જમ્મુ: જમ્મુ-કાશ્મીર હાઉસિંગ બોર્ડ દ્વારા ૩૩૬ બિન-સ્થાનિક લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ફ્લેટ ફાળવવામાં આવનાર છે, જેમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો તથા ઓછી આવક ધરાવતા વર્ગના બિન-સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે. દેશભરમાંથી જેઓ જમ્મુમાં હંગામી ધોરણે કે કાયમી ધોરણે આવીને રહેતા હોય તેમને ફ્લેટ ફાળવવા માટે ઓનલાઇન અરજી કરવાનું બોર્ડ દ્વારા જણાવાયું છે.
તાજેતરમાં જારી કરાયેલી એક જાહેર નોટિસમાં જણાવાયા મુજબ, બોર્ડ દ્વારા ૩૩૬ ફ્લેટની ફાળવણી માટે આગામી તા. ૧૫ મેનો દિવસ આવી ઓનલાઇન અરજી માટે છેલ્લી તારીખ તરીકે નિશ્ર્ચિત કરાયો છે. આ ફ્લેટ જમ્મુની બહારના સુંજવાન ખાતે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સીસ (પરવડે તેવા ભાવના ભાડાનાં મકાનો) યોજના હેઠળ ઉપલબ્ધ કરાવાશે.
આ યોજનામાં શહેરમાં કામ કરતા મજૂરવર્ગના લોકો, શહેરી ગરીબ (શેરીઓના ફેરિયા, લારી-ગલ્લાઓ ચલાવનારા તથા અન્ય સેવા આપનારા લોકો), ઔદ્યોગિક કામદારો તથા સ્થળાંતરિત લોકો, શૈક્ષણિક સંસ્થાઓના કામદારો, હોસ્પિટાલિટી ક્ષેત્રના લોકો, લાંબા ગાળાના વિઝિટરો કે ટુરિસ્ટો, વિદ્યાર્થીઓ કે અન્ય કોઈ વર્ગના લોકોનો સમાવેશ કરાશે. નોટિસમાં જણાવાયું છે કે, સુંજવાન વિસ્તાર મુખ્ય ઔદ્યોગિક એસ્ટેટોની નજીકમાં છે, જ્યાં ગંગ્યાલ પાંચ કિ.મી. અને બારી બ્રહ્મણા દસ કિ.મી. જેટલા અંતરે છે, જ્યાં ઝડપથી પહોંચી શકાય છે. જમ્મુના વિકાસશીલ વિસ્તારમાં આવેલું આ સ્થળ છે અને ત્યાં તમામ પ્રકારની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ છે. તમામ બિલ્ડિંગ બ્લોક ભૂકંપ-પ્રૂફ છે અને ઘરોમાં બેડરૂમ, લિવિંગ રૂમ, કીચન તથા ટોઈલેટ અને બાથરૂમ છે.
માસિક રૂપિયા ૨૨૦૦ના ભાડા પર આ ઘર ઉપલબ્ધ છે અને તે ૨૯૦ ચો.ફૂ.માં ફેલાયેલું છે. આ માટેનો ભાડાકરાર શરૂઆતમાં ત્રણ વર્ષ માટે કરાશે, જેને પાછળથી પાંચ વર્ષ માટે કરી શકાશે.
નોટિસમાં વધુમાં જણાવાયું છે કે, તા. ૩૦ એપ્રિલ સુધીમાં લગભગ ૯૬ યુનિટની ફાળવણી કરી દેવામાં આવશે, અને જૂનની તા. ૩૦મી સુધીમાં બીજા ૧૧૨ યુનિટો આપી દેવાશે. તો, તે પછી છેક તા. ૩૧મી ઑક્ટોબર સુધીમાં ત્રીજા તબક્કામાં ૧૨૮ યુનિટોની ફાળવણી કરાશે.
કોવિડ-૧૯ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક પ્રવૃત્તિઓને ઉત્તેજન માટે આત્મનિર્ભર ભારતની હાકલ કરી હતી, તેના અનુસંધાનમાં હાઉસિંગ તથા શહેરી પ્રવૃત્તિઓના મંત્રાલયે આ પરવડે તેવાં ઘરોની યોજના અમલમાં મૂકી છે. તેમાં શહેરોમાં સ્થળાંતર કરીને જનારા લોકોને સારાં ટકાઉ અને પરવડે તેવાં ભાડાંનાં ઘર પૂરાં પાડવાની નેમ છે. જોકે, તેના માટે ભાડાના ઘરમાં રહેતા હોય અને જેમની વાર્ષિક આવક રૂપિયા ૩ લાખથી વધારે ન હોય (આર્થિક રીતે નબળા વર્ગ માટે) તથા રૂપિયા ૬ લાખથી ઓછી (ઓછી આવક ધરાવતા વર્ગના લોકો) હોય તેવા લોકો માટે આ ફ્લેટ માટે ઓનલાઇન અરજી કરી શકશે. ઓનલાઇન અરજી કરતા અરજદાર પાસે આધારકાર્ડ અને આવક, રોજગારી તથા શિક્ષણ (વિદ્યાર્થી માટે)નો પુરાવો વગેરે બાબતો ફરજિયાતપણે હોવી જોઈએ, એમ જાહેર નોટિસમાં જણાવાયું છે.
(પીટીઆઈ)