ફ્લેશબેક – હેન્રી શાસ્ત્રી
બુધવારે વિશ્ર્વ જળ દિવસ હતો. હિન્દી ફિલ્મોને વરસાદથી તરબોળ કરી દેનાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ પાણી કે પાણીની સમસ્યાને કેન્દ્રમાં રાખી છબછબિયાં જ કર્યા છે
(ડાબેથી) વેલ ડન અબ્બા, જલ અને કડવી હવા
—
બ્રહ્મા – વિષ્ણુ – મહેશ ત્રિદેવ મનુષ્યના આધ્યાત્મિક જીવન સાથે ગાઢ નાતો ધરાવે છે જ્યારે હવા – પાણી – ખોરાક ત્રિપુટી મનુષ્યના ભૌતિક જીવન સાથે અતૂટ સંબંધ ધરાવે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાંથી કોઈ એકને પૂજવા કે ત્રણેયમાં શ્રદ્ધા રાખવી એ વ્યક્તિગત બાબત છે જ્યારે હવા, પાણી અને ખોરાક એ ત્રણેય વિના સામાન્યપણે લાંબો સમય નથી જીવી શકાતું. જીવન માટે ત્રણેયનું અવલંબન જરૂરી છે. જોકે, ચોંકાવનારી વાત એ છે કે ધર્મ દેવનું જતન નિષ્ઠાથી કરતો મનુષ્ય ભૌતિક જરૂરિયાતની ત્રિપુટી સાથે યેનકેન પ્રકારે અન્યાય કરી રહ્યો છે. એમાંય પાણી માટે વરસાદ પર ઘણો મદાર રાખતી મનુષ્ય જાત ભવિષ્યમાં સર્જાનારી સંભવિત જળ સમસ્યા પ્રત્યે ગંભીર નથી. કહે છે કે ત્રીજું વિશ્ર્વયુદ્ધ પાણી માટે ખેલાશે. પાણીની સમસ્યા કેવું વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે એ આ અનુમાન પરથી સિદ્ધ થાય છે. ફિલ્મોમાં વરસાદને હૈયાસરસો ચાંપનાર ઈન્ડસ્ટ્રી પાણી અને પાણીની સમસ્યા અંગે ઉદાસીન રહી છે. હા, વરસાદ નહીં પડવાથી દુષ્કાળની પરિસ્થિતિ દર્શાવતા ‘ગાઈડ’ કે ‘લગાન’નાં દ્રશ્યો આંખ સામે તરવા લાગે, પણ આ બંને ફિલ્મની કથામાં કેન્દ્ર જળ સમસ્યા નહોતી, એક નાનકડો સાંધો હતી જે કથાને આગળ લઈ જવામાં નિમિત્ત બને છે. ભૂતકાળમાં બીજી પણ કેટલીક ફિલ્મોમાં દુષ્કાળનાં દ્રશ્યો જોયા હશે. બુધવારે વિશ્ર્વ જળ દિવસ હતો. આજે બે દિવસ પછી પાણીની સમસ્યાને કેન્દ્રમાં રાખી બનેલી અમુક ફિલ્મના ઉદાહરણ જોઈએ.
પાણી અને ફિલ્મનું જોડાણ વિશે વિચારતા તરત દીપા મહેતાની ‘વોટર’ (૨૦૦૫)નું સ્મરણ થાય. ટાઈટલમાં ભલે પાણી રહ્યું ફિલ્મમાં બાળ લગ્ન અને પતિ ગુમાવી દેનાર મહિલાઓની વીતકકથા કેન્દ્રસ્થાને હતી. અમોલ પાલેકરે ‘થોડા સા રૂમાની હો જાએ’ (૧૯૯૦) નામની મજેદાર ફિલ્મ બનાવી હતી. ચિત્રપટમાં નાના પાટેકરનો એક સંવાદ છે જેમાં એ પાણી ક્યા કયા નામે ઓળખાય છે એ લાક્ષણિક શૈલીમાં કહે છે. નાના પાટેકરના એ લાંબા સંવાદનો હિસ્સો છે: ’પાની કો ઉર્દૂ મેં આબ, મરાઠી મેં પાણી, તમિળ મેં થન્નીર, કન્નડ મેં નીર ઔર બાંગ્લા મેં જોલ કેહતે હૈં. સંસ્કૃત મેં જિસે વારિ, નીર, અમૃત, અંબુ ભી કેહતે હૈં. ગ્રીક મેં ઇસે એક્વા પુરા, અંગ્રેજી મેં ઈસે વોટર ભી કેહતે હૈં. ફ્રેન્ચ મેં ઔઉ ઔર કેમેસ્ટ્રી મેં એચ ટુ ઓ કેહતે હૈં. યહ પાની આંખ સે ઢલતા હૈ તો આંસુ કહલાતા હૈ લેકિન ચેહરે પે ચડ જાએ તો રૂબાબ બન જાતા હૈ તો કોઈ શર્મ સે પાની પાની હો જાતા હૈ. પાની પાની હૈ, પાની જિંદગાની હૈ.’ હિન્દી ફિલ્મમાં પાણી વિશે આનાથી બહેતર વાત કોઈએ નથી કરી. અલબત્ત આ ફિલ્મ પણ પાણી કે એની સમસ્યા વિશે નથી.
ફિલ્મમાં પર્યાવરણ અને કલાઇમેટ ચેન્જના મુદ્દાની વાત આવે ત્યારે પાણીની વાત અચૂક કરવી પડે. સૂકી ધરતી પર ઉદાસ ચહેરે બેઠેલી જનતા કે બે બેડા પીવાનું પાણી મેળવવા કલાકો ચાલતી સ્ત્રી જેવા કોસ્મેટિક દ્રશ્યો સિવાય થયેલા પ્રયાસોની એક ઝલક.
કડવી હવા (૨૦૧૭): સંજય મિશ્રા અને રણવીર શોરીને ચમકાવતી આ ફિલ્મમાં બુંદેલખંડના એક ગામની વાત છે જ્યાં ૧૫ વર્ષથી વરસાદ નથી પડ્યો. એક નેત્રહીન વૃદ્ધ માણસ (સંજય મિશ્રા) પોતાનો પુત્ર ભારે કરજનો ભાર સહન નહીં થવાથી આત્મહત્યા કરી બેસશે એ ભય હેઠળ જીવે છે. ક્લાઇમેન્ટ ચેન્જની સમસ્યાને કારણે વરસાદ નહીં પડવાથી જળ સમસ્યાનો સામનો કરતા ખેડૂતોની અવદશાનું એમાં ચિત્રણ છે. આ ફિલ્મ બુંદેલખંડના દુષ્કાળ પીડિત વિસ્તારમાં બનેલી સત્ય ઘટના પર આધારિત છે. ફિલ્મનું દિગ્દર્શન ‘આઈ એમ કલામ’થી જાણીતા નીલ પાંડાએ કર્યું છે. પર્યાવરણની સમસ્યા વિશે વેધક ડોક્યુમેન્ટરી બનાવવા માટે તેઓ જાણીતા છે.
વેલ ડન અબ્બા (૨૦૧૦): શ્યામ બેનેગલ દિગ્દર્શિત આ ફિલ્મ મરાઠી ફિલ્મ ‘જાઉ તિથે ખાઉ’ (૨૦૦૭)ની રિમેક હતી. ત્રણ ટૂંકી વાર્તા પર આધારિત આ ફિલ્મમાં પાણીની અછતવાળા ગામમાં પોતાની દીકરી સાથે રહેતા ડ્રાઈવર અરમાન (બમન ઈરાની)ની કથા છે. જળ સમસ્યાનો ઉકેલ લાવવાના સરકારી વચનોથી કંટાળી ગયેલો, ત્રાસી ગયેલો અરમાન સરકારને પાઠ ભણાવવાનું નક્કી કરે છે. આ ફિલ્મને સામાજિક પ્રશ્ર્નો માટેની શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ ઍવોર્ડ મળ્યો હતો.
જલ (૨૦૧૩): ફિલ્મની કથા બકા (પૂરબ કોહલી) નામના યુવાન ફરતે આકાર લે છે જેની પાસે રણમાં પણ પાણી શોધી કાઢવાની વિશેષ આવડત છે. પાણીની અછતની પશ્ર્ચાદ્ભૂમિકામાં ફિલ્મ પ્રેમ, સંબંધ, દોસ્તી – દુશ્મની અને સંજોગોની વાત કરે છે. આ દ્વારા માણસનો નરસો સ્વભાવ છતો થાય છે. જળ સમસ્યા પ્રદેશ અને પંખી પર કેવી અને કેટલી અસર કરે છે એ બેનમૂન સિનેમેટોગ્રાફી આબાદ રજૂ કરે છે. આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલોમાં પ્રદર્શિત થયેલી આ ફિલ્મને બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટનો નેશનલ ઍવોર્ડ એનાયત થયો હતો.
કૌન કિતને પાની મેં (૨૦૧૫): ફિલ્મની વાર્તાનું કેન્દ્ર ઓડિશા રાજ્ય છે. કથામાં આવતું ગામ ઉચ્ચ જાતિ અને બહારના કે દુશ્મન એમ બે હિસ્સામાં વહેંચાયેલું છે. રાજા (સૌરભ શુક્લા) એવા ગામ પર શાસન કરે છે જ્યાં પાણી જ નથી. પાણી ન હોય એટલે સ્વચ્છતા ન જળવાય અને ખેતરમાં પાક પણ ન ઊગે. સવારે મળેલું એક બાલદી પાણી નાહવા માટે વાપરવું કે રસોઈમાં વાપરવું એવી સમસ્યા ખુદ રાજાને ત્યાં હોય છે. ફિલ્મમાં વોટર બાર્ટર સિસ્ટમના અર્થતંત્ર પર પ્રકાશ પાડવામાં આવ્યો છે જ્યાં દામ ચૂકવવા માટે પાણીના પાઉચ આપવામાં આવે છે. ઉ