આઈપીએલમાં 30 એપ્રિલ રવિવારનો દિવસ બેટ્સમેનોના નામે રહ્યો હતો. આ દિવસે બે મેચ રમાઈ હતી અને આ બે મેચોની ચારેય ઇનિંગ્સમાં 200+ સ્કોર થયો હતો. આઈપીએલના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. આ ઉપરાંત બંને મેચમાં રન ચેઝ કરતી ટીમે જીત મેળવી છે. ખાસ વાત એ છે કે આ સફળ રન-ચેઝ એવા બે મોટા મેદાન પર થયા હતા, જ્યાં સામાન્ય રીતે મોટા સ્કોરનો પીછો કરવો સરળ નથી રહેતું.
રવિવારે રમાયેલી પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સ સામે 4 વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા હતા. અહીં ડેવન કોનવેએ 52 બોલમાં 92 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. જવાબમાં પંજાબ કિંગ્સે અંતિમ બોલ પર લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. પંજાબ કિંગ્સના લગભગ તમામ બેટ્સમેનોએ ટૂંકી અને ઝડપી ઇનિંગ્સ રમીને આ લક્ષ્ય સુધી ટીમને પહોંચાડી હતી. આ મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડીયમમાં રમાઈ હતી. આ પહેલા ચેપોકમાં આઈપીએલના ઈતિહાસમાં માત્ર બે વખત 200+ રનનો સ્કોર ચેઝ થઇ શક્યો હતો.
તેવી જ રીતે રવિવારે બીજી મેચમાં પણ રનનો વરસાદ થયો હતો. રાજસ્થાન રોયલ્સે યશસ્વી જયસ્વાલની 62 બોલમાં 124 રનની શાનદાર ઇનિંગનના સહારે 212 રનનો સ્કોર બનાવ્યો હતો. આ મેચ વાનખેડે ખાતે રમાઈ હતી, જ્યાં 200+ રન ચેઝ ક્યારેય થયો ન હતો. પરંતુ અહીં મુંબઈના બેટ્સમેનોએ આ વખતે બાઝી પલટી દીધી. કેમેરોન ગ્રીન (44), સૂર્યકમાર યાદવ (55) અને ટિમ ડેવિડ (45)ની ઝડપી ઇનિંગ્સને કારણે મુંબઈએ 3 બોલ બાકી રહેતા 213 રનનો વિશાળ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
IPL 2023માં અત્યાર સુધીમાં 42 મેચ રમાઈ છે અને એક પણ ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ નથી. 10માંથી 7 ટીમો વચ્ચે આ જંગ ખૂબ જ રસપ્રદ બની રહ્યો છે. અહીં 5 ટીમોએ 10 અથવા 10થી વધુ પોઈન્ટ મેળવ્યા છે. તે જ સમયે, બે ટીમોના ખાતામાં 8-8 પોઈન્ટ છે. 10 ટીમોમાંથી, ફક્ત ચાર ટીમોને પ્લેઓફમાં સ્થાન મળશે. આવી સ્થિતિમાં આ વખતે મુકાબલો ખૂબ જ રસપ્રદ બનવાનો છે.