Homeઆમચી મુંબઈરાહત પરેશાની: ચર્ની રોડ સ્ટેશનના બ્રિજને ૨૮ દિવસમાં ખુલ્લો મૂકવામાં આવ્યો:...

રાહત પરેશાની: ચર્ની રોડ સ્ટેશનના બ્રિજને ૨૮ દિવસમાં ખુલ્લો મૂકવામાં આવ્યો: પ્રવાસીઓને રાહત

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: પશ્ર્ચિમ રેલવેમાં ચર્ની રોડ સ્ટેશન ખાતેના નવા ફૂટઓવર બ્રિજ (એફઓબી)નું કામકાજ નિર્ધારિત સમયગાળાના બદલે ૨૮ દિવસમાં પાર પાડવામાં આવ્યું છે, જે બ્રિજને સોમવારથી પ્રવાસીઓની અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. ચર્ની રોડ સ્ટેશનના ઉત્તર દિશા (મુંબઈ સેન્ટ્રલ)ના બે અને ત્રણ નંબરના પ્લૅટફૉર્મને જોડતા જૂના એફઓબીના બે સ્પાનને તોડવાની સાથે નવી લિંક (૨૦ મીટર લાંબી અને બંને બાજુ ૩.૨૫ મીટર પહોળાઈ ધરાવતી)નું નિર્માણ કરવા માટે પાંચમી ઑક્ટોબરથી બ્રિજને પ્રવાસીઓની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો. ૪૫ દિવસની નિર્ધારિત ડેડલાઈન પૂર્વે બ્રિજનું કામકાજ ૨૮ દિવસમાં પાર પાડવામાં આવ્યું છે. પશ્ર્ચિમ રેલવે તથા મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન (એમઆરવીસી)ના કર્મચારીઓ દ્વારા મોડી રાતના કામકાજ કરવાને કારણે વહેલું કામ પાર પાડ્યું છે, જેમાં લોકલ ટ્રેનસેવાને કોઈ અસર થઈ નહોતી, એમ એમઆરવીસીના અધિકારીએ જણાવ્યું હતું.

ચર્ની રોડ સ્ટેશનનું ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામકાજ અંગે પ્રવાસીઓને કોઈ જાણ થતી નથી. આડેધડ કામકાજ કરવાને કારણે સ્ટેશનના પરિસરમાંથી અવરજવર કરવામાં સિનિયર સિટિઝન પ્રવાસીઓને તો પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. અનેક મહિનાથી વિવિધ કામકાજ ચાલી રહ્યાં છે, પરંતુ પૂરા થતા નથી. સ્ટેશનના પરિસરમાં અવરજવર કરવા માટે ન તો ઍસ્કેલેટર છે કે પછી પૂરતા એફઓબી નથી. પરિણામે પ્રવાસીઓને અવરજવર કરવામાં ટ્રેક ક્રોસ કરવાની ફરજ પડી રહી છે આ મુદ્દે પ્રશાસને ધ્યાન રાખવું જરૂરી છે, એમ ચર્ની રોડના રહેવાસી પ્રદીપ પટેલે જણાવ્યું હતું.

એમઆરવીસીના ચૅરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એસસી ગુપ્તાએ કહ્યું હતું કે પ્રવાસીઓને કોઈ પણ જાતની ખલેલ પડે નહીં તે ઉદ્દેશને ધ્યાનમાં રાખીને નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલમાં ચર્ની રોડ સ્ટેશન ખાતે ત્રણ એફઓબી છે, જેમાંથી ઉત્તર દિશા અને મિડલ બ્રિજનું રિપેરિંગ અને પુન: બાંધકામનું કામકાજ ચાલુ છે, તેથી પ્રવાસીઓને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. પાંચમી ઑક્ટોબરથી બ્રિજ પરથી પ્રવાસીઓની અવરજવર બંધ કરી હતી, પરંતુ નવમી ઑક્ટોબરથી કામકાજ ચાલુ કર્યું હતું તથા છઠ્ઠી ઑક્ટોબરે પૂરું કર્યું હતું. પ્રસ્તાવિત બ્રિજનું કામકાજ અપેક્ષા કરતા વહેલું પાર પાડવામાં આવ્યું છે, જે સૌથી મોટું અચીવમેન્ટ છે. એમઆરવીસીના પ્રવક્તા સુનિલ ઉદાસીએ કહ્યું હતું કે પ્રવાસીઓની પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને નિર્ધારિત સમય કરતા વહેલું કામકાજ પૂરું કરવાનું નક્કી કર્યું હતું. ૨૮ દિવસમાં ૨૦ જેટલા ટ્રાફિક અને પાવર બ્લોક લેવામાં આવ્યા હતા. રોજ રાતના ત્રણથી ચાર કલાકના નાઈટ બ્લોક લઈને ટ્રેનસેવા પર કોઈ અસર પડવા દીધી નહોતી. રોજના ૨૦થી પચીસ જેટલા મજૂર અને દરેક વિભાગના અધિકારી દ્વારા કામકાજ પર પૂરતું ધ્યાન આપવાને કારણે વિક્રમી સમયમાં કામકાજ પૂરું કર્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -