Homeધર્મતેજજીવની મુક્તિના માર્ગ પર અષ્ટપાશનું પહેલું બંધન: ઘૃણા

જીવની મુક્તિના માર્ગ પર અષ્ટપાશનું પહેલું બંધન: ઘૃણા

ફોકસ – રાજેશ યાજ્ઞિક

મહિનાના અંતે ચૈત્રી નવરાત્રી આવી રહી છે, તે પહેલાં આપણે ચર્ચા કરીએ છીએ અષ્ટપાશની, જે આત્માને બંધનમાં નાખીને મુક્તિનો માર્ગ અવરોધે છે. ખાસ નવરાત્રી વખતે આ ચર્ચા કરવાનું કારણ એ કે દુર્ગા સપ્તશતીના અધ્યાય આઠમાં આ અષ્ટપાશને પ્રતીકાત્મક રીતે વર્ણવ્યા છે, કે કેવી રીતે મહાશક્તિ, મા દુર્ગા આપણા આત્માને આ પાશથી મુક્ત કરે છે.
આપણે જોયું કે દુર્ગા સપ્તશતી તંત્ર અને તેનાં એક મહાન રહસ્યને ઉજાગર કરે છે અને સાથે બ્રહ્માંડ અને માયાનું રહસ્ય પણ. રાક્ષસ શુમ્ભ જે આપણા અહમનું પ્રતીક છે, તે શુભ ઉપર અશુભના વિજય માટે ૮ પ્રકારના રાક્ષસોનું આવાહન કરે છે. આ ૮ પ્રકારના રાક્ષસો હકીકતમાં, અષ્ટપાશના પ્રતીક છે જે જીવને માયા સાથે બાંધે છે.
આ ૮ બંધનો સપ્તશતીમાં ૮ રાક્ષસની પ્રતીકાત્મક રીતે પ્રતિબિંબિત થયા છે. જ્યારે જીવ માતા શક્તિનું આહ્વાન કરે છે, ત્યારે તે આપણામાં રહેલા આ રાક્ષસો સામે લડે છે અને આ અસુરો દ્વારા બનાવેલ બંધનો તોડીને આપણને મુક્ત કરે છે જીવ ત્યારે બને છે સદાશિવ! આપણે એક એક પાશને સમજવા પ્રયત્ન કરીએ.
૧- ઘૃણા : રાક્ષસ ઉદાયુધ ઘૃણાનું પ્રતીક છે. જ્યારે શુમ્ભ કહે છે કે ૮૬ ઉદાયુધ તૈયાર રહો, ત્યારે તે આપણને ૮૬ પ્રકારની ઘૃણા વિશે જણાવે છે, જે આપણા અહંકારને મદદ કરે છે અને આપણને દિવ્યતાથી દૂર રાખે છે. નફરત એ બેધારી તલવાર છે. ઘૃણા આપણને કોઈને પ્રેમ નથી કરવા દેતી; એટલું જ નહીં, આપણા અહંકારને પણ પોષે છે અને આપણને સમજાવે છે કે કોઈને ધિક્કારવા કરતાં તે વધુ સારું છે.
અહંકાર ૮૬ રીતે ઘૃણા કરી શકે છે માટે ૮૬ ઉદાયુધ રાક્ષસો છે
દસ ઇન્દ્રિયો (શ્રોત્ર, ત્વક્, ચક્ષુ, રસના, ઘ્રાણ, વાક્, પાણિ, પાદ, પાયુ અને ઉપસ્થ) અને ચાર અંત:કરણ (મન, બુદ્ધિ, ચિત્ત અને અંહકાર) આ ચૌદ; ચાર પ્રકારના જીવો પ્રત્યે (વૃક્ષ, સરિસૃપ/જંતુઓ, પ્રાણીઓ અને માણસો) દ્વેષ પેદા કરે છે.આમ અહંકારમાં જાગૃત અવસ્થામાં કુલ ૫૬ પ્રકારની ઘૃણા છે. સમજવામાં સરળતા રહે માટે નોંધવું જરૂરી છે કે અહીં ચાર પ્રકારના જીવ, પ્રત્યેક પ્રત્યે ચૌદ પ્રકારની ઘૃણા એટલે ગુણાકારમાં ૫૬ થઇ.
સ્વપ્ન અવસ્થામાં, ઇન્દ્રિયો સુષુપ્ત હોય છે, તેથી ૪ અંત:કરણ, ૪ પ્રકારના જીવો માટે ઘૃણા પેદા કરશે .અને સ્વપ્નહીન અવસ્થામાં અહંકાર દસ ઇન્દ્રિયો અને ૪ અંત:કરણો પ્રત્યે ઘૃણા કરે છે, આમ તમામ કુલ ૮૬ પ્રકારની ઘૃણા થઇ. આ રાક્ષસો અહંકારને સંતુષ્ટ અને શક્તિશાળી રાખે છે, જ્યારે આપણે માતા શક્તિને જાગૃત કરીએ છીએ, ત્યારે તેઓ આ ૮૬ નફરતને નષ્ટ કરે છે અને આપણા અહંકારને ઘૃણા નામના બંધનથી મુક્ત કરે છે.
શ્રીમદ ભગવદગીતાના અધ્યાય પાંચ શ્ર્લોક ત્રીજામાં શ્રી કૃષ્ણ, અર્જુનને કહે છે,
જ્ઞેય: નિત્યસંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ
નિર્દ્વન્દ્વો હિ મહાબાહો, સુખં બંધાત્પ્રમુચ્યતે
અર્થાત હે મહાબાહો અર્જુન, જે વ્યક્તિ ન કોઈનો દ્વેષ કરે, ન આકાંક્ષા કરે, તે નિષ્કામ કર્મયોગી સદા સંન્યાસી સમજવા યોગ્ય છે. કેમકે રાગ-દ્વેષના દ્વંદ્વથી રહિત થયેલો મનુષ્ય સુખપૂર્વક સંસારનાં બંધનોથી મુક્ત થઇ જાય છે. આ જ વાત ફરીથી અધ્યાય સાતમા શ્રી કૃષ્ણે અર્જુનને દોહરાવી છે. કહેવાનો ભાવાર્થ એ કે જેમ રાગથી પર થવું જરૂરી છે, તેમ દ્વેષ કે ઘૃણાથી મુક્ત થવું પણ જરૂરી છે.
સવાલ એ છે કે શું ઘૃણા હંમેશાં ખરાબ હોય છે? કંઈ ઘૃણાથી મુક્ત થવું જરૂરી છે?
ચોક્કસ, અન્ય વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે ઘૃણાનો ભાવ આપણા આત્મા માટે અવરોધનું કારણ છે. જો વ્યક્તિનું લક્ષ્ય આત્માની સંપૂર્ણ મુક્તિનું હોય તો ઘૃણાનો ત્યાગ કરવો પડે, પરંતુ સંસારમાં હંમેશા જોવા મળે છે કે લોકો મામકા:, ચૈવ પાંડવાના સિદ્ધાંતને અનુસરતા હોય છે. તેમને “પારકા પ્રત્યે તો દ્વેષ કે ઘૃણા થાય છે, પરંતુ “પોતાના પ્રત્યે નહીં. કોઈ દેખીતા કારણ વિના કોઈના પ્રત્યે ઘૃણા કરવી તેને શાસ્ત્રો અયોગ્ય અને ત્યાજ્ય કહે છે. આપણે તો માનીએ છીએ કે આપણને ઘૃણા વ્યક્તિ પ્રત્યે નહિ, પરંતુ તેના દોષો પ્રત્યે હોય છે. અને માટે આપણે આપણી ઘૃણાને યોગ્ય માનીએ છીએ અથવા તેને યોગ્ય સાબિત કરવાના પ્રયત્નો કરીએ છીએ. પણ આપણે દોષને ઘૃણા કરીએ છીએ કે દોષીને?
આપણને અન્યાયના કે અપમાનના ભોગ બનવું પડ્યું માટે આપણને દુનિયામાં અનેક લોકો પ્રત્યે ઘૃણા થાય છે. ત્યારે મહાભારતમાં કૃષ્ણ-કર્ણ સંવાદ યાદ કરવા જેવો છે, જેનો સાર એટલો છે કે, ‘પોતાના જીવનમાં બનેલા અપ્રિય બનાવોને કારણે તને અધર્મ કરવાનો અધિકાર મળતો નથી.’ અથવા આપણને થયેલા અન્યાય કે અપમાનને કારણે આપણે અયોગ્યનો સાથ આપીએ અને યોગ્ય પ્રત્યે ઘૃણા કરીએ તો એ પણ અધર્મ જ કહેવાશે.
જો ઘૃણા કરવી જ હોય તો સ્વયંના દોષો પ્રત્યે કરવા જેવી છે.
આપણને અન્યના ખરાબ વર્તન પ્રત્યે ઘૃણા થાય છે, તો આપણે સ્વયં, અન્ય સાથે ખરાબ વર્તન કરીએ ત્યારે પોતાના પ્રત્યે ઘૃણા થાય છે ખરી? કોઈ ખોટું બોલે, છળ કરે, અપમાન કરે, અપશબ્દો કહે તો આપણને તે વ્યક્તિ પ્રત્યે ઘૃણા થાય છે. ત્યારે ક્યારેય આપણે એ વિચારીએ છીએ ખરાં કે ક્યાંક આ બધું આપણી અંદર પણ પડ્યું તો નથી ને? જે દોષ અન્યમાં ઘૃણા કરવા જેવો લાગતો હોય તો એ દોષ આપણામાં પણ ઘૃણા કરવા જેવો છે. અહીં કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે સ્વયં દોષ મુક્ત થવું અને અન્યો પ્રત્યે ઘૃણાનો સંપૂર્ણ ત્યાગ કરવો
જરૂરી છે.
આપણાં શાસ્ત્રોની ગહનતા કેટલી અદભુત છે તે જુઓ! માત્ર વ્યક્તિ પ્રત્યે ઘૃણા ત્યાગની વાત નહીં, પણ સમગ્ર સૃષ્ટિ પ્રત્યે ઘૃણા ત્યાગની વાત આપણાં શાસ્ત્રો કહે છે. ઉપર જણાવ્યું તેમ, વૃક્ષ, સરિસૃપ/જંતુઓ, પ્રાણીઓ અને માણસો બધા પ્રત્યેની ઘૃણાનો ત્યાગ થવો જોઈએ. એક રીતે જોવા જઈએ તો અહીં, પર્યાવરણ પ્રેમ, પ્રાણી પ્રેમ અને મનુષ્ય પ્રેમ બધાનું દર્શન આપણને જોવા મળે. એટલું જ નહીં, પાછું ઇન્દ્રિયોથી જ નહીં, પરંતુ અંત:કરણમાંથી પણ ઘૃણાનો ત્યાગ થવો જોઈએ. કેટલી સૂક્ષ્મ વાત છે! તેનાથી આગળ વધીને શાસ્ત્રો કહે છે કે માત્ર જાગૃત અવસ્થામાં નહીં, પરંતુ સુષુપ્ત અવસ્થામાં પણ ઘૃણા થવી જોઈએ નહીં. આપણે રૂઢિ પ્રયોગ માફક બોલીએ કે ‘સપનામાં પણ કોઈનું બૂરું ન ચાહવું.’ તેના જેવી આ વાત છે. પણ આપણાં શાસ્ત્રોનું ઊંડાણ તેનાથી પણ વધુ છે એટલે એ પણ ઉમેર્યું છે કે સુષુપ્ત અવસ્થામાં સ્વપ્નહીન હો, ત્યારે પણ ઘૃણાનો ભાવ થવો ન જોઈએ. કેવી જબરજસ્ત વાત છે આ. અંત:કરણના અતલ ઊંડાણમાં, આત્માના કોઈ અંધારે ખૂણે રહેલ સૂક્ષ્મ ઘૃણાથી પણ જ્યાં સુધી આત્મા મુક્ત ન થાય ત્યાં સુધી આત્માની મુક્તિયાત્રાની શરૂઆત થઇ શકતી નથી. ‘ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા.’ની ભાવના કદાચ ઘૃણા રૂપી અંધકારથી આત્માને મુક્ત કરવાને પણ લાગુ કરી શકાય, નહીં? ઘૃણાના એક એક સૂક્ષ્મ પ્રકારો પણ અલગથી ચર્ચા માગી લે તેટલી ગહન આધ્યાત્મિક વાતો આપણાં શાસ્ત્રોએ કરી છે. જેમ અથાગ સાગરના તળિયે મોતીઓનો ખજાનો પડ્યો હોય તેમ, આપણા ધર્મનું ઊંડાણ અને વ્યાપ આ મહાસાગરો કરતાં પણ ખૂબ વધારે છે. દુર્ગા સપ્તશતીમાં આવેલી રાક્ષસોના વધની વાતોમાં પણ અધ્યાત્મનું કેટલું ગહન રહસ્ય છુપાયું છે. માટે જ આપણા ગ્રંથો આટલા પૂજનીય બન્યા છે. અષ્ટપાશના પહેલા પાશ ઘૃણાની ચર્ચાને અહીં વિરામ આપીને હવે આગળના પાશ વિશે ચર્ચા કરીશું. આશા રાખીએ કે આ ચૈત્રી નવરાત્રીમાં જયારે વાચકો દુર્ગા સપ્તશતીના પાઠ કરે ત્યારે તેમના માટે આ ચર્ચાથી એક નવી સમજણની દિશાનો ઉધાડ થાય અને શાસ્ત્રોને સમજવામાં અમારા પ્રિય વાચકોને વધુ મદદ મળે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -