આઠ મહિનામાં ૮૪ કરોડના ખર્ચે બંધાશે પુલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો મહત્ત્વનો ગોપાલકૃષ્ણ ગોખલે પુલના રેલવેની હદમાં નવેસરથી બાંધવા માટે પાલિકા પ્રશાસને ટેન્ડર મગાવ્યાં હતાં, જેમાં શુક્રવારે છેલ્લા દિવસે પાંચ કંપનીઓએ પ્રતિસાદ આપ્યો હતો. હવે આ પાંચ કંપનીઓમાંથી એક કંપનીને પુલ બાંધવા માટે પસંદ કરવામાં આવશે. આ પુલના બાંધકામ માટે લગભગ ૮૪ કરોડ ૭૨ લાખ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે.
ગોખલે પુલના પુન:બાંધકામ કરતા સમયે રેલવેની હદમાં આવેલા પુલનું બાંધકામ પણ પાલિકા દ્વારા જ કરવામાં આવવાનું છે. પાલિકાએ તૈયાર કરેલા પ્લાનને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી બોમ્બે(આઈઆઈટી)એ મંજૂર કર્યા બાદ પાલિકાના પુલ વિભાગે આ કામ માટે ટેન્ડર બહાર પાડ્યાં હતાં. શુક્રવારે આ ટેન્ડર ખોલવામાં આવ્યાં હતાં, જેમાં પાંચ કંપનીઓ આગળ આવી હોવાનું પાલિકાના એડિશનલ કમિશનર પી.વેલરાસુએ જણાવ્યું હતું.
આ પુલના બાંધકામ કરવા માટે પાલિકાએ પહેલાં જ પુલના ઉત્તર તરફના ભાગ માટે ટેન્ડર મગાવીને ૮૭ કરોડ રૂપિયાના કામ માટે કૉન્ટ્રેક્ટર નીમ્યો હતો. પહેલી વખત પુલનો અડધો-અડધો ભાગ તોડીને તેનું પુન:બાંધકામનું કામ કરવાનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. હવે રેલવેની હદમાં આવેલા પુલના બાંધકામ માટે પાલિકાએ તૈયારી કરી છે.
રેલવેની હદમાં આવેલા નવા પુલ બેસાડવા માટે કુલ આઠ મહિનાનો સમય લાગવાનો છે. એક મહિનો ટેન્ડર પ્રક્રિયા, પુલના ગર્ડરનો ભાગ તૈયાર કરવા માટે ત્રણથી ચાર મહિના, પ્રત્યક્ષ પુલ બેસાડવા માટે ત્રણ મહિના એમ કુલ સાત મહિનાનો સમય લાગવાનો છે. તેથી પુલ સમયસર તોડી પાડવામાં આવે તો મોડામાં મોડું જૂન, ૨૦૨૩ સુધી પુલનું કામ પૂરું કરવાનો લક્ષ્યાંક પાલિકાએ રાખ્યો છે.
રેલવેની હદમાં આવેલા પુલના ગર્ડરના કામ અન્ય જગ્યાએ કરવામાં આવવાના છે. ગર્ડરનો ભાગ તૈયાર કરીને તે જગ્યા પર લાવીને જોડવામાં આવવાનો છે. ત્યાર બાદ તેના પર સિમેન્ટ-કૉંક્રીટથી જોડવામાં આવશે. આ કામ માટે ચાર મહિનાનો સમય લાગી શકે છે. ત્યાર બાદ આ ગર્ડર લાવીને બેસાડવામાં આવશે. જોકે તે માટે ચાર મહિનામાં પુલ તોડી પાડવાનું કામ પૂરું થવું આવશ્યક છે.