ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે સીમા વિવાદ મુદ્દે ચીન અને આતંકવાદ મુદ્દે પાકિસ્તાન એમ બંને પડોશી દેશની ખોટી નીતિની આકરી ટીકા કરી હતી. ઓસ્ટ્રિયાના પ્રવાસ દરમિયાન વિદેશ પ્રધાને કહ્યું હતું કે ચીનની સાથે યુક્રેન અને રશિયાને લઈ ભારતનો પક્ષ રજૂ કર્યો હતો. ઉપરાંત, તેમણે કહ્યું હતું કે ભારત સીમા સમજૂતીનું પાલન કરતું નથી એવો ચીનને કહેવાનો કોઈ અધિકાર નથી અને ભારતની પાસે સાબિતીઓ છે કે એલએસી (Line of Actual Control) પર સૈનિકોને સૌથી પહેલી વખત લાવ્યું હતું. આજે પણ સીમા પર તનાવની પરિસ્થિતિ છે, કારણ કે ચીને સરહદી વ્યવસ્થાને લઈને કોઈ નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી.
પરોક્ષ રીતે પાકિસ્તાનની પણ ઝાટકણી કાઢી હતી.
આતંકવાદનું મૂળ પાકિસ્તાન છે અને એ જ વાત પર મક્કમ રહેતા ઓસ્ટ્રિયામાં ફરી વિદેશ પ્રધાન એસ. જયશંકર પાકિસ્તાન પર ભડક્યા હતા અને કહ્યું હતું કે સીમાપાર આતંકવાદ ફેલાવવામાં પાકિસ્તાનનું યોગદાન છે અને તેના માટે હું આનાથી પણ કડક શબ્દોનો ઉપયોગ કરી શકું છું. સરહદ પાર આતંકવાદ ફેલાવવા માટે પાકિસ્તાનનો સૌથી મોટો હાથ છે અને આતંકવાદ મુદ્દે આખી દુનિયાએ ચિંતા કરવાનું જરુરી છે. ઓસ્ટ્રિયાના વિદેશ પ્રધાનની સાથે મીટિંગ દરમિયાન એસ. જયશંકરે પાકિસ્તાનનું નામ લીધા વિના તેને આતંકવાદનું મુખ્ય કેન્દ્ર હોવાનો આરોપ મૂક્યો હતો. વિદેશ પ્રધાન ઓસ્ટ્રિયાના ત્રણ દિવસથી પ્રવાસે છે, જ્યારે આજે ત્રીજો દિવસ છે.