ઊડતી વાત -ભરત વૈષ્ણવ
હું અંગત રીતે (હું જાહેરમાં માનું છું તે કોઈ માનતું નથી.) માનું છું કે વિમાન ચલાવવામાં કોઈ મોથ મારવાની નથી. કદાચ તમે કોમર્શિયલ પાઇલોટ હશો કે એર ફોર્સમાં હશો તો મારા વિધાનનો નિ:શંકપણે વિરોધ કરશો. ભલે વિરોધ કરો, તમને ઘણી ખમ્મા! વિમાન તમારું ભલુ કરે.
આ વિમાન ચલાવનારા કઈ મૂડી પર પોતાને કેપ્ટન કે સ્ક્વોડ્રન લીડર કહેવડાવતા હશે તેની ખબર નથી. વિમાનવાળાના વાદે ચડીને તેજસ ટ્રેનના ડ્રાઇવરો પોતાને પાઇલોટ કેમ કહેવડાવતા હશે? આ તો એક વાત થાય છે! છકડો બારેમાસવાળા સાઉથની ફિલ્મવાળાની જેમ અકસ્માતમાં ગાડીઓ ઉછાળે છે એમ છકડો ઉછાળતા રહે છે તે છકડાવીરો પણ આવતી કાલે પોતાને પાઇલોટ કહેવડાવવા આરટીઓને અરજી કરશે!! જમીન પરથી રિમોટથી ડ્રોન ચલાવનાર ખુદને પાઇલોટ કહે છે. કોથળા જેવો દેહ લઇને રસ્તે ચાલનાર કાલે પોતાને પાઇલોટ કહેશે? શું કરશો? શું કહો છો, ઠાકુર??
વિમાન ટેક ઓફ કરવામાં સવિશેષ ધ્યાન રાખવું પડે. એ જ રીતે વિમાન ઉતારતી વખતે એટલે કે લેન્ડિંગમાં કાળજી લેવી પડે. ક્યારેક રન-વે પરથી વિમાન લસરી જવાની કે વિમાનનું ટાયર બર્સ્ટ થવા જેવી ઘટના બને. કદીમદી પક્ષી વિમાનને અથડાય ત્યારે બર્ડહીટને લીધે પ્લેન ક્રેશ થાય. ટેક્નિકલ ખામીને લીધે વિમાન હોનારત થાય!! વિમાન આકાશમાં ઊડે ત્યારે વિમાનને અમદાવાદ કે ગાંધીનગર જેવા ડિસ્કો રોડ, જીવલેણ બમ્પ, રસ્તા પર અડ્ડો જમાવીને તેત્રીસ કરોડ દેવતાને દેહમાં સમાવનારી ગાય કે ગાયોના સમૂહથી ડરતાં ડરતાં શું વિમાન તારવવું પડે છે??? ભાવવધારાની જેમ ત્રાટકતા સ્ટ્રીટ ડોગનો જીવ બચાવવા બાઇકરની જેમ ગબડવું પડે છે? રાજકીય પક્ષોની જેમ લડતા આખલાથી ભયભીત થવું પડે છે? વાહન બાપનો બગીચો હોય તેમ રોડ પર એક વાહન પાર્ક કરેલું હોય તેને સમાંતર બીજું વાહન પાર્ક કરી અડધો રસ્તો બ્લોક કરેલો હોય, સામેથી રોંગસાઇડમાં પૂર ઝડપથી ટૂ વ્હીલર કે ફોર વ્હીલર વચ્ચેથી વિમાન ચલાવવાનું હોય? રસ્તા પર વરઘોડા, શોભાયાત્રા કે કથાના મંડપોના દબાણમાં વિમાન ક્યાં ચલાવવાનું હોય? બાપુ ગાડીની સ્પીડથી વાહન ચલાવવા છતાં સતત હોર્ન મારવા, રાતના સમયે ડીપર લાઇટ કરવા છતાં સાઇડ ન આપતા અલેલટપ્પુઓ વચ્ચે વિમાન ચલાવવાનું હોય? ટ્રાફિક આઇલેન્ડ પર લાલની લીલી લાઇટ થાય ત્યાં સુધી બોચીએથી પરસેવાના ધધુડા પડતા હોય તેવી સ્થિતિમાં વિમાન ચલાવવાનું હોય છે? ચોમાસામાં ત્રાંસા વરસાદના છાંટા આંખમાં તીરની જેમ વાગે એમ વાહન ચલાવવાનું હોય છે?
વિમાનનો પાયલોટ તો તમારો ભાગ્ય વિધાતા હોય તેવી મગરૂર ભાષામાં એનાઉન્સમેન્ટ કરે છે, જેના ઉચ્ચારો મંગળ ગ્રહના વતની જેવા હોય છે. વિમાનના પાયલોટનું એનાઉન્સમેન્ટ અને ડોક્ટરના ગરબડિયા અક્ષરમાં લખેલા પ્રિસ્ક્રિપ્શનના અક્ષરોનું હાર્દ આત્મસાત્ કરનાર વિરલા જવલ્લે જ જોવા મળે છે!! તમે ખમાસાની પોળ કે મિરઝાપુર કે ભાવનગરની સાંકડી ગલીમાં વાહન ચલાવતી વખતે કાયદેસરનું ઝોકું ખાઇ શકો? પાઇલોટ વિમાનને ઓટો મોડ પર મૂકી પંદર મિનિટ કાયદેસર ઊંઘી શકે છે. હોટેલ કે રેસ્ટોરાંનું રસોડું ગ્રાહક માટે હેરત અંગેજ ગણાય છે, તેમ વિમાનની કોકપિટ પેસેન્જર માટે રહસ્યમયી હોય છે. માનો કે આગાથા ક્રિસ્ટી કે આલ્ફ્રેડ હિચકોકની કૃતિ ન હોય!
વિમાનમાં પેસેન્જર પર કેટલાં નિયંત્રણો? ટેક ઓફ કે લેન્ડિંગ સમયે અવરજવર કરી ન શકાય કે લેવેટરીનો ઉપયોગ કરી ન શકાય! પેસેન્જરે મોંઘા ભાવનાં વ્યંજનો વિમાનની પેન્ટ્રીમાંથી ખરીદ કરવાં પડે. અહીં સાલ્લા પાનમસાલાના ગલ્લા કે ફાફડા-જલેબીના સ્ટોલ પણ ન હોય, બોલો. (શું બોલે ભાયા? આયાં આવું જ હોય!) પેલું શું કહે છે, ખુરશી કી પેટી બાંધી રખીએ. સીટ સીધી રખીએ! તારી ભલી થાય ચમના. આટલા રૂપિયા ખરચવા છતાં જાત જાતની પાબંદી. અમે છકડામાં બેસીએ તો નવઘણ ભરવાડ એટલું જ કહે કે ડાંડો ઝાલી રાખજો, નયતર ઢોળાઈ જશો કે વેરાઈ જશો.
બોસ વિમાનમાં બીડી કે સિગારેટ કે ઈ સિગારેટ ન પિવાય. લેવેટરીમાં સિગારેટ પીએ તો પણ એક્શન લે. જ્યારે આપણા છકડામાં પાયલોટ, છકડા ક્રૂ મેમ્બર અને પેસેન્જર એક બીડીમાંથી ચાર ચાર જણ કસ મારતા હોય, બાપલિયા વયા આવો સંચોડા!! વિમાનનો પાયલોટ ધના સુતારની પોળમાં વિમાન હંકારી દે તો આપણે એના ગુલામ થઈ જાય હોં કે!!
પાયલોટ થવાની ટ્રેઇનિંગ માટે ફ્લાઇટ ક્લબ ચાલે છે. થિયરેટિકલ, પ્રેક્ટિકલ, સ્ટિમ્યુલેટર પર તાલીમ આપે. અમુક કલાક વિમાન ઉડાડવાનો અનુભવ હોય તો વિમાન ઉડાડી શકે!!
જ્યારે અમારા વીર રિક્ષાવાળા હાથમાં સ્ટિયરિંગ પકડે કે પાકું લાઇસન્સ પાકું જ સમજો. સ્ટિમ્યુલેટર વળી કઈ બલા છે? શરીરનું અડધું ઠાઠું રિક્ષા બહાર કાઢી પગથી સાઇડ બતાવતો સર્પન્ટ રિક્ષા ચલાવે કે સૌના શ્ર્વાસ અધ્ધર થઈ જાય.
અમેરિકામાં એક નાના વિમાનના ઉડાનની વચ્ચે જ પાઇલટ અચેત થઈ ગયો. એવામાં વિમાનનું લેન્ડિંગ એક મુસાફરે જ કરાવ્યું. આ પહેલાં આ મુસાફરે ક્યારેય વિમાન નહોતું ઉડાવ્યું. મામલો બુધવારનો છે. મુસાફરે એટીસીની મદદથી સેસના ૨૦૮ લાઇટ વિમાનને ફ્લોરિડા એરપોર્ટ પર સુરક્ષિત ઉતાર્યું.
વિગતો મુજબ એક ટૂ સીટર વિમાને બહામાસના માર્શ હાર્બર સ્થિત લિયોનોર્ડ એમ. થોમ્પસન ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભરી હતી. રસ્તામાં જવિમાનનો પાઇલોટ બેભાન થઈ ગયો. સંકટમાં ફસાયેલા જોઈને મુસાફરે એરટ્રાફિક ક્ધટ્રોલર સાથે સંપર્ક કરી મદદ માગી. વિમાન ૧૧૩ કિમી દૂર ફ્લોરિડાના તટથી દૂર સમુદ્રની ઉપર ઊડતું હોવાની જાણ થઈ.
આ દરમિયાન એટીસીએ પામ બીચ ઇન્ટરનેશનલ એર પોર્ટે સેસના વિમાનના કોકપિટની પ્રિન્ટ લીધી અને ટ્રાફિક ક્ધટ્રોલર રોબર્ટ મોર્ગનને મુસાફર સાથે વિમાનને નિયંત્રિત કરવાની સુરક્ષિત લેન્ડ કરાવી દીધું. આ અજ્ઞાત મુસાફર પોતાની ગર્ભવતી પત્નીને મળવા માટે આવી રહ્યો હતો. ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) મુજબ, એક એન્જિનવાળા સેસના ૨૦૮ વિમાન પર માત્ર બે લોકો સવાર હતા.
વિમાન ચલાવવું એ ડાબા હાથનો ખેલ છે. બોલો, મારી વાત ખોટી છે? વિમાન ચલાવવા કોઈ તાલીમની જરૂર નથી.
આ સમાચાર વાંચીને રાજુ રદ્દીની દાઢ સળકી છે. વિમાન ચલાવીને રાજુ રદ્દીને હાથ સાફ કરવા છે!!