ભાવનગરના પાલીતાણામાં ગત રાત્રે ફુડ પોઈઝનિંગ ઘટના ઘટી હતી. એક ધાર્મિક પ્રસંગમાં ભોજન લીધા બાદ 200થી વધુ લોકોની તબિયત લથડતા નાસભાગ મચી જવા પામી હતી. અસરગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સદભાગ્યે કોઈ જાનહાનીના સમાચાર નથી.
એક ધાર્મિક પ્રસંગ નિમિતે ભાવનગરના પાલિતાણાના તળાવ વિસ્તારમાં આવેલા જમાત ખાનામાં દાવતનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં 1 હજારથી વધુ લોકોએ સામેલ થયા હતા. લોકોને સફરજનનો હલવો, છાશ ઉપરાંત ચિકન બિરયાની મટન સહિતનું નોનવેજ ભોજન પીરસવામાં આવ્યું હતું. ભોજન લીધા બાદ 200થી વધુ લોકોને ફૂડ-પોઇઝનિંગની અસર થઇ હતી, એમાં સૌથી વધુ બાળકોનો સમાવેશ થાય છે.
ભોજન લીધા બાદ કેટલાક બાળકોને ઝાડા-ઊલટી થતા તબિયત બગડી હતી. ત્યાર બાદ મહિલાઓ અને વૃદ્ધોની પણ તબિયત લથડતા ફૂડ-પોઇઝનિંગની અસર હોવાની જાણ થઇ હતી. જોત જોતાંમાં 200થી વધુ લોકોને હોસ્પીટલમાં લઇ જવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક પ્રશાસનના અધકારીઓ તથા સામાજિક કાર્યકરો મદદે દોડી આવ્યા હતા. અસરગ્રસ્તોને ભાવનગરની માનસિંહજી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવમાં આવ્યા છે.
ભાવનગરમાં ભોજન આરોગ્યા બાદ ફુડ પોઇઝનિંગની ઘટનાઓ પહેલા પણ સામે આવી ચુકી છે.