હૈદરાબાદની એક હાઉસિંગ સોસાયટીમાં શેરીના શ્વાનો દ્વારા હુમલો કરવામાં આવતા 5 વર્ષના છોકરાનું મૃત્યુ થયું હતું. ગંભીર ઈજા પામેલા છોકરાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા બાદ ટૂંક સમયમાં જ તેનું મોત નીપજ્યું હતું. આ ભયાનક ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે. વીડિયોમાં, છોકરો રમત કરતા ફરતો જોઈ શકાય છે જ્યારે શેરીના શ્વાનોનું ટોળું તેના પર હુમલો કરે છે. છોકરો ભાગી જવાના પ્રયત્નો કરતો જોઈ શકાય છે પરંતુ કોઈ ફાયદો થયો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બાળકના પિતા ગંગાધર જે હાઉસિંગ કોમ્પ્લેક્સમાં આ ઘટના બની ત્યાં સુરક્ષા કર્મચારી તરીકે કામ કરે છે. મળતી માહિતી મુજબ બાળકના રડવાનો અવાજ સાંભળીને પિતા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને છોકરાને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ગંગાધર તેમના પરિવાર સાથે નિઝામાબાદથી કામ માટે હૈદરાબાદ ગયા હતા. તેમનો પુત્ર ગંગાધર જે એપાર્ટમેન્ટમાં કામ કરતો હતો તેના કમ્પાઉન્ડમાં રમી રહ્યો હતો ત્યારે રવિવારે શેરીના શ્વાનોએ તેના પર નિર્દયતાથી હુમલો કર્યો હતો. એમ જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. આ ઘટના અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.