ભારતમાં કેમ્પસ સ્થાપવા માંગતી વિદેશી યુનિવર્સીટીને લઈને UGCએ મહત્વનો નિર્ણય લીધો છે. ભારતમાં કેમ્પસ શરુ કરતી વિદેશી યુનિવર્સિટીઓ ઓનલાઈન કોર્ષ ઓફર નહિ કરી શકે. યુજીસીના ચેરમેન એમ જગદેશ કુમારે કહ્યું છે કે ભારતમાં કેમ્પસ સ્થાપતી વિદેશી યુનિવર્સિટીઓને તેમની પોતાની પ્રવેશ પ્રક્રિયા ડિઝાઇન કરવાની સ્વતંત્રતા હશે.
યુજીસીના અધ્યક્ષ એમ જગદેશ કુમારે જણાવ્યું કે વિદેશી યુનિવર્સિટીઓને ભારતમાં કેમ્પસ સ્થાપવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની મંજૂરી લેવાની રહેશે. પ્રારંભિક મંજૂરી 10 વર્ષ માટે રહેશે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે દેશમાં કેમ્પસ ધરાવતી વિદેશી યુનિવર્સિટીઓ માત્ર ફિઝિકલ મોડમાં જ ફુલ-ટાઈમ પ્રોગ્રામ ઓફર કરી શકે છે અને ઓનલાઈન કે ડિસ્ટન્સ લર્નિંગ મોડમાં નહીં.
આ યુનિવર્સિટીઓને તેમની પોતાની પ્રવેશ પ્રક્રિયા અને ફી માળખું ઘડવાની સ્વતંત્રતા હશે. યુજીસીએ ગુરુવારે ભારતમાં વિદેશી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના કેમ્પસની સ્થાપના અને સંચાલન માટેના ડ્રાફ્ટ નિયમોની જાહેરાત કરી હતી. જે મુજબ વિદેશી યુનિવર્સિટીઓએ પણ એ સુનિશ્ચિત કરવું પડશે કે તેમના ભારતીય કેમ્પસમાં આપવામાં આવતા શિક્ષણની ગુણવત્તા તેમના મુખ્ય કેમ્પસની સમાન હોય. ક્રોસ બોર્ડર ફાઈનાન્સ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ મુજબ થશે. વિદેશી યુનિવર્સિટીઓને આપવામાં આવેલી મંજૂરી અમુક શરતોની પરિપૂર્ણતાને આધીન નવમા વર્ષમાં રિન્યુ કરવામાં આવશે.