નવી મુંબઈ મહાનગરપાલિકા (એનએમએમસી)એ પોતાને ફાળવવામાં આવેલા ક્વોટાથી વધુ પાણી વાપરવા બદલ શહેરભરની ૩00થી વધુ હાઉસિંગ સોસાયટીઓને નોટિસ ફટરકારી હતી. આ સોસાયટીઓને આર્થિક દંડ ન થાય એ માટે પોતાના પાણીના વપરાશ પર એકદમ ચાંપતી નજર રાખવાની ભલામણ પણ કરવામાં આવી છે.
પાલિકાના વોટર ડિપાર્ટમેન્ટના અધિકારીએ આપેલી માહિતી અનુસાર નવી મુંબઈની કુલ ૩૩૬ હાઉસિંગ સોસાયટીઓને નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં દિઘા વોર્ડમાં સૌથી વધુ એટલે કે ૮૦ સોસાયટીઓને પાણીના સરપ્લસ વપરાશ માટે નોટિસ મોકલવામાં આવી છે. જ્યારે બીજા નંબરે આવે છે વાશી વોર્ડ. અહીં ૭૫ સોસાયટીઓએ ક્વોટાથી વધુ પાણી વાપર્યું છે, જેમને એક વોર્નિંગ નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે, એવું અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું.
પાણી પુરવઠાનો ક્વોટા પ્રત્યેક સોસાયટીના ફલેટસ અને રહેવાસીઓની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવે છે અને બિલ્ડીંગની જરૂરીયાત મુજબ પાણીનું કનેક્શન આપવામાં આવે છે. અલ નિનોને કારણે આ વખતે નૈઋત્યનું ચોમાસુ સામાન્ય કરતા નબળું રહેવાની આગાહી હવામાન ખાતા દ્વારા પહેલાંથી જ કરવામાં આવી છે. આ વરસે ચોમાસુ ખેંચાઈ જવાની શક્યતા હોવાથી ઓછો વરસાદ થશે.
ડેમવાળા વિસ્તારોમાં સારો વરસાદ ન થાય ત્યાં સુધી જળસ્ત્રોતોને વિવેકપૂર્વક ઉપયોગ કરવાની અને પાણીની માંગને પહોંચી વળવા આપાતકાલીન પ્લાન તૈયાર રાખવાની રાજ્ય સરકારની તાકીદને પગલે એનએમએમસીએ પાણીકાપ અને પાણીના વેડફાટ સામે આકરા પગલાં લેવા સહિતના વિવિધ ઉપાયો અમલમાં મુક્યા છે.
નવી મુંબઈને પાણી પુરું પાડતા મોરબે ડેમમાં ઓગસ્ટના પહેલાં સપ્તાહ સુધી ચાલે એટલું પાણી હોવા છતાં મહાપાલિકા પાણી બચાવવા પર ભાર મુકી રહી છે અને નાગરિકોને પણ સહકાર આપવાની ભલામણ કરી રહી છે.
કયા વોર્ડમાં કેટલી સોસાયટીને આપવામાં આવી નોટિસ-
- દિધા:- ૮૦
- વાશીઃ- ૭૫
- બેલાપુરઃ- ૬૦
- કોપરખૈરણેઃ- ૫૫
- ઘણસૌલીઃ- ૩૦
- નેરુલઃ- ૧૫
- તુર્ભેઃ- ૧૦
- ઐરોલીઃ- ૮