જિનદર્શન-મહેન્દ્ર પુનાતર
બીજાના દુ:ખે ભીંજાઈ નહીં
એ સાચા અર્થમાં માણસ નથી
માણસ ગમે તેટલો મોટો હોય
પરંતુ બીજાને ઉપયોગી ન બને
તો તેની મોટાઈ શા કામની ?
ઉંમરની સાથે ધર્મ, ગુણ, ચિંતન
અને જ્ઞાનથી આગળ વધીએ
તો જીવનની સાર્થકતા
જીવન એટલે માત્ર જીવવું, સમય વ્યતીત કરવો કે વર્ષો ગણવા એ નથી, પરંતુ જીવવું એટલે કંઈક કરવા માટે જીવવું.નક્કી કરેલા ધ્યેય માટે જીવવું. આનંદ અને ઉત્સાહથી જીવવું. માત્ર શ્ર્વાસ ચાલે છે એટલે જીવન ચાલી રહ્યું છે એમ કહી શકાય નહીં. ધ્યેયપૂર્ણ સક્રિય જીવન એ જ સાચું જીવન છે. જેના જીવનમાં આનંદ નથી, ઉત્સાહ નથી, સારું કાર્ય કરવાની અભિલાષા નથી, બીજા માટે કંઈક કરી છૂટવાની તમન્ના નથી તેનું જીવન વ્યર્થ છે એમ સમજવું.
ઉંમરથી તો દરેક માણસ આગળ વધે છે, પરંતુ ધર્મ, ગુણ, ચિંતન અને જ્ઞાનથી આગળ વધે તો જીવનની સાર્થકતા છે. વિચાર અને વર્તનની સાથે નમ્રતા પણ આવવી જોઈએ. માણસ પાસે ગમે તેટલું જ્ઞાન અને ડહાપણ હોય, પરંતુ નમ્રતા અને ખુલ્લું મન ન હોય તો એ જ્ઞાન પોથીમાંના રીંગણાં જેવું છે. અમુક ચોક્કસ સિધ્ધાંતો, નૈતિક મૂલ્યો અને શુધ્ધ વહેવાર પણ જીવનમાં જરૂરી છે. સદગુણો અને સદાચાર ચારિત્ર નિર્માણનો પાયો છે.
ધર્મનું આચરણ ગેરમાર્ગે જતાં અટકાવે છે. આ એક શક્તિ જે આપણને નિયંત્રિત કરે છે અને સન્માર્ગે વાળે છે. સર્વ પ્રથમ ધર્મ શું છે અને માનવીનું તે પ્રત્યેનું કર્તવ્ય શું છે તે સમજવું જોઈએ. માનવીનો પ્રથમ ધર્મ છે સમભાવ, દિન દુ:ખીઓ પ્રત્યે દયા, કરુણા અને ક્ષમા. જેના દિલમાં દયા, કરુણા અને અનુકંપા હોય તે બીજાનું જરા સરખું દુખ જોઈને દ્રવી ઊઠે, પ્રેમ અને સંવેદના વગર જીવન અધૂરું છે. આવું આદર્શ અને નીતિમય જીવન એટલે ધર્મ.
જીવનમાં ધર્મની સાથે શ્રદ્ધા ભક્તિ અને ભાવ ઊભો થવો જોઈએ. વિદ્યા સમાન કોઈ ચક્ષુ નથી, સત્ય જેવું કોઈ તપ અને બળ નથી. સાચું જ્ઞાન એ જીવનની દ્રષ્ટિ છે, આંતરચક્ષુ છે. તેના વડે માનવી અર્થ અનર્થ, સાચું ખોટું, સત્ય અસત્ય, ધર્મ અધર્મ વગેરેને જાણી શકે છે. આપણા લોક સાહિત્યમાં આવું જ્ઞાન,ચિંતન અને બોધ ઠેર ઠેર નજરે પડે છે. જે જીવન ઘડતર માટે પ્રેરક છે અને મનને મંત્રમુગ્ધ બનાવે છે. આ બધી વાતોમાં જીવન છે, ધર્મ છે, સદાચાર છે અને સુખ તરફનો સાચો અભિગમ છે. લોક સાહિત્યના સ્વામી રામભાઈ કાગનું પુસ્તક “ટહુકે સાંજણ સાંભરે વાંચી કેટલીક વાતો દિલને સ્પર્શી ગઈ. તેમની રચનાઓમાં ખૂબ ઊંડાણ છે. તેમની થોડી પ્રેરક પ્રસાદી માણીએ…
“સફરા પેરે સૂત, ઓઢે પણ આપે નહીં
ઈ તનડા નહીં પણ તાબૂત,
સાચું સોરઠીયો ભણે
દાન અને ધર્મનો મહિમા વર્ણવતા કવિ કહે છે જે માણસ મુલાયમ અને કિંમતી ભાતીગળ વસ્ત્રો પહેરે છે પણ કોઈના ઉઘાડા શરીરને ઢાકતો નથી તે વાંસ અને કાગળના બનાવેલ રૂપાળા તાબૂત જેવો છે. તેને બીજાના દુ:ખની કશી અસર થતી નથી બીજાના દુ:ખે ભીંજાય નહીં તે સાચા અર્થમાં માણસ નથી.
“મતલબને મનવાર,
જગત જમાડે ચૂરમા
વિણ મતલબે એકવાર
રાબ ન પીરસે રાજિયા
જગતના વરવા છતાં વાસ્તવિક રૂપની ઝાંખી કરાવતા કવિ કહે છે કે જગતમાં બધી સગાઈ સ્વાર્થની છે. સ્વાર્થ હોય ત્યારે જગતના લોકો મેવા મીઠાઈ જમાડે છે. અને સોગંદ દઈને ખવડાવે છે. પણ સ્વાર્થ ન હોય કામ પતી ગયું હોય ત્યારે મેવા મીઠાઈ તો બાજુએ રહ્યા પણ આછી પાતળી રાબેય ના પીરસે. જગતનો વહેવાર આવો છે. સૌ સ્વાર્થના સગા છે.
“હુન્નર કરો હજાર, શાણપણ
અને ચાતુરી, હોય જે કપટનો વેપાર
ઈ રહે ન છાનો રાજિયા
બુદ્ધિ ચતુરાઈ અને અક્કલ આવડતથી માણસ બીજા સાથે અતિ સલૂકાઈથી વેપાર અને વહેવાર કરે છે. પણ એમાં જો કપટ હોય તો એને બુદ્ધિ છાવરી શકતી નથી. કપટ વહેલું મોડું પ્રગટ થયા વગર રહેતું નથી.
“આતમની ઉઠાંતરી થઈને
હૈયે રહી ગઈ હામ,
ન લેવાણું જોને નામ,
તારું સાચા દિલે શામળા
જીવનના અંત સમયે માણસના હૃદયમાં રહી જતા વસવસાને કવિએ વાચા આપી છે. હે ભગવાન સાચા દિલે તારું સ્મરણ થઈ શક્યું નહીં અને લાંબું ગામતરું આવ્યું અને મારી મનની મનમાં રહી ગઈ. કવિ ટકોર કરે છે અહીંથી જવું પડે તે પહેલા કંઈક કરી છૂટો.
“બીમા નહીં બગાડ ને ખેતરમાં ખામી નહીં, પણ વેળ તણો વિકાર,
કણ ફાટીને કાળા પડ્યા
માણસ ગમે તેટલી મહેનત કરે, પરંતુ સમયસર જો કામ ન થાય તો તેનું પરિણામ ઊભું થતું નથી. સારું બિયારણ હોય ખેતર પણ સારું હોય, પરંતુ જો સમયસર વરસાદ ન પડે તો કણ વાવેલા કોહવાઈ જાય. જીવનમાં સમયનું પણ આવું મહત્વ છે.
“વરસ્યા જઈને વાડ્ય, એ મે શા કામના, મોટા બહુએ તાડ,
ઢાકે નહીં નિજ પંડ્યને
વરસાદ ખેડેલા ખેતરના બદલે થોરની વાડમાં વરસે તો એ વરસાદ શા
કામનો? કારણ કે ખેતર તો કોરું રહી ગયું. આજ રીતે તાડનું ઝાડ ગમે તેટલું મોટું હોય પણ એ તડકા વખતે છાયો ના આપી શકે તો તાડ શું કામના? સમાજમાં પણ જેને જરૂર હોય તેને મદદ ન કરાય અને હાથ લાંબો ન થાય અને જ્યાં જરૂર ન હોય ત્યાં વરસી પડ્યા તો તેનો શો અર્થ ? માણસ ગમે તેટલો મોટો હોય, પરંતુ તે બીજાને ઉપયોગી ન બની શકે તો તેની મોટાઈ શા કામની ?
“નાગને કરંડીએ નાખીએ,
હાથી હેડમાં હોય, પણ કીડી પાંજર હોય, સાંભળી નહોતી શામળા
પોતાના સમોવડિયા સાથે બાથ ભીડાય પણ પોતાનાથી નાના નિર્બળ સાથે વેરની વસૂલાત ન થાય. નાગને કરંડીએ પુરાય, હાથીને હેડમા નખાય પણ કીડીને ચટકો ભરવાના ગુના માટે કોઈએ તેને પાંજરામાં પૂરી સાંભળી છે ? નાના નિર્બળ લોકોને ક્ષમા આપવી અને તેમના પ્રત્યે દયા રાખવાનો ભાવ આમાં વ્યક્ત થયો છે.
“જળ માછલીયું જાળવે, હોય અવગુણ હજાર, ઈવડાને નહીં વિકાર, શાયર પેટા શામળા
માછલીઓ ગમે તેટલી ગોબરી હોય પણ જળ તેને તરછોડતું નથી. તમામને તે સંઘરે છે. તેની મલિનતાને સ્વચ્છ કરી નાખે છે. આ રીતે સમંદર જેવા મોટા દિલના માણસો ગમે તેવો દુર્જન માણસ હોય તો પણ તેને તરછોડતા નથી. પરંતુ સમભાવથી સ્વીકારીને તેને સજ્જન બનાવે છે.
“ચેરી પગ શર દિયો, તાપે ઘટ્યો ન માન તુ જાનન હાર અજાન,
થીઓ તાપે હૈયું ફટાન
ચેરી એટલે દાસી. આવી દરબારગઢની દાસી સવારમાં કંઈક લેવા માટે બજારમાં નીકળી. સૂર્યોદયનો સમય હતો. એક મૂલ્યવાન હીરો રસ્તામાં પડ્યો હતો. સૂર્યના કિરણ તેના પર પડવાથી તેનું તેજ પથરાયું હતું. સામેથી પનિહારીઓ આવતી હતી એટલે તેમની નજર ચૂકાવીને હીરો લેવા માટે દાસીએ પોતાનો પગ તેના પર મૂકી દીધો અને આંગળીમાં પકડીને હીરાને ઊંચો કર્યો અને કાંટો કાઢવાનો ડોળ કરીને હીરાને હાથમાં લઇ લીધો.
સવારનો સમય હતો વેપારીઓ પોતાની દુકાન ખોલી, દીવાધુપ કરીને થડા પર ગોઠવાઈ ગયા હતા. બરોબર એ સમયે એક ઝવેરીની દુકાનમાં જઈને દાસીએ વજન કરવાના કાંટામાં હીરાનો ઘા કર્યો અને કહ્યું ભાઈ આની કિંમત કેટલી થાય ? ઝવેરીએ ઊંચે જોયું એ સમજી ગયો કે બાઈ હીરાની જાણકાર નથી. હીરાને આડો અવળો તપાસીને કહ્યું આની કિંમત સો રૂપિયા જેટલી ગણાય અને કાચના ગલા પર હીરો મૂક્યો.
બાઈ કહે શેઠ તમે જુઓ આ હીરો કેટલો ઝગમગાટ કરે છે અને તમે આના માત્ર સો રૂપિયા કહો છો. દાસીએ બે ચાર વાર કહ્યું એટલે પોતાના ગરજ નથી એમ દેખાડવા વેપારીએ કહ્યું તારે હીરો આપવો હોય તો આપ આના કરતાં એક કાવડિયું વધારે નહીં આવે. આમ કરીને તેણે હીરાનો બાઈ સામે ઘા કર્યો. હીરો ઉછળીને રસ્તા પર પડ્યો અને પડતાની સાથે તેના બે ચાર ટુકડા થઈ ગયા.
આ વખતે એક કવિ નીકળ્યા તેણે હીરાના ટુકડા થતા જોયા અને હીરાને ઉદ્દેશીને સવાલ કર્યો કે તમે તો બહુ કઠણ ખનીજ છો. તમે ભાંગો જ નહીં અને તેને બદલે તમારા ટુકડા કેમ થઈ ગયા ?
ત્યારે હીરાએ કહ્યું; સાંભળો કવિ હું અતિ મૂલ્યવાન હીરો છું. અબુધ દાસીએ મારા પર પગ મૂક્યો ત્યારે મને કશું દુ:ખ થયું નહીં. પરંતુ હીરાનું મૂલ્ય જાણનાર ઝવેરીએ મારો ઘા કર્યો ત્યારે એ અપમાનનુ દુ:ખ મારાથી સહન થયું નહીં. અને મારા હૈયાના ટુકડે ટુકડા
થઈ ગયા.
કહેવાનો સૂર એ છે કે માણસો જાણતા હોય અને અજાણ બને અથવા તે પોતાની વાત સમજે પણ સ્વીકારે નહીં ત્યારે દુ:ખ અને વેદના થાય છે. સાચા અને સારા માણસોને આવી વેદના ડગલે ને પગલે સહન કરવી પડે છે.
“શિખામણ તો તેને દઈએ
જેને શિખામણ લાગે,
વાંદરાને શિખામણ દેતા
સુગરીનું ઘર ભાંગે
આ જગતમાં સલાહ એને જ આપવી જે તેને સમજી શકે. શિખામણ જેને લાગે નહીં તેને શિખામણ દેવાનો અર્થ શો ? સમાજમાં ઘણા માણસો એવા હોય છે જેને સાચી શિખામણ સારી લાગતી નથી. આપણે તેના ભલા માટે સાચી શિખામણ આપીએ તો એ આપણને સામી બે ચાર ચોપડાવી દે. શિખામણ એને આપવી જોઈએ કે જે સમજે અને તેની સ્વીકારવાની ભાવના હોય. એક સુગરીએ વાંદરાને શિખામણ આપી કે ભાઈ ટાઢ, તડકો અને વરસાદમાં દુ:ખી થાવ છો તો મારી જેમ માળો બનાવી લેતાહો તો કેટલી નિરાંત થાય. હું પંખી છું તોય કેવું મજાનું ઘર બાંધું છું. તમે તો મારા કરતાં મોટા અને ડાહ્યા છો. ઘર બાંધવામાં શા માટે આળસ કરો છો ? વાંદરાને આ શિખામણથી ગુસ્સો આવ્યો અને તેનો પિત્તો ગયો. તેણે સુગરીના માળાને પીખી નાખ્યો. નફટ અને નાલાયકને શિખામણ આપો તો પરિણામ આવું જ આવે.
જીવન વ્યવહારની આવી નાની નાની વાતોનું જીવનમાં ખૂબ મહત્ત્વ છે. મોટાભાગની ચિંતાઓ અને વિટંબણાઓ અરસપરસના વ્યવહારમાંથી થતી હોય છે. ખુલ્લું દિલ, નિખાલસતા અને સરળતા હોય તો જીવન મધુરું બની જાય. આવું ચિંતન અને મનન આપણા વ્યક્તિત્વને નવું ઓજસ આપે છે. અને સાથે મનની શાંતિ અને સુખ…
—————+——————