વસઈઃ નાલાસોપારામાં વેલેન્ટાઈન્સ ડેના દિવસે યુવતીની છેડતી કરવા ગયેલાં યુવકને માતા અને યુવતીએ ચખાડેલા મેથીપાક બાદ હવે વસઈથી આવા જ એક ન્યૂઝ આવી રહ્યા છે, જેમાં કોમ્યુટર સાયન્સમાં ગેજ્યુએશન કરનાર બેરોજગાર યુવકે પોતાની પ્રેમિકાને વેલેન્ટાઈન્સ ડેના દિવસે ગિફ્ટ આપવા માટે ઈલેક્ટ્રિક સ્કૂટીની ચોરી કરી હતી. પોલીસને તેની પાસેથી 3 લાખ 90 હજાર રૂપિયાની કિંમતની બીજી પાંચ બાઈક પણ જપ્ત કરી હતી.
વસઈના માણિકપુર પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલા આરોપીનું નામ ચંદ્રેશ પાઠક છે અને તે દહીંસરનો રહેવાસી છે. પોતાની પ્રેમિકાને વેલેન્ટાઈન્સ ડે નિમિત્તે ગિફ્ટ આપવા માટે ઈલેક્ટ્રિક સ્કૂટી ચોરી હતી. નાયગાંવ રહેવાસી નિહાલ ઘરાતે પોતાની ઓલા કંપનીની ઈલેક્ટ્રો પ્રો સ્કૂટી નાયગાંવના બ્રિજ નીચ પાર્ક કરી હતી, જ્યાંથી ચંદ્રેશે ગાડી ચોરી હતી.
ગુનાની તપાસ કરતી વખતે માણિકપુર પોલીસ ચંદ્રેશ પાઠક સુધી પહોંચી હતી. વેલેન્ટાઈન્સ ડેના દિવસે ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવા માટે તેણે આ ટૂ-વ્હીલર ચોરી હતી એવી કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી. પોલીસને ચંદ્રેશ પાસેથી રૂપિયા 3 લાખ 90 હજારની કિંમતની બીજી પાંચ બાઈક પણ મળી આવી હતી. પોલીસ તેણે ભૂતકાળમાં હજી આવી કેટલી ટૂ-વ્હીલર ચોરી છે એ બાબતે તપાસ કરી રહી છે.
આ પહેલાં પણ વસઈમાં જ એક યુવકે બોડી બિલ્ડિંગનો શોખ પૂરો કરવા માટે ટૂ-વ્હીલર ચોરી કરવાનું શરૂ કર્યું હોવાનો કિસ્સો જોવા મળ્યો હતો અને એ સમયે પણ પોલીસે તેની પાસેથી ચોરેલી અન્ય ટૂ-વ્હીલર જપ્ત કરી હતી.