Homeધર્મતેજઅવતારલીલાનું સ્વરૂપ

અવતારલીલાનું સ્વરૂપ

પરમાત્મા પોતાના સ્વરૂપમાંથી રજમાત્ર નીચે ન ઊતરે તો સૃષ્ટિની રચના શક્ય બને?

જીવનનું અમૃત -ભાણદેવ

(ગયા અંકથી ચાલુ)
સૃષ્ટિની રચના માટે પરમાત્મા પોતાની જાતનું બલિદાન આપે છે. પરમાત્મા પોતાના સચ્ચિદાનંદસ્વરૂપમાંથી નીચે ઊતરીને સૃષ્ટિરૂપ બને છે તે શું નાનુંસૂનું બલિદાન છે? જો સચ્ચિદાનંદ પરમાત્મા પોતાના સ્વરૂપમાંથી રજમાત્ર નીચે ન ઊતરે તો શું સૃષ્ટિની રચના શક્ય બને? જો પરમાત્મા આત્મમર્યાદા (જયહર-હશળશફિંશિંજ્ઞક્ષ)ની પ્રક્રિયાનો સ્વીકાર ન કરે તો સૃષ્ટિ બને કેવી રીતે? સૃષ્ટિની ઉત્પત્તિરૂપ મહાયજ્ઞમાં પરમાત્મા પશુરૂપ બન્યા છે તેનો અર્થ એમ કે પરમાત્માએ પોતાનું બલિદાન આપ્યું છે. પરમાત્માએ સૃષ્ટિરૂપ બનવાનું સ્વીકાર્યું તે જ પરમાત્માનું આત્મબલિદાન છે. આ જ ઘટનાને ‘પરમાત્મા પશુરૂપ બન્યા’ તે શબ્દપ્રયોગ દ્વારા સૂચિત કરવામાં આવેલ છે. સચ્ચિદાનંદસ્વરૂપ પરમાત્મા ધૂળ અને પથ્થર બને, કીડામકોડા બને તે કાંઈ નાનુંસૂનું બલિદાન નથી. પરમાત્માનું આ આત્મબલિદાન આ આત્મસમર્પણ તે જ આદિયજ્ઞ છે અને તે આદિયજ્ઞને પરિણામે સૃષ્ટિની ઉત્પત્તિની ઘટના શક્ય બની છે.
ભગવાન વિષ્ણુ ફરી એક વાર આત્મબલિદાન આપે છે, પોતાની જાતનું સૃષ્ટિના વિકાસ માટે – પૃથ્વીના ઉદ્ધાર માટે સમર્પણ કરે છે. બ્રહ્માજીની વિટંબણા ટાળવા માટે, પૃથ્વીના ઉદ્ધાર માટે કોટિ બ્રહ્માંડના અધિનાયક પરમાત્મા ભગવાન વિષ્ણુ વરાહસ્વરૂપે રસાતલ સુધી નીચે ઊતરે છે. આ પરમાત્માનું આત્મસમર્પણ તે જ યજ્ઞ છે. કારણ કે સમર્પણ જ યજ્ઞનું કેન્દ્રસ્થ તત્ત્વ છે. ભગવાન વિષ્ણુનું વરાહસ્વરૂપ ધારણ કરવું અને રસાતલ સુધી જવું તે યજ્ઞ છે, પરમયજ્ઞ છે તેથી વરાહસ્વરૂપ વિષ્ણુને યજ્ઞસ્વરૂપ ગણાવેલ છે, યજ્ઞ સાથે તેમને એકરૂપ ગણાવેલ છે.
ઋષિઓએ ભગવાન વરાહને યજ્ઞસ્વરૂપ ગણીને તેમની સ્તુતિ કરી છે, કારણ કે વરાહાવતારમાં રહેલી ભગવાન વિષ્ણુની યજ્ઞપરકતાના સ્વરૂપને તેઓ જાણે છે.
વરાહ અવતારની ઘટનાને બીજી એક રીતે પણ સમજાવી શકાય તેમ છે. ઉપરોક્ત અર્થઘટનમાં આપણે વરાહાવતારને યજ્ઞસ્વરૂપ ગણાવેલ છે. આ બીજી પદ્ધતિમાં યજ્ઞને વરાહસ્વરૂપ ગણીને વરાહઅવતારને સમજાવી શકાય તેમ છે.
આપણા પ્રાચીન વૈદિક પરંપરામાં યજ્ઞને ધર્મનું કેન્દ્ર, ધર્મની નાભિ ગણવામાં આવે છે. ધર્મ અને અધ્યાત્મનું સમગ્ર તત્ત્વ યજ્ઞકેન્દ્રી છે તેવી વૈદિક દૃષ્ટિ છે. વૈદિક પરંપરામાં યજ્ઞનું મહત્ત્વ અને મૂલ્ય કેટલું છે તે સમજવા માટે આ એક હકીકત પૂરતી ગણાશે કે ચોવીશ અવતારોમાં ‘યજ્ઞ’ને પણ એક અવતાર ગણવામાં આવેલ છે.
जातो रुचेरजनयत् सुयमान् सुयज्ञ
आकूतिसूनुरमरानथ दक्षिणायाम्।
– श्रीमद् भागवत; 2-7-2
“પછી તે ભગવાન રુચિ નામના પ્રજાપતિથી તેમનાં પત્ની આકૂતિ દ્વારા ‘સુયજ્ઞ’ નામે જન્મ્યા હતા. તે ભગવાન સુયજ્ઞે પોતાની પત્ની દક્ષિણામાં સુયમ નામે દેવોને જન્મ આપ્યો હતો.
ભગવાનનો જન્મ ધર્મસ્થાપના માટે થાય છે તેમ ગીતામાં ભગવાન સ્વમુખે કહે છે. યજ્ઞ (સુયજ્ઞ) પણ ભગવાનનો અવતાર છે તેથી યજ્ઞ દ્વારા ધર્મની સંસ્થાપના થઈ છે તેમ સિદ્ધ થાય છે.
ધર્મસંસ્થાપના દ્વારા ભગવાન
યજ્ઞે પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે. ધર્મ વિના પૃથ્વી રસાતલમાં જાય છે. આ રસાતલમાં અર્થાત્ વિનાશની ગર્તામાં ગયેલી પૃથ્વીનો ધર્મસંસ્થાપના દ્વારા યજ્ઞસ્વરૂપ ભગવાને અર્થાત્ યજ્ઞાવતાર ભગવાને ઉદ્ધાર કર્યો છે.
યજ્ઞ દ્વારા ધર્મની સંસ્થાપનાપૂર્વક પૃથ્વીનો ઉદ્ધાર થયો. આ ઘટનાને વરાહાવતાર દ્વારા સમજાવવામાં આવી છે. યજ્ઞનું સ્વરૂપ, યજ્ઞની વિધિ તે જ વરાહભગવાન છે. યજ્ઞરૂપી વરાહભગવાનને વિષ્ણુનો અવતાર ગણી તેમના દ્વારા પૃથ્વીનો ઉદ્ધાર થયો છે તેમ કહેવાયું છે.
અર્થઘટનની પ્રથમ પદ્ધતિમાં ભગવાન વરાહને યજ્ઞરૂપે ગણવામાં આવેલ છે અને દ્વિતીય પદ્ધતિમાં યજ્ઞને વરાહસ્વરૂપ ગણવામાં આવેલ છે. બંને પદ્ધતિઓ વચ્ચે કોઈ વિરોધ નથી. બંને રીતે યજ્ઞના સ્વરૂપને અને વરાહભગવાનના સ્વરૂપને એકરૂપ ગણવામાં આવેલ છે.
આમ યજ્ઞરૂપી વરાહનારાયણે કે વરાહરૂપી યજ્ઞનારાયણે હિરણ્યાક્ષનો વધ કરીને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો અર્થાત્ પૃથ્વીને પ્રજાના વસવાટ માટે લાયક બનાવી પૃથ્વીનો ઉદ્ધાર થયેલો જોઈને મહારાજ મનુ અને શતરૂપાજી પ્રસન્ન થયાં અને મિથુનધર્મ દ્વારા પ્રજોત્પત્તિ માટે પ્રવૃત્ત થયાં.
કથાના માધ્યમ દ્વારા સત્ય કહેવાની, કથાના માધ્યમ દ્વારા તત્ત્વ સમજાવવાની અને કથાના માધ્યમ દ્વારા અધ્યાત્મ રજૂ કરવાની પૌરાણિક પદ્ધતિ છે. વરાહાવતારની કથા દ્વારા પણ આ રીતે બ્રહ્માંડરચનાવિષયક સત્ય (ભજ્ઞળજ્ઞહજ્ઞલશભફહ િિીંવિં) રજૂ થાય છે.
બ્રહ્માંડરચના અને બ્રહ્માંડના ધારણ વિશે આપણા વૈદિક સાહિત્યમાં અનેક મંત્રો છે. વૈદિક સાહિત્યમાં જે સત્ય મંત્રો દ્વારા વ્યક્ત થયું છે તે જ સત્ય તે જ તત્ત્વ પુરાણોમાં કથાઓમાં માધ્યમ દ્વારા વ્યક્ત થયું છે. કથામાં કથાનો રસ તો છે જ, પરંતુ સાથેસાથે મંત્રનું સત્ય પણ છે. જે પુરાણું છે તે નવી રીતે વ્યક્ત કરે છે તેથી તેમને ‘પુરાણ’ કહેવામાં આવે છે.
વરાહાવતારની ઘટનામાં ઐતિહાસિક તથ્ય કેટલું અને કેવું છે? આ પ્રશ્ર્નના ઉત્તરમાં કહી શકાય કે વરાહાવતારની કથા દ્વારા બ્રહ્માંડરચનાવિષયક જે સૂક્ષ્મ અને મહાન ઘટનાનું વર્ણન થયું છે તે ઘટના ઐતિહાસિક ઘટના જ છે. આ કથા દ્વારા જે આધ્યાત્મિક સત્ય થાય છે તે તો ત્રિકાલાબાધિત છે.
આપણાં પુરાણોમાં અને આપણાં મહાકાવ્યોમાં જે કથાઓ રજૂ થઈ છે તે કથાઓમાં ઘણાં મૂલ્યવાન સત્યો રજૂ થયાં છે. આ કથાઓ અવગણનાને પાત્ર નથી. ધ્યાનને પાત્ર છે, ચિંતનને પાત્ર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -