રશિયાના મોસ્કોથી ગોવા આવી રહેલા એક વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. આ ધમકી ગોવા એરપોર્ટના ડાયરેક્ટરને ઈમેલ દ્વારા મોકલવામાં આવી હતી. ભારતના એરસ્પેસમાં પ્રવેશતા પહેલા જ એરક્રાફ્ટને ઉઝબેકિસ્તાન ડાયવર્ટ કરવમાં આવ્યું છે. ફ્લાઈટ ઉઝબેકિસ્તાનમાં લેન્ડ થયા બાદ તેની તપાસ કરવામાં આવી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું કે છે અઝુર એર (AZUR AIR)ના એરક્રાફ્ટમાં 247 મુસાફરો સવાર હતા, જેમને ઉઝબેકિસ્તાનના એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યા હતા. અધિકારીના જણાવ્યા અનુસાર, “ડાબોલિમ એરપોર્ટના ડાયરેક્ટરને રાતે 12.30 વાગ્યે એક ઈ-મેલ મળ્યો હતો, જેમાં વિમાનમાં બોમ્બ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પછી, વિમાનને ઉઝબેકિસ્તાન તરફ વાળવામાં આવ્યું હતું.”
મળતી માહિતી મુજબ અઝુર એર દ્વારા સંચાલિત ફ્લાઈટ નંબર AZV2463, દક્ષિણ ગોવાના ડાબોલિમ એરપોર્ટ પર સવારે 4.15 વાગ્યે ઉતરવાની હતી પરંતુ તે ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરે તે પહેલા તેને ઉઝબેકિસ્તાન તરફ વાળવામાં આવી હતી.
આ બીજો કિસ્સો છે જ્યારે મોસ્કોથી ગોવા આવી રહેલી ફ્લાઈટને બોમ્બથી ઉડાડવાની ધમકી બાદ ડાયવર્ટ કરવામાં આવી હોય. જાન્યુઆરીની શરૂઆતમાં જ અઝુર એરના ચાર્ટર પ્લેનમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી, ત્યારબાદ પ્લેનને ગુજરાતના જામનગર ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. આ વિમાનમાં 236 મુસાફરો હતા.