હવાઈમાર્ગે પ્રવાસ કરનારાઓની સંખ્યા ઘણી મોટી હોવા છતાં ઘણા બે શહેરો વચ્ચે સવલતો ઓછી છે. રાજકોટ અને મુંબઈ વચ્ચે ઘણી અવરજવર થતી હોવા છતાં સવારના સમયે કોઈ ફ્લાઈટ ન હોવાથી કામધંધા માટે જવા ઈચ્છતા લોકોને તકલીફ પડતી હતી.
રાજકોટ એરપોર્ટથી સવારે દિલ્હી-મુંબઇ જવા એક પણ ફલાઇટ નહીં હોવાથી સવારે ફલાઇટ શરૂ કરવા વિવિધ સંગઠનો અને મુસાફરોની માંગ ઉઠતા ઇન્ડીગો એરલાઇન્સ દ્વારા આગામી 24 એપ્રિલથી સવારે રાજકોટ-મુંબઇ-રાજકોટ ફલાઇટનો શિડયુલ જાહેર કરવામાં આવ્યો છે.
રાજકોટ-મુંબઇ વચ્ચે સવારની ફલાઇટ શરૂ કરવા ઇન્ડીગો કંપનીને એરપોર્ટ ઓથોરીટી તરફથી સ્લોટ મળતા આગામી તા. 24 એપ્રિલ થી સવારે 9.05 વાગ્યે મુંબઇની ડેઇલી ફલાઇટ ઉડશે. જે સવારે 7.25 વાગ્યે મુંબઇથી ટેક ઓફ થઇ રાજકોટ 8.35 વાગ્યે લેન્ડ થયા બાદ સવારે 9.05 વાગ્યે પરત જવા ટેક ઓફ થઇ 10.10 વાગ્યે મુંબઇ ઉતરશે. સવારની ફલાઇટ શરૂ થતા નાના મોટા ઉદ્યોગકારો તેનો લાભ લઇ શકશે.
રાજકોટથી ઇન્દોર અને ઉદયપુરની સીધી ફલાઇટ શરૂ કરવા વિવિધ વેપારી સંગઠનોએ માંગણી ઉઠાવતા ઇન્ડિગો એરલાઇન્સ કંપનીએ ગત માર્ચ માસના પ્રથમ સપ્તાહમાં જ રાજકોટ-ઉદયપુર રાજકોટ-ઇન્દોરની ડેઇલી ફલાઇટનો શિડયુલ જાહેર કરી 1 મે થી બંને સેકટર માટે બુકીંગ વિન્ડો ઓપન કરતા અનેક મુસાફરોએ બંને ફલાઇટોમાં બુકીંગ કરાવ્યા હતા. જો કે ત્યારબાદ એર લાયન્સ કંપનીએ ઉપરોકત બંને શિડયુલ રદ કરી હવે આગામી તા.1 જુલાઇથી બંને સેકટર શરૂ કરવા બુકીંગ વિન્ડો ઓનલાઇન ઓપન કર્યા છે.