કતાર: ફૂટબૉલ વર્લ્ડ કપ ૨૦ નવેમ્બર, રવિવારથી કતારમાં શરૂ થઈ રહ્યોે છે. લગભગ એક મહિનો ચાલનારી અને દર્શકોની દૃષ્ટિએ વિશ્ર્વની સૌથી મોટી ગણાતી આ ટુર્નામેન્ટમાં કુલ ૩૨ ટીમ ભાગ લેશે.
વિશ્ર્વભરની કુલ ૩૨ ટીમ આંતરરાષ્ટ્રીય ફૂટબૉલની સૌથી પ્રખ્યાત ટ્રોફી માટે સ્પર્ધા કરતી જોવા મળશે. ટુર્નામેન્ટમાં કુલ ૬૪ મૅચ રમાશે. ટુર્નામેન્ટની તમામ ૬૪ મૅચ કતારનાં સાત સ્ટેડિયમમાં રમાશે. વર્તમાન ચૅમ્પિયન ફ્રાન્સ આ ટાઈટલ ફરી મેળવવા ઉત્સુક હશે.
આ સ્પર્ધામાં ૪૮ લીગ મૅચ રમાશે.
અહીં સારું પ્રદર્શન કરનારી ૧૬ ટીમ જ આગળના રાઉન્ડમાં જશે. તમામ ટીમોને આઠ જૂથમાં વહેંચવામાં આવી છે. પ્રત્યેક ગ્રૂપમાં ચાર ટીમ રાખવામાં આવી છે.
લીગ મૅચો પછી દરેક ગ્રૂપમાં ટોચની બે ટીમ ટોચની ૧૬ ટીમના રાઉન્ડમાં આગળ વધશે.
ટુર્નામેન્ટની પ્રથમ મૅચ
યજમાન કતાર અને ઈક્વાડોર વચ્ચે રમાશે.
અહીંના લુસેલ સ્ટેડિયમ ખાતે ૧૮ ડિસેમ્બરે રાત્રે સાડાઆઠ વાગ્યાથી ટુર્નામેન્ટની ફાઈનલ રમાશે. ૯, ૧૦ અને ૧૧ ડિસેમ્બરે ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલ તેમ જ
૧૪ અને ૧૫ ડિસેમ્બરે સેમિફાઈનલ રમાશે. ૧૭ ડિસેમ્બરે ટુર્નામેન્ટમાં ત્રીજું સ્થાન મેળવવા માટે મૅચ રમાશે.
ઈનામની દૃષ્ટિએ આ વિશ્ર્વની ત્રીજા ક્રમાંકની સૌથી મોટી ટુર્નામેન્ટ છે.
રૂ. ૧૦.૬ હજાર કરોડની ઈનામી રકમ સાથે યુઈએફએ ચેમ્પિયન્સ લીગ ફૂટબૉલ આ યાદીમાં ટોચના સ્થાને છે તો રૂ. ૬.૫ હજાર કરોડની ઈનામી રકમ સાથે ફોર્મ્યુલા વન મોટર સ્પૉર્ટ્સ બીજા ક્રમાંક પર છે. રૂ. ૩.૬ હજાર કરોડની ઈનામી રકમ સાથે ફિફા વર્લ્ડ કપ ટુર્નામેન્ટ આ યાદીમાં ત્રીજા સ્થાને છે. ફિફા વર્લ્ડ કપની ફાઈનલ જિતનાર ટીમને રૂ. ૩૫૯ કરોડ તો રનરઅપ ટીમને રૂ. ૨૪૫ કરોડ મળશે.
ત્રીજા અને ચોથા સ્થાને રહેનારી ટીમને અનુક્રમે રૂ. ૨૨૦ કરોડ અને રૂ. ૨૦૪ કરોડ મળશે.
ટુર્નામેન્ટમાં ૩૨મા એટલે કે છેલ્લા સ્થાને રહેનારી ટીમ પણ ખાલી હાથે નહીં જાય અને એ ટીમને પણ રૂ. ૭૩ કરોડ મળશે. (એજન્સી)