રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો મોટો નિર્ણય: બનાવટી વિદ્યાર્થીઓને રોકવાનો હેતુ
વિપુલ વૈદ્ય
મુંબઈ: કેન્દ્ર અને રાજ્ય સરકારે કોઈપણ યોજના માટે અથ્ાવા ઉપક્રમ માટે આધાર કાર્ડ ફરજિયાત ન હોવાનું વલણ વારંવાર દેશની વિવિધ અદાલતો સમક્ષ સ્પષ્ટ કર્યું હોવા છતાં રાજ્યના શિક્ષણ વિભાગે સ્કૂલોમાં એડમિશન માટે ફક્ત વિદ્યાર્થીઓના જ નહીં, વાલીઓના પણ આધાર કાર્ડ લિંક કરવાની ફરજ પાડી છે અને તેને કારણે આગામી દિવસોમાં વિવાદ થવાની શક્યતા છે.
રાજ્ય સરકારે સ્કૂલોમાં બનાવટી વિદ્યાર્થીઓની સંખ્યા પર નિયંત્રણ લાવવા માટે ફક્ત વિદ્યાર્થીઓના જ નહીં, તેમના વાલીના આઘાર કાર્ડને લિંક કરવાની શરત રાખી છે. નિવૃત ન્યાયમૂર્તિ પી. વી. હરદાસની અધ્યક્ષતા હેઠળ સમિતિ સ્થાપિત કરવામાં આવી છે. આ સમિતિનો અહેવાલ સ્વીકારીને સ્કૂલોમાં એડમિશન માટે નવી માર્ગદર્શક સૂચના બહાર પાડી છે.
રાજ્યમાં ખાસ કરીને ૨૦૧૦ના સમયગાળામાં રાજ્યની અનેક સ્કૂલોમાં વિદ્યાર્થીઓની બનાવટી અને વધારેલી સંખ્યા દેખાડીને કરોડો રૂપિયાનું સરકારી અનુદાન હડપ કરવામાં આવ્યું હતું. મુંબઈ હાઈ કોર્ટની ઔરંગાબાદ ખંડપીઠે આવા પ્રકારો રોકવા માટે નિવૃત્ત ન્યાયમૂર્તિની અધ્યક્ષતા હેઠળ એક સમિતિ ગઠિત કરી હતી. પી. વી. હરદાસની સમિતિએ ૧ જુલાઈ, ૨૦૨૨ના રોજ પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો.
આ અહેવાલમાં બનાવટી વિદ્યાર્થીઓની સંખ્યા દેખાડીને સરકારી ગ્રાન્ટ મેળવનારી શાળા પર કાર્યવાહી કરવા માટે તેમ જ સ્કૂલોમાં એડમિશનની પ્રક્રિયામાં આચરવામાં આવતી ગેરરીતિઓને રોકવા માટે કેટલીક ભલામણો કરી હતી. તેમાં સ્કૂલોની મેનેજિંગ કમિટીને એડમિશનની જવાબદારી સોંપવામાં આવી છે. આવી જ રીતે આ સમિતિ સ્કૂલોની એડમિશન પ્રક્રિયા પર નજર રાખશે.
બોગસ વિદ્યાર્થીઓની સંખ્યા શોધી કાઢવા માટે શિક્ષણાધિકારી, શિક્ષણ ઈન્સ્પેક્ટર, ગટ શિક્ષણઅધિકારી, કેન્દ્ર પ્રમુખ વગેરેએ આખા વર્ષમાં ઓછામાં ઓછું બે વખત સ્કૂલની મુલાકાત લઈને રજિસ્ટર પર રહેલા વિદ્યાર્થીઓની સંખ્યાની ચકાસણી કરવી અને તેમાં વિસંગતી મળી આવે તો એક મહિનામાં તેની ઊંડી તપાસ કરવી જોઈએ. આમાં દોષી સિદ્ધ થયેલા લોકો સામે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની ભલામણ કરવામાં આવી છે. તપાસ કરતી વખતે શૈક્ષણિક સંસ્થાની આવશ્યક ડાયરી અને દસ્તાવેજો જપ્ત કરવાના અધિકાર પણ શિક્ષણાધિકારીને આપવામાં આવ્યા છે.
————-
શું છે ભલામણો?
ક વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ આપતી વખતે વાલી પાસેથી બે નકલમાં અરજી લેવી અને તેના પર વાલી તેમ જ વિદ્યાર્થીના ફોટા હોવા જોઈએ.
ક એડમિશન માટેની અરજીની સાથે વિદ્યાર્થી તેમ જ વાલીઓના આધાર કાર્ડ લેવા અને તેમના આધાર કાર્ડ એડમિશન સાથે લિંક કરવા.
ક જો વાલીએ અરજીની સાથે આધાર કાર્ડ આપ્યું ન હોય તો આધાર કાર્ડ રજૂ કરવાની શરતે તેમને એડમિશન આપવું.
ક જો વાલી આધાર કાર્ડ ન રજૂ કરે તો બાળકનું એડમિશન રદ કરવાનો અધિકાર શાળાને રહે છે.