કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદી વિરુદ્ધ વિદેશી ષડયંત્રનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે પીએમ મોદીને બદનામ કરવા માટે અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસ ભારતમાં રાજકીય પક્ષોને ફંડ આપીને લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવા માંગે છે.
તેમણે કહ્યું કે બેંક ઓફ ઈંગ્લેન્ડને તોડનાર વ્યક્તિ, જેનું નામ આર્થિક યુદ્ધ ગુનેગાર તરીકે સામેલ છે, તેણે હવે ભારતીય લોકતંત્રને તોડવાનું એલાન કર્યું છે. ઘણા દેશો સામે દાવ લગાવનાર જ્યોર્જ સોરોસે હવે ભારતની લોકતાંત્રિક પ્રક્રિયાઓ અંગે પોતાના નાપાક ઈરાદા વ્યક્ત કર્યા છે.
તેમણે આ અંગે દેશના નાગરિકોને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે આજે એક નાગરિક તરીકે હું દેશની જનતાને આહ્વાન કરવા માંગુ છું કે એક વિદેશી શક્તિ, જેના કેન્દ્રમાં જ્યોર્જ સોરોસ નામનો વ્યક્તિ છે તેનો વિરોધ કરે. તે ભારતના લોકતાંત્રિક માળખાને નુકસાન પહોંચાડવા માંગે છે.
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે જ્યોર્જ સોરોસે એલાન કર્યું હતું કે ભારતમાં મોદીને ઝુકાવશે અને ભારતની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને તોડી પાડશે. તેઓ વડાપ્રધાન મોદીને તેમના હુમલાનું મુખ્ય કેન્દ્ર બનાવશે. તેઓ તેમની વિદેશી સત્તા હેઠળ ભારતમાં એવી વ્યવસ્થા બનાવશે જે તેમના હિતોનું રક્ષણ કરશે, ભારતનું નહીં.
તેમણે કહ્યું કે આજે આપણે જ્યોર્જ સોરોસને એકસાથે જવાબ આપીએ કે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર અને આપણા વડાપ્રધાન આવા ખોટા ઈરાદાઓ સામે ઝૂકશે નહીં. આપણે ભૂતકાળમાં પણ વિદેશી તાકતોને હરાવી છે, ભવિષ્યમાં પણ હરાવીશું.