Homeતરો તાજાશુભ ભાવના કરો - નિરોગી રહો, નિસંગ ભાવનાથી રોગનો સંગ છોડો!

શુભ ભાવના કરો – નિરોગી રહો, નિસંગ ભાવનાથી રોગનો સંગ છોડો!

ફિટ સોલ – ડૉ. મયંક શાહ

જ્યાં મન સક્રિય હોય એજ મનુષ્ય કહેવાય. ‘આત્મન’ શબ્દમાં પણ ‘મન’ સમાયલો છે. એજ મન ની મહત્તા સમજાવે છે. આત્મા (Soul)ના સ્વાસ્થ્ય માટે મનને સ્વસ્થ રાખવું પડશે. વર્તમાન જીવનમાં આત્માની ફિલસૂફી કરતાં મનની ફિલસૂફીને પહેલા સમજવી પડશે. મનની ગુણવત્તાનો પ્રભાવ આપણા જીવન પર પડતો હોય છે. આપણા સુખ-દુ:ખનું કારણ મન છે અને સ્વસ્થતા – અસ્વસ્થતાનો પણ કારણ બલ મન છે.
મનની ગુણવત્તાનું માપદંડ એટલે ‘માનસ’ (Personalty). પ્રત્યેક વ્યક્તિની બુદ્ધિ, અહંકાર, મનોભાવ અને ભાવનાઓ એના માનસ અનુરૂપ હોય છે. શાસ્ત્રો અનુસાર, માનસની કેળવણી પાછળ જન્મોજન્મના સંસ્કાર હોય છે. વર્તમાન જીવનમાં પણ વ્યક્તિના માનસની કેળવણી પાછળ એના જીવનકાળમાં થયેલ અનુભવો અને જે વાતાવરણમાં તે ઉછરેલ છે તેના પ્રભાવ થકી થતી હોય છે. જ્યારે માનસ દુ:ખથી ઘેરાયેલો રહે છે અને વિષમય ભાવનાઓ કરતો થઈ જાય છે ત્યારે કૅન્સર જેવી જટિલ બીમારીનો એ શિકાર બની જાય છે. પ્રત્યેક વ્યક્તિને પોતાના માનસ અને પરિણામ પામતી ભાવનાઓ પ્રત્યે સાવધાની કેળવવી પડે.
માનસશાસ્ત્રીઓ કેન્સર અને અશુદ્ધ વિષમય ભાવનાઓ વચ્ચેના સંબંધ વિશે સંશોધન કરી રહ્યા છે. આપણી પ્રાચીન વૈદ્યકીય પરંપરાના આધારે વ્યક્તિના ફેફસાંઓ શોક અથવા ઉદાસીનતા પ્રત્યે સંવેદના વહાવે છે. જ્યારે જીવનમાં અતિ શોક અથવા અતિ ઉદાસીનતા અનુભવાય છે ત્યારે ફેફસાંઓમાં જટિલ બીમારી ઉત્પન્ન થતી હોય છે. ફેફસાંના આરોગ્ય માટે અને બીમારીથી સંરક્ષણ માટે નિસંગ ભાવના ઉપયોગી નીવડે છે.
નિસંગ ભાવના: ભાવના પ્રત્યેક જુઠની સ્વાભાવિક પ્રક્રિયા છે. જાણતા-અજાણતા પ્રત્યેક વ્યક્તિ ભાવનાઓ કરતો હોય છે. શુદ્ધ અને અશુદ્ધ ભાવનાઓના સંયોગીકરણ દ્વારા એના જીવનને દિશા મળતી હોય છે. ભાવનાઓની ભેળસેળ જીવનમાં પણ ઉત્પાત મચાવે છે.
એક જાણીતી કહેવત છે ”Man is a Social Animal” અર્થાત્ માણસ સામાજિક પ્રાણી છે. માણસ એકાકી જીવન માટે અનુપયુક્ત છે, તે સમાજમાં અન્ય વ્યક્તિઓ સાથે રહેવાનું પસંદ કરે છે. એકલા રહેવું કોને પસંદ હોય? પણ સમાજમાં રહેવું એ પણ એક પડકાર સમાન છે. સમાજમાં રહેવું હોય તો સહનશીલ બનવું પડે, વિવિધ માનસધારી વ્યક્તિઓને સ્વીકાર કરવું પડે. ઘણી વખત એ શક્ય ના પણ હોય. બીજા સાથેના મતભેદ અને ઘર્ષણ દ્વારા આપણા માનસ પર અવળી અસર થતી હોય છે. ક્યારેક સામાજિક નિયમો થકી અથવા કૌટુંબિક દબાણના લીધે વ્યક્તિ અંદરથી ગૂંગળામણ અનુભવતો થઈ જાય છે. સતત આવી પરિસ્થિતિ અનુભવાય ત્યારે વ્યક્તિ ઉદાસ બની જાય છે અને નકારાત્મક વિચારો કરતો થઈ જાય છે. આવી ઉદાસીનતા શ્ર્વાસોચ્છ્વાસને પણ મંદ પાડી દે છે અને પ્રાણવાયુની ઊણપ પેદા કરે છે. ફેફસાંઓ પણ નબળા પડે છે અને પ્રતીક્ષા શક્તિ ઘટી જાય છે.
ઘણીવાર એવું પણ બનતું હોય છે કે કોઈ પ્રિય સ્વજનના મરણથી
અથવા જેની સાથે પ્રેમ આત્મિયતા હોય છે એવા વ્યક્તિથી વિખૂટા પડવાથી પણ શોક-ઉદાસીનતા અનુભવાય જ્યારે આવા સંજોગ આઘાતજનક હોય છે ત્યારે વ્યક્તિ બીમાર પડે છે. આવા સંજોગથી થતી માનસિક તાણને યોગ્ય રીતે ઉકેલી ન શકાય ત્યારે તે ઘર કરી જાય છે. વારંવાર એના સ્મરણથી વ્યક્તિ લાચારી અનુભવે છે અને પોતે નિરાશ્રય છે એવી ભાવના કરે છે.
નિસંગ ભાવના એક અદ્ભુત વાત સમજાવે છે. કોઈપણ સંજોગ અથવા વ્યક્તિ સાથે કાયમ રહેવાનું નથી. જીવનો મૂળ સ્વભાવ ‘અસંગ’નો છે. સાથે મળીને રહેવું એ ઔપચારિક વ્યવહાર છે અને પરાધીનતાના લક્ષણ છે. મિથ્યા સમજ અને અજ્ઞાનતા વ્યક્તિને પોતાની શક્તિ અને ક્ષમતાથી વિમુખ કરી દે છે. જ્યારે વ્યક્તિ પોતાની શક્તિઓ પર શ્રદ્ધા રાખી શકે છે, પ્રત્યેક ક્ષણને સાક્ષીભાવથી જોઈ શકે છે ત્યારે તે નિસંગ બને છે. નિસંગ ભાવના દ્વારા જીવનમાં વિશેષ જાગરૂકતા પ્રવેશ પામે છે. સાથે પ્રત્યેક સંજોગમાં બોધ પામવું અને પ્રત્યેક વ્યક્તિને કુદરતના દૂત સમજવું એ પણ બન્ને પ્રત્યેના દ્રષ્ટિકોણને બદલી નાખે છે. જીવન જીવવાની આ એક વિરલ કલા છે.
નિસંગ ભાવનાના નેત્રથી જીવનનો મર્મ સમજી શકાય છે. ‘હું માત્ર સાક્ષી છું.’ આ મંત્ર દ્વારા અશુદ્ધ ભાવનાઓ અટકાવી શકાય છે અને શોક-ઉદાસીનતા જેવા વિષકારી મનોભાવથી ‘પર’ થઈ શકાય છે.
નિસંગ ભાવના પર મનન ચિંતન કરવાથી જાણે આપણે ફરી શ્ર્વાસ લઈ શકીએ છીએ એવો અનુભવ થાય છે અને આપણા છાતી પરથી જીવન જીવવાનો બોજ દૂર થઈ જાય છે.
ભાવના વિજ્ઞાન
– સૌ પ્રથમ આપણી ભાવનાઓ પ્રત્યે સભાનતા કેળવો.
– અશુદ્ધ ભાવનાઓની ખાસ નોંધ લો.
– જીવનમાં જે કારણથી અશુદ્ધ ભાવનાઓ પ્રકટ થઈ એ કારણને વિશેષ સમજણ દ્વારા સ્વીકાર કરો.
– અશુદ્ધ ભાવનાઓના વિષમારણ શુભ ભાવનાઓથી મનને પ્રફુલ્લીત કરો.
– પ્રત્યેક વ્યક્તિ પોતાની ભાષામાં અને પોતાને સમજાય એવી રીતે સુવાક્યનું નિર્માણ કરીને શુભ ભાવનાને ઉત્તેજિત કરવાથી સુંદર પરિણામ લાવી શકાય.
ભાવના વિજ્ઞાન દ્વારા શરીર, મન અને આત્માને સ્વસ્થ બનાવીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -