ફિલ્મ બનાવતી વખતે દરેક બાબતમાં ચોકસાઈ જાળવવા ચીવટ રાખવામાં આવતી હોય છે, પણ કોઈ બાબત ધ્યાન બહાર રહી જાય અને છબરડો વળી જાય એવું અક્ષય કુમારની મરાઠી ફિલ્મના લુકમાં જોવા મળ્યું
ફ્લેશબેક – હેન્રી શાસ્ત્રી
અક્ષય કુમાર માટે આ વર્ષ વસમું રહ્યું છે. હિન્દી ફિલ્મોમાં ફ્લોપ રહ્યા પછી ખિલાડી કુમારે છત્રપતિ શિવાજી મહારાજ પર આધારિત મરાઠી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. મહેશ માંજરેકર દિગ્દર્શિત આ ફિલ્મ ફરી સારા દિવસો દેખાડશે એવી આશા એના હૈયે હોય એ સ્વાભાવિક છે. તાજેતરમાં ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર થયો અને અક્ષય પર રીતસરના માછલાં ધોવાયા છે. છત્રપતિ શિવાજી મહારાજ તરીકે અક્ષય સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા ગેટઅપમાં દેખાય છે પણ એમાં એક મોટો છબરડો છે. એ ફ્રેમમાં લાઈટના બલ્બ સાથેનું ઝુમ્મર પણ દેખાય છે. ટીકા થવાનું કારણ એ છે કે છત્રપતિ શિવાજી મહારાજનો જીવનકાળ ૧૬૩૦થી ૧૬૮૦નો છે અને લાઈટના બલ્બની શોધ તો થોમસ આલ્વા એડિસને ૧૮૭૯માં કરી હતી. તો પછી બલ્બની હાજરી કેમ? છબરડો ધ્યાનમાં આવતા જ નેટીઝનોએ અક્ષયને ટ્રોલ કરવાનું મતલબ કે એની ટીકા કરવાનું શરૂ કરી દીધું. અક્ષયને મહાન મરાઠા રાજાનો રોલ નહીં કરવાની વિનંતી કરવામાં આવી. અનેક લોકોએ તો એવી કોમેન્ટ સુધ્ધાં કરી કે અક્ષય ભલે કોઈ મહારાજનો રોલ કરે, મોટાભાગના દર્શકો માટે તો એ ‘હાઉસફુલ ૪’નો બાલા જ રહેવાનો. ૧૯૯૦થી સાઉથની ફિલ્મો અને છેલ્લા દાયકામાં હિન્દી ફિલ્મોમાં પણ અભિનયના અજવાળા પાથરનાર એક્ટર પ્રકાશ રાજએ પણ ટીકા વહેણમાં ઝંપલાવ્યું છે અને ઇલેક્ટ્રિક બલ્બની હાજરી વિશે સવાલ ઉઠાવ્યો છે કે ભાઈ આ ક્યાંથી? ગોટાળા – છબરડા – માહિતી દોષ વગેરે ફિલ્મો માટે નવાઈની વાત નથી, પછી એ હિન્દી હોય પ્રાદેશિક ફિલ્મ હોય કે હોલિવૂડની ફિલ્મ (જુઓ બોક્સ) કેમ ન હોય, કાગડા તો બધે જ કાળા હોય. વર્ષોથી થતા આવ્યા છે અને થતા રહેશે. કેટલીક નામાંકિત ફિલ્મોના છબરડા જાણીએ જે મોટાભાગના દર્શકોના ધ્યાનમાં નથી આવ્યા.
+ બહુ ગાજેલી પણ વરસેલી નહીં એ અમિતાભ બચ્ચન અને આમિર ખાનની ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ (૨૦૧૮)ની કથા ઈ.સ. ૧૭૯૫ના સમયની છે. બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની વિરુદ્ધ ઠગની એક ટોળી લડત ચલાવે છે. આમિર ખાનનું પાત્ર ખૂબ જ સ્ટાઈલિશ છે એ તો સમજ્યા, પણ ૧૭૯૫માં એની પાસે ફેશનેબલ સનગ્લાસ ક્યાંથી આવ્યા એવો સવાલ પૂછવાનું મન થાય, કારણ કે એવા સનગ્લાસનો ટ્રેન્ડ તો ૧૯મી
સદીના પ્રારંભમાં શરૂ થયો હતો. આ દલીલ નેટીઝનોએ કરી છે.
+ શાહરૂખ ખાનની સુપરહીરો ફિલ્મ ‘રા. વન’ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હતો. ફિલ્મની ટીમ દ્વારા ઝીણામાં ઝીણી વિગતની ચોકસાઈ જાળવવા પર ધ્યાન આપવામાં આવ્યું હતું. જોકે, આ તકેદારી રાખવા જતા એક મોટો છબરડો થઈ ગયો જે ફિલ્મ રિલીઝ થયા પછી જ ધ્યાનમાં આવ્યો. ફિલ્મમાં જ્યારે શેખર સુબ્રમણ્યમ (શાહરૂખ ખાન)નું અવસાન થાય છે ત્યારે તેને ખ્રિસ્તી ધર્મના રીત રિવાજ અનુસાર દફનાવવામાં આવે છે. જોકે, એના પછીના દૃશ્યમાં કરીના કપૂર શાહરૂખના અસ્થિનું વિસર્જન કરતી દેખાડવામાં આવે છે. દફનાવવામાં આવેલા મૃતદેહનું અસ્થિ વિસર્જન કઈ રીતે થઈ શકે એવો સવાલ થવો સ્વાભાવિક છે. ગંભીર ભૂલ લાગતા આ સીન વિશે સ્પષ્ટતા કરતા વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે ‘શાહરૂખના પાર્થિવ દેહને દફનાવવામાં નથી આવતું પણ એની શબપેટીને હિટ વેવ્ઝમાંથી પસાર કરવામાં આવે છે અને એ રાખ કરીનાને આપવામાં આવે છે.’ સાચું – ખોટું શાહરુખ અને દિગ્દર્શક અનુભવ સિંહા જાણે.
+ આમિર ખાનની ‘લગાન’ (૨૦૦૧)ને સિને પ્રેમીઓએ આવકારી હતી. ૧૦૦ વર્ષ જૂની કથાને કેન્દ્રમાં રાખી ફિલ્મ બનાવવાની હોય ત્યારે ચોકસાઈ બહુ જાળવવી પડે. હા, ફિલ્મની કથા કાલ્પનિક છે, પણ એમાં એક ઐતિહાસિક ક્ષતિ ઊડીને આંખે વળગે છે. ઈ. સ. ૧૮૯૨ની કથા ધરાવતી ફિલ્મમાં ક્રિકેટ મેચ નિર્ણાયક સાબિત થાય છે. મેચમાં બોલરની ઓવર છ બોલની બતાવવામાં આવી છે. ક્રિકેટના સત્તાવાર ઈતિહાસ અનુસાર પહેલા ઓવર ચાર બોલની હતી અને ૧૮૮૯થી પાંચ બોલની કરવામાં આવી હતી. છ બોલની ઓવરનો નિયમ તો ૧૯૦૦ની સાલમાં અસ્તિત્વમાં આવ્યો હતો. અલબત્ત આ વાત ફિલ્મની લોકપ્રિયતામાં ઢંકાઈ ગઈ અથવા કોઈના ધ્યાનમાં ન આવી.
+ રાકેશ ઓમપ્રકાશ મેહરાની ‘ભાગ મિલ્ખા ભાગ’ બોક્સ ઓફિસ પર સડસડાટ દોડી હતી. ફ્લાઈંગ શીખનું બિરુદ મેળવનાર દોડવીર મિલ્ખા સિંહની આ બાયોપિકને પગલે ‘મેરી કોમ’, ‘એમ એસ ધોની’ સહિત ઘણી બાયોપિક બનવાનો સિલસિલો શરૂ થયો. ફિલ્મની કથા ૧૯૫૦ના દાયકાની હોવાથી જૂની
વાતો જાળવવા ચોકસાઈ રાખવામાં આવી હતી. જોકે, કેટલીક નજીવી ભૂલ જોવા મળી હતી ખરી. ફિલ્મમાં મિલ્ખા સિંહનું પાત્ર સાકાર કરતો ફરહાન સોનમ કપૂર પર વટ પાડવા ‘નન્હા મુન્ના રાહી હું’ ગાય છે જે ‘સન ઓફ ઈન્ડિયા’ ફિલ્મનું છે જે ૧૯૬૨માં રિલીઝ થઈ હતી. સિવાય કેટલાક સીનમાં મોબાઈલ ટાવર દેખાય છે જેનું અસ્તિત્વ ૧૯૫૦ના દાયકામાં હતું જ નહીં.
+ ઐતિહાસિક તથ્યમાં જ લોચા થાય એવું નથી, વૈજ્ઞાનિક બાબતમાં પણ ગફલત થઈ હોવાના ફિલ્મના ઉદાહરણ છે. રવિ ટંડન દિગ્દર્શિત ‘મજબૂર’ (૧૯૭૪)નો છબરડો જાણવા જેવો છે. ફિલ્મમાં રવિ ખન્ના (અમિતાભ બચ્ચન)ને જાણ થાય છે કે એના મગજમાં જીવલેણ ગાંઠ થઈ છે અને એ થોડા મહિનાનો મહેમાન છે. એની બ્રેઈન સર્જરી કરવામાં આવે છે અને ઓપેરેશન પછી એ સાજો થઈ જાય છે. ૧૯૭૦ના દાયકામાં બ્રેઈન ટ્યુમરની સર્જરી કરતી વખતે દરદીના બધા વાળ ઉતારી લેવા આવશ્યક ગણાતું હતું. સર્જરી પછીના જ સીનમાં અમિતાભ બધા વાળ અકબંધ છે એવી અવસ્થામાં નજરે પડે છે.
+ શાહરુખ – કાજોલની ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ અત્યંત સફળ અને યાદગાર ફિલ્મ છે. જોકે, ફિલ્મ બનાવતી વખતે એક વાત દિગ્દર્શકના ધ્યાન બહાર રહી ગઈ હોય એવું લાગે છે. ફિલ્મનો ઈન્ટરવલ પછીનો હિસ્સો અને ખાસ કરીને ક્લાઈમેક્સ પંજાબમાં શૂટ થયો છે, પણ જે આપટા નામનું રેલવે સ્ટેશન દેખાડવામાં આવ્યું છે એ પંજાબમાં નહીં પણ મહારાષ્ટ્રમાં છે.
+ ફિલ્મના સીનમાં જ છબરડા હોય એવું નથી, ક્યારેક ગીતમાં પણ ગરબડ થઈ હોવાના કિસ્સા છે. ઊડીને આંખે વળગે એવું ઉદાહરણ છે શેખર કપૂરની ‘મિસ્ટર ઈન્ડિયા’ના અફાટ લોકપ્રિય થયેલા ‘હવા હવાઈ’ ગીતનું. અલબત્ત ગીતની ગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિએ જો ખુલાસો ન કર્યો હોત તો આ ગોટાળાની કદાચ જાણ પણ ન થઈ હોત. ગીતના પહેલા અંતરામાં ‘હો જાનુ જો તુમને બાત છુપાઈ’ એવી લાઈન છે જે રિપીટ થાય છે. કવિતા એક વાર જીનુ ગાય છે અને એક વાર જાનુ ગાય છે. સંગીતકાર લક્ષ્મીકાંત – પ્યારેલાલના ધ્યાનમાં આ વાત આવી, પણ ગીત – સંગીતની તાજગી, નાવીન્ય અને પ્રભાવમાં આ ભૂલ કોઈના ધ્યાનમાં નહીં આવે એવી દલીલ કરી જીનુનું જાનુ કરવા રિટેક ન કર્યો અને એમની વાત સોળ આના સાચી સાબિત થઈ.