નવી દિલ્હીઃ દેશના ડોમેસ્ટિક એવિયેશન ટ્રાફિકમાં નિરંતર વધારો થઈ રહ્યો છે, પરંતુ એવિયેશન ક્ષેત્રે ટેક્નિકલ ખામીનું પ્રમાણ વધ્યું છે, તેથી પ્રવાસીઓને હાલાકી પડી રહી છે. મંગળવારે દિલ્હી એરપોર્ટ પર બે અલગ અલગ ફ્લાઈટમાં ટેક્નિકલ ખામીના કિસ્સા નોંધાયા હતા. પુણેથી દિલ્હી અને દિલ્હીથી શ્રીનગરની એમ બે ફ્લાઈટમાં ટેક્નિકલ ખામીના કિસ્સા નોંધાયા હતા. પુણેથી દિલ્હીની ફ્લાઈટમાં પાઈલટને આઈજીઆઈ એરપોર્ટ પર પ્રાયોરિટી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. ફ્લાઈટની વિંડશીલ્ડમાં પડેલી તિરાડ પડ્યા પછી પ્લેનને દિલ્હી એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું હતું, એમ સત્તાવાર જણાવ્યું હતું.
આ ફલાઈટ પુણેથી દિલ્હી આવી રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. આ પૂર્વે સવારના દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી સ્પાઈસજેટના એક વિમાનના કોકપીટમાં ટેક્નિકલ ખરાબીને ખોટી ચેતવણીને કારણે આઈજીઆઈ એરપોર્ટ પર પરત ફરવું પડ્યું હતું.
સ્પાઈસજેટ એરલાઈનવતીથી એક નિવેદનમાં જણાવ્યું છે કે દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી સ્પાઈસજેટની બી-737 ફ્લાઈટની કોકપીટમાં એએફટી કાર્ગોમાં ફાયર લાઈટમાં આગને કારણે દિલ્હી પરત ફરવાની નોબત આવી હતી. મિસકોમ્યુનિકેશનને કારણે એએફટી કાર્ગો ખોલવામાં આવ્યા પછી આગ કે ધુમાડો જોવા મળ્યો નહોતો.
પ્રાથમિક તબક્કેનું વિશ્લેષણ ખોટું કરવામાં આવ્યું હોવાને કારણે ખોટી ચેતવણી ગઈ હતી. વિમાનમાં 140 પ્રવાસી સુરક્ષિત હતા અને તમામને સુરક્ષિત રીતે વિમાનમાંથી ઉતારવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ શનિવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પરથી એક વિમાનમાં ટેક્નિકલ ખરાબીને કારણે ઈમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યુ હતું. પશ્ચિમ બંગાળ જતી ઈન્ડિગોની ફ્લાઈટ (દિલ્હીથી બાગડોગરા)નું દિલ્હી એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.