પાટનગર દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે, જેમાં રવિવારે વધુ પારો નીચે ગયો હતો. આગામી બે દિવસ પાટનગર દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફેલાયેલું રહેશે, એવી હવામાન વિભાગે આગાહી કરી હતી.
આગામી 48 કલાકમાં દિલ્હીમાં તાપમાન ઘટીને ચાર ડિગ્રીએ પહોંચી શકે છે. રવિવારે પાટનગર દિલ્હીનું તાપમાન મહત્તમ 19 ડિગ્રી તથા સોમવારે 20 ડિગ્રીની આસપાસ રહી શકે છે. દિલ્હી અને એનસીઆરના અનેક વિસ્તારોમાં ઠંડા પવન ફંકાતા ઠંડીનું પ્રમાણ વધી શકે છે. સોમવારે સવારના ધુમ્મસવાળું વાતાવરણ રહી શકે છે, જ્યારે જોરદાર ઠંડા પવન ફૂંકાઈ શકે છે, એમ હવામાન વિભાગના અહેવાલમાં જણાવ્યું હતું.
પાટનગર દિલ્હી અને એનસીઆરમાં મિનિમમ તાપમાન 5.3 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે આગામી બે-ત્રણ દિવસ કોલ્ડવેવ ફૂંકાઈ શકે છે. કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ પણ જારી કર્યું છે, તેથી મિનિમમ અને મહત્તમ તાપમાનમાં સરેરાશ બેથી ત્રણ ડિગ્રી સુધી પણ ઘટાડો થઈ શકે છે. આગામી બે દિવસ હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ, ચંદીગઢ અને દિલ્હીમાં કોલ્ડવેવ આવી શકે છે, જ્યારે રાજસ્થાન અને પૂર્વ રાજસ્થાનમાં આગામી પાંચેક દિવસની શક્યતા છે. દક્ષિણ ભારતમાં તમિલનાડુ, કેરલ અને લક્ષદ્વીપમાં અલગ અલગ જગ્યા વરસાદ પણ પડી શકે છે, એવી હવામાન વિભાગે આગાહી કરી હતી.