
“શુકદેવજી! હવે હું આપના મુખથી આદિ અવતાર ભગવાન મત્સ્યનારાયણની અવતારકથા સાંભળવા ઇચ્છું છું. ભગવાન સર્વશક્તિમાન હોવા છતાં તમોગુણી અને પરતંત્ર મત્સ્યયોનિમાં અવતાર શા માટે ધારણ કર્યો? આપ કૃપા કરીને મને મત્સ્યભગવાનની લીલા સંભળાવો
મહારાજ પરીક્ષિતની આ જિજ્ઞાસાના ઉત્તરરૂપે શુકદેવજી તેમને મસ્ત્યાવતારની કથા કહે છે.
ભગવાન સર્વના એકમાત્ર પ્રભુ છે, છતાં ગાય, બ્રાહ્મણ, દેવ, સાધુ, વેદ, ધર્મ અને અર્થની રક્ષા માટે શરીર ધારણ કરે છે. ભગવાન વાયુની જેમ સર્વથા નિર્લેપ રહીને ઊંચા, નીચાં, નાનાં, મોટાં, સર્વ પ્રાણીઓના અંતર્યામીરૂપે રહીને લીલા કરે છે. ભગવાન કોઇ પણ પ્રાણીના શરીરમાં આવે તોપણ તેથી તેઓ એ પ્રાણની સ્વભાવગત માર્યાદામાં બંધાતા નથી, કારણે કે સ્વરૂપત: જ ભગવાન સમસ્ત પ્રાકૃત ગુણોથી રહિત નિર્ગુણ છે.
આ પહેલાંના કલ્પના અંતમાં બ્રહ્માજીની નિદ્રાને કારણે બ્રહ્મ નામનો નૈમિત્તિક પ્રલય થયો તે સમયે તેમની મુખમાંથી વેદ નીકળી ગયા. આ વેદને હયગ્રીવ નામનો દૈત્ય યોગબળથી ચોરી ગયો. સર્વજ્ઞ અને સર્વશક્મિાન પ્રભુએ દાનવરાજ હયગ્રીવની આ ચેષ્ટાને જાણી લીધી અને તેમણે મત્સ્યાવતાર ધારણ કર્યો.
દ્રવિડદેશના રાજા સત્યવ્રત કૃતમાલા નદીને કિનારે રહીને તપશ્ર્ચર્યા કરી રહ્યા હતા. એક વાર રાજા નદીમાં તર્પણ કરી રહ્યા હતા ત્યારે તેમના હાથમાં નદીના જળની સાથે એક નાની માછલી આવી. રાજાએ આ માછલીને નદીના જળમાં પાછી નાખી દીધી. તે માછલીએ રાજાને કહ્યું – “રાજન ! આ જળમાં અનેક મોટાં જળચરો છે. તેઓ મને ખાઇ જશે. આપ મને આ જળમાં ન નાખો.
રાજાએ દયા કરીને માછલીને પોતાના જળપાત્રમાં રાખીને આશ્રમ પર લઇ ગયા. આ કમંડલુમાં માછલીની વૃદ્ધિ થઇ અને એક જ રાત્રિમાં તે કમંડલુમાં ન સમાઇ શકે તેટલી મોટી થઇ ગઇ. માછલીએ રાજાને પોતોને કોઇ મોટા પાત્રમાં મૂકવા વિનંતી કરી. મહારાજ સત્યવ્રતે
માછલીને એક ઘડામાં રાખી. માછલી માત્ર બે ઘડીમાં જ એટલી વધી ગઇ કે તેનું કદ ત્રણ હાથ જેટલું થયું. માછલીએ પોતાને વધુ મોટા સ્થાનમાં રાખવી વિનંતી કરી. રાજા સત્યવ્રતે માછલીને સરોવરમાં મૂકી. થોડા જ સમયમાં માછલીનું કદ એટલું મોટું થઇ ગયું કે તેણે આખા સરોવરને ઘેરી લીધું. માછલીએ સત્યવ્રતને વધુ મોટા સરોવરમાં મૂકવા વિનંતી કરી. રાજા માછલીને મોટા અને અધિક મોટા સરોવરમાં મૂકતા ગયા તેમ-તેમ મત્સ્યનું કદ વધતું ગયું. આખરે રાજાએ આ લીલામત્સ્યને સમુદ્ધમાં છોડી દીધો. તે વખતે મત્સ્યરાજે રાજાને કહ્યું – “હે રાજન ! સમુદ્રમાં મોટા મગર આદિ જળચરો રહે છે, તેઓ મને ખાઇ જશે. આપ કૃપા કરીને મને આ સમુદ્રજળમાં ન મૂકો.
હવે રાજા સત્યવ્રત આ લીલામત્સ્યને ઓળખી ગયા. રાજાએ ભગવાન મત્સ્યનારાયણની સ્તુતિ કરી અને તેમનું શરણ ગ્રહણ કર્યું.
ભગવાન મત્સ્યનારાયણ રાજા સત્યવ્રત પર પ્રસન્ન થયા અને તેમણે રાજાને કહ્યું –
” રાજન ! આજથી સાતમા દિવસે ભૂલોક સહિત ત્રણે લોક પ્રલયના સમુદ્રમાં ડૂબી જશે. તે સમયે મારી પ્રેરણાથી એક મોટી નૌકા તમારી પાસે આવશે. તમે સપ્તર્ષિઓ સાથે, બધાં પ્રાણીઓનાં સૂક્ષ્મ શરીરો અને સમસ્ત ધાન્યોનાં બીજ સાથે લઇને તે નૌકામાં બેસજો. તે વખતે હું મારા આ મહામત્સ્યરૂપે તમારી પાસે આવીશ. તમે વાસુકિનાગથી મારા સિંગ સાથે નૌકાને બાંધજો. હું નૌકાને સાથે રાખીને પ્રલયસમુદ્રમાં વિચરણ કરીશ.
મહારાજ સત્યવ્રતને આ પ્રમાણે આદેશ આપીને મત્સ્યભગવાન અંતર્ધાન થઇ ગયા.
મહારાજ સત્યવ્રત ભગવાનનું ચિંતન કરતાં-કરતાં તે સ્થાને પૂર્વોત્તર મુખે બેસી ગયા. ભગવાને કહેલો પ્રલયકાલીન સમય આવ્યો. ભયંકર મેઘવર્ષા થઇ અને પૃથ્વી સમુદ્રમાં ડૂબવા લાગી. રાજા ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરવા લાગ્યા. તે જ સમયે એક મહાનાવ પણ ત્યાં આવી. રાજા સપ્તર્ષિઓ અને બીજાને લઇને નાવમાં બેઠા. ભગવાન સમુદ્રમાં મત્સ્યભગવાનના સિંગ સાથે વાસુકિનાગ વડે બાંધી દીધી. મહારાજ સત્યવ્રતે કરુણાભાવે ભગવાનની સ્તુતિ કરી. સત્યવ્રતજીની આ પ્રાર્થના સાંભળીને ભગવાન મત્સ્યનારાયણે સમુદ્રજળમાં વિહાર કરતાં-કરતાં તેમને આત્મતત્ત્વનો ઉપદેશ આપ્યો. મત્સ્યનારાયણના આ ઉપદેશને ‘મત્સ્યપુરાણ’ કહે છે.
પ્રલયકાળ દરમિયાન આ રીતે ભગવાન નૌકા સાથે સમુદ્રમાં ઘૂમતા રહ્યા. જ્યારે પ્રલયકાળનો અંત આવ્યો ત્યારે બ્રહ્માજીની ઊંઘ તૂટી અને ભગવાને હયગ્રીવ અસુરને મારીને તેની પાસેથી વેદ લઇ લીધા અને બ્રહ્માજીને સોંપ્યા.
ભગવાનની કૃપાથી જ્ઞાન અને વિજ્ઞાનથી યુક્ત થઇને રાજા સત્યવ્રત આ કલ્પમાં વૈવસ્વત મનુ થયા.
સત્યવ્રત, સપ્તર્ષિઓ અને બ્રહ્માજીને બ્રહ્મતત્ત્વનો ઉપદેશ આપનાર ભગવાન મત્સ્યનારાયણને પ્રણામ હો!
જળપ્રલય અને નૌકા દ્વારા બચાવાની આ કથા અત્યંત પ્રાચીન છે અને અન્ય પ્રાચીન સંસ્કૃતિઓમાં પણ તે જોવા મળે છે. સુમેરુ (મેસોપોટેમિયા)ની સંસ્કૃતિના અવશેષરૂપે મળી આવેલી માટીની તકતીઓમાં આ પ્રસંગને કંડારવામાં આવેલો છે. બાઇબલના ‘જેનેસિસિ’ પ્રકરણમાં નોહ અને તેની નૌકાની કથા છે. શ્રીમદ ભાગવતની અને બાઇબલની આ કથામાં ઘણી સમાનતા છે.
હવે આપણે મત્સ્યાવતારની કથાનો સંકેતાર્થ સમજવા પ્રયત્ન કરીએ.
૧. સૃષ્ટિ અને પ્રલય, પ્રલય અને સૃષ્ટિનો ક્રમ આપણે જાણી ન શકીએ તે કાળથી ચાલુ છે અને આપણે જાણી ન શકીએ તે કાળ સુધી ચાલુ રહેશે. આ સૃષ્ટિ અને પ્રલયના કર્તા શ્રીહરિ છે. પ્રલય પછી સૃષ્ટિનો તંતુ ફરીથી ચાલુ થાય છે તે ભગવાન શ્રીહરિની શક્તિથી જ થાય છે. આપણી વામણી દૃષ્ટિથી આપણે આ અનંત સૃષ્ટિની રચના અને મહિનાને સમજી ન શકીએ અને અને સૃષ્ટિના ક્રમને પણ પામી ન શકીએ. ભગવાનની મહાચેતનામાં આ સર્વ રહસ્યો અવસ્થિત છે.