મુંબઈ: પાંચસો રૂપિયા પરથી થયેલા વિવાદમાં ૨૫ વર્ષના યુવકની હત્યા કરવામાં આવી હોવાની ઘટના બાંદ્રા વિસ્તારમાં બની હતી. નિર્મલનગર પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરીને બે ભાઇની ધરપકડ કરી હતી. આરોપીઓની ઓળખ શાદાબ ખાન ઉર્ફે ભુરા (૨૧) અને શાનુ ખાન (૨૨) તરીકે થઇ હોઇ તેઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે.
પોલીસના જણાવ્યા અનુસાર બાંદ્રા પૂર્વના ગરીબનગરમાં રહેનારા નાઝિમ ખાન (૨૫)ની મિત્રતા છથી સાત મહિના પહેલાં શાદાબ ખાન સાથે થઇ હતી. મહિના અગાઉ શાદાબ ખાનથી નાઝિમનો મોબાઇલ પડીને બંધ થઇ ગયો હતો. મોબાઇલને રિપેર કરવા રૂ. એક હજાર ખર્ચવા પડ્યા હતા. આમાંથી પાંચસો રૂપિયા શાદાબે ગુરુવારે આપ્યા હતા અને બાકીના પાંચસો રૂપિયા રાતે આપવાનું કહ્યું હતું. જોકે નાઝિમે બાકીના પૈસા પણ અત્યારે જ આપવાનું શાદાબને કહ્યું હતું.
આ બાબતને લઇ નાઝિમ અને શાદાબ વચ્ચે વિવાદ થયો હતો અને શાદાબ તથા તેના ભાઇએ રેલવે સ્ટેશનના બ્રિજ નીચે નાઝિમની મારપીટ કરી હતી. બાદમાં તેઓ દાદરા ચડી રહ્યા હતા ત્યારે નાઝિમને શાદાબ નીચે ખેંચીને લાવ્યો હતો અને તેના પર ચાકુના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા નાઝિમનું મોત થતાં પોલીસે ગુનો દાખલ કરીને એક કલાકમાં જ બંને ભાઇને ઝડપી પાડી લોકઅપભેગા કરી દીધા હતા.