આતશબાજી: કતારમાં રવિવારે ફિફા વર્લ્ડ કપની કતાર અને ઈક્વાડોર વચ્ચેની મૅચ અગાઉ સ્ટેડિયમ ખાતે ઑપનિંગ સેરેમની દરમિયાન આતશબાજીનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. (એજન્સી)
દોહા: ફેડરેશન ઑફ ઈન્ટરનેશનલ ફૂટબૉલ એસોસિયેશન (ફિફા)ના વર્લ્ડ કપનો અહીં રવિવારે રાતે ખીચોખીચ ભરાયેલા અલ બૈત સ્ટેડિયમમાં ભવ્ય ઝાકઝમાળ વચ્ચે આતશબાજી અને સંગીત-નૃત્યના કાર્યક્રમ સાથે પ્રારંભ થયો હતો. તેમાં વિશ્ર્વના શ્રેષ્ઠ કૉરિયોગ્રાફર્સ અને લાઈટિંગ ટૅક્નિશિયન સાથે ૯૦૦ જણે પરફૉર્મ કર્યું હતું. તેને વિશ્ર્વભરના કરોડો લોકોએ લાઈવ સ્ટ્રીમિંગથી જોયો હતો.
ભારતીય સમય મુજબ રવિવારે રાત્રે અંદાજે ૮.૧૦ વાગ્યે ઑપનિંગ સેરેમનીનો કાર્યક્રમ શરૂ થયો હતો. ઓપનિંગ સેરેમનીમાં ભારતીય અભિનેત્રી અને મૉડેલ નોરા ફતેહી તેમ જ સાઉથ કોરિયન બૅન્ડ બીટીએસએ ધમાકેદાર પરફૉર્મ કર્યું હતું. આ બન્ને ઑપનિંગ સેરેમનીનાં મુખ્ય આકર્ષણ રહ્યાં હતાં. બીટીએસના મેમ્બર જંગકૂક, અમેરિકન બજન્ડ બ્લેક આઈડ પીઝ, કોલંબિયન ગાયક જે. બલ્વિન, નાઈજિરિયન ગાયક પેટ્રિક નનેમેકા ઓકોરી અને અમેરિકન રેપર લિલ બેબીએ પણ વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમનીમાં પરફૉર્મ કર્યું હતું.
વિશ્ર્વભરના કરોડો લોકોએ વિવિધ ટીવી ચેનલ પર વર્લ્ડ કપની ઑપનિંગ સેરેમનીનો કાર્યક્રમ નિહાળ્યો હતો. વર્લ્ડ કપની મૅચોનું સીધું પ્રસારણ થવાનું હોવાથી વિશ્ર્વભરના કરોડો લોકો આગામી લગભગ એક મહિના સુધી વિવિધ ટીવી ચેનલો પર તે માણી શકશે.
ફૂટબૉલનો વિશ્ર્વ કપ આરબ દેશમાં અને મધ્યપૂર્વના દેશમાં આ પ્રથમ વખત યોજાયો છે.
ડે-પોપ સ્ટાર જંગકૂક સહિતના અનેક વિશ્ર્વ વિખ્યાત આર્ટિસ્ટે પરફૉર્મ કરીને બધાને મુગ્ધ કરી દીધા હતા.
કતાર અને ઈક્વાડોર વચ્ચેની પ્રથમ મૅચથી વિશ્ર્વકપ સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. વિશ્ર્વભરની કુલ ૩૨ ટીમ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. ૨૦ નવેમ્બર, રવિવારથી કતારમાં શરૂ થયેલો આ વર્લ્ડ કપ લગભગ એક મહિનો ચાલશે.
દર્શકોની દૃષ્ટિએ વિશ્ર્વની સૌથી મોટી ગણાતી આ ટુર્નામેન્ટમાં કુલ ૩૨ ટીમે ભાગ લીધો છે.
તમામ ૩૨ ટીમ આંતરરાષ્ટ્રીય ફૂટબૉલની સૌથી પ્રખ્યાત ટ્રોફી માટે સ્પર્ધા કરતી જોવા મળશે.
તમામ ટીમોને આઠ જૂથમાં વહેંચવામાં આવી છે. પ્રત્યેક ગ્રૂપમાં ચાર ટીમ રાખવામાં આવી છે.
ટુર્નામેન્ટમાં કુલ ૬૪ મૅચ રમાશે. ટુર્નામેન્ટની તમામ ૬૪ મૅચ કતારનાં સાત સ્ટેડિયમમાં રમાશે. આ ટીમો વચ્ચે ૪૮ લીગ મૅચ રમાશે. અહીં સારું પ્રદર્શન કરનારી ૧૬ ટીમ જ આગળના રાઉન્ડમાં જશે.
લીગ મૅચો પછી દરેક ગ્રૂપમાં ટોચની બે ટીમ ટોચની ૧૬ ટીમના રાઉન્ડમાં આગળ વધશે.
ટુર્નામેન્ટની પ્રથમ મૅચ યજમાન કતાર અને ઈક્વાડોર વચ્ચે રમાશે.
વર્તમાન ચૅમ્પિયન ફ્રાન્સ આ ટાઈટલ ફરી મેળવવા ઉત્સુક હશે. અહીંના લુસેલ સ્ટેડિયમ ખાતે ૧૮ ડિસેમ્બરે રાત્રે સાડાઆઠ વાગ્યાથી ટુર્નામેન્ટની ફાઈનલ રમાશે.
૯, ૧૦ અને ૧૧ ડિસેમ્બરે ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલ તેમ જ ૧૪ અને ૧૫ ડિસેમ્બરે સેમિફાઈનલ રમાશે. ૧૭ ડિસેમ્બરે ટુર્નામેન્ટમાં ત્રીજું સ્થાન મેળવવા માટે મૅચ રમાશે.
ઈનામની દૃષ્ટિએ આ વિશ્ર્વની ત્રીજા ક્રમાંકની સૌથી મોટી ટુર્નામેન્ટ છે.
રૂ. ૧૦.૬ હજાર કરોડની ઈનામી રકમ સાથે યુઈએફએ ચેમ્પિયન્સ લીગ ફૂટબૉલ આ યાદીમાં ટોચના સ્થાને છે તો રૂ. ૬.૫ હજાર કરોડની ઈનામી રકમ સાથે ફોર્મ્યુલા વન મોટર સ્પૉર્ટ્સ બીજા ક્રમાંક પર છે. રૂ. ૩.૬ હજાર કરોડની ઈનામી રકમ સાથે ફિફા વર્લ્ડ કપ ટુર્નામેન્ટ આ યાદીમાં ત્રીજા સ્થાને છે. ફિફા વર્લ્ડ કપની ફાઈનલ જિતનાર ટીમને રૂ. ૩૫૯ કરોડ તો રનરઅપ ટીમને રૂ. ૨૪૫ કરોડ મળશે.
ત્રીજા અને ચોથા સ્થાને રહેનારી ટીમને અનુક્રમે રૂ. ૨૨૦ કરોડ અને રૂ. ૨૦૪ કરોડ મળશે.
ટુર્નામેન્ટમાં ૩૨મા એટલે કે છેલ્લા સ્થાને રહેનારી ટીમ પણ ખાલી હાથે નહીં જાય અને એ ટીમને પણ રૂ. ૭૩ કરોડ મળશે.
દરમિયાન, વિશ્ર્વભરમાં ફૂટબૉલનું સંચાલન કરતી ફિફાએ રવિવારે જણાવ્યું હતું કે તેણે કતારમાં ૨૦૨૨ વર્લ્ડ કપ સુધીના ચાર વર્ષમાં બિઝનેસ ડિલ મારફતે વિક્રમજનક સાડાસાત અબજ ડૉલરની આવક કરી છે. રશિયામાં ૨૦૧૮માં યોજાયેલા વર્લ્ડ કપ સાથે સંકળાયેલા ચાર વર્ષમાં થયેલી આવક કરતા આ આવક એક અબજ ડૉલર વધુ છે. (એજન્સી)