અમરેલી સહિતના સૌરાષ્ટ્ર-કચ્છ પંથકમા ભુગર્ભીય હલચલ વધુ તેજ બની છે. બુધવારે સવારે અમરેલી જિલ્લાના ખાંભા સાવરકુંડલાની બોર્ડર પર આજે સવારે માત્ર અઢી કલાકના સમયગાળામા ભુકંપના પાંચ આંચકા અનુભવાયા હતા. આ વિસ્તારમા 3 કિમીથી લઇ 6 કિમીની ઉંડાઇ પર ભુગર્ભમા હલચલ તેજ બની છે. જેનો સ્પષ્ટ અણસાર આંચકાની વધી રહેલી સંખ્યા પરથી મળી રહ્યો છે.અમરેલી જિલ્લામા ભુકંપનુ કેન્દ્રબિંદુ અમરેલીથી દક્ષિણ-પુર્વ દિશામા 42થી 46 કિમીની વચ્ચે હોય છે. મિતીયાળા તથા આસપાસના 7 થી 8 કિમીના વિસ્તારમાં ભુગર્ભમા આ હલચલ ચાલે છે. અને તેની ઉંડાઇ મહદઅંશે 3 કિમીથી લઇ 6 કિમી સુધીની જોવા મળી રહી છે.
ગીરકાંઠાના આ વિસ્તારમાં સવારે 7:06 કલાકે અમરેલીથી 42 કિમી દુર ભુકંપનો આ પ્રથમ આંચકો અનુભવાયો હતો જેની તીવ્રતા 1.7 કિમીની રહી હતી. ત્યારબાદ થોડા થોડા સમયના અંતરે સતત આંચકા આવતા રહ્યાં હતા. ચાર મિનીટ બાદ 7:10 મિનીટે 1.1ની તીવ્રતાનો ભુકંપ આવ્યો હતો.
જ્યારે 7:37 મિનીટે 1.9 તથા 7:57 મિનીટે 2.2ની તીવ્રતાનો ભુકંપ અનુભવાયો હતો. ભુકંપનો છેલ્લો આંચકો સવારે 9:31 મિનીટે આવ્યો હતો જે અમરેલીથી 45 કિમી દુર હતો અને તેની તીવ્રતા 2.4 કિમીની રહી હતી. આ વિસ્તારમા સતત આવી રહેલા ભુકંપથી રહેવાસીઓન જીવ ઉચાટમાં આવી જાય તે સ્વાભાવિક છે. વળી, તાજેતરમાં સિરિયા-તૂર્કીયેમાં આવેલા વિનાશક ભૂકંપે ગુજરાતના 20001ના ભુકંપની યાદ અપાવી દીધી છે. કચ્છમાં પણ લગભગ રોજ ભુકંપના આંચકા અનુભવાય છે. જોકે, ભુકંપની સચોટ આગાહી થઈ શકતી નથી, પરંતુ અગાઉ સિસ્મોલોજી વિભાગની ટીમે અહી આવી તપાસ પણ કરી હતી અને લોકોને મોટો ભુકંપ આવવાની શકયતા નહિવત હોવાનુ આશ્વાસન પણ આપ્યુ હતુ.