મુંબઈ: ગત તા. ૧૩ જાન્યુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામત તાજેતરના સૌથી મોટા ૧૦.૪૧૭ અબજના સાપ્તાહિક ઉછાળા સાથે ૫૭૨ અબજ ડૉલરની સપાટીએ રહી હતી. જોકે આ પૂર્વે ગત ઑક્ટોબર, ૨૦૨૨માં અનામતમાં સાપ્તાહિક ધોરણે ૧૪.૭૨૧ અબજ ડૉલરનો ઉછાળો આવ્યો હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે અનામત ૧.૨૬૮ અબજ ડૉલર ઘટીને ૫૬૧.૫૮૩ અબજ ડૉલરના સ્તરે રહી હતી.
દરમિયાન સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશની કુલ અનામતોમાં મુખ્ય હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામતો ૯.૦૭૮ અબજ ડૉલર વધીને ૫૦૫.૫૧૯ અબજ ડૉલરના સ્તરે રહી હતી. વધુમાં સપ્તાહ દરમિયાન દેશની સોનાની અનામત ૧.૧૦૬ અબજ ડૉલર વધીને ૪૨.૮૯ અબજ ડૉલરની સપાટીએ, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ ૧૪.૭ કરોડ ડૉલર વધીને ૧૮.૩૬૪ અબજ ડૉલર અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેની અનામત ૮.૬ કરોડ ડૉલર વધીને ૫.૨૨૭ અબજ ડૉલરની સપાટીએ રહી હતી.