મુંબઈ: દિલ્હીમાં લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વાલકરની નિર્દયતાથી હત્યા કરી તેના શરીરના ૩૫ ટુકડા કરવાની ઘટના સામે આવ્યાને મહિનો વીત્યા છતાં આ કેસ સંબંધિત ફોરેન્સિક અને ડીએનએ રિપોર્ટ્સ હજુ આવ્યા નથી.
દિલ્હી પોલીસે ૧૨ નવેમ્બરે શ્રદ્ધાના લિવ-ઈન પાર્ટનર આફતાબ અમીન પૂનાવાલાની ધરપકડ કર્યા પછી આ ભયાનક હત્યાકાંડની વિગતો જાણીને આખા દેશમાં આઘાતની લાગણી ફેલાઈ હતી.
પૂછપરછ દરમિયાન પૂનાવાલાએ શ્રદ્ધાની હત્યા અને તેના શરીરના ૩૫ ટુકડા કર્યા પછી તેને જંગલમાં ફેંક્યા હોવાની વાત કબૂલી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પૂનાવાલાએ આપેલી માહિતીને આધારે પોલીસે જંગલમાં સતત સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. શ્રદ્ધાના શરીરના ૧૩ ટુકડા મળી આવ્યા હોવાનો દાવો કરનારી પોલીસ વધુ ટુકડાની શોધ ચલાવી રહી છે. જોકે શરીરના આ ટુકડાની ડીએનએ એનાલિસિસ પરથી જ એ વાતની ખાતરી થશે કે તે શ્રદ્ધાના શરીરના છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તપાસ હજુ ચાલી રહી છે. જોકે ફોરેન્સિક અને ડીએનએ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે એક ડેટિંગ ઍપના માધ્યમથી શ્રદ્ધા અને આફતાબની ઓળખાણ થઈ હતી. બન્ને વચ્ચે પ્રેમ થતાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યાં હતાં. મેના બીજા પખવાડિયામાં શ્રદ્ધાની હત્યા થઈ તેના અમુક દિવસ પહેલાં જ બન્ને જણ દિલ્હીના ફ્લૅટમાં ભાડેથી રહેવા ગયાં હતાં. આ કેસમાં દિલ્હી પોલીસે શ્રદ્ધાનાં માતા-પિતા, વસઈ સ્થિત તેના મિત્રો અને શ્રદ્ધા મુંબઈના મલાડમાં જે કૉલ સેન્ટરમાં કામ કરતી હતી તેના મૅનેજરનાં નિવેદન નોંધ્યાં હતાં. (પીટીઆઈ)