ફિટ સોલ – ડૉ. મયંક શાહ
મારા ક્લીનિકમાં વિવિધ પ્રકારના દર્દીઓ આવતા હોય છે. તેઓ પોતાની શારીરિક બીમારીઓ અથવા માનસિક વ્યથાઓથી મુક્તિ મેળવવા ઉત્સુક હોય છે. વર્તમાન કાળમાં ઘણા દર્દીઓ એક ખાસ આગ્રહ કરતા હોય છે કે અમને જીવનભર દવાઓ નથી ખાવી, અમને કુદરતી રીતે સાજા કરો-અમારા રોગને જડમૂળથી કાઢી નાખો! આવી વિચારધારા ફેલાઈ રહી છે.
શારીરિક અથવા માનસિક બીમારીઓની યાદી જાણીતી છે. કોઈને અસ્થમા હોય, કોઈને ડાયાબિટીસ, માઈગ્રેન હોય. સાંધાના દુખાવાઓથી અડધો જગત પરેશાન છે. ડિપ્રેશન, ઓસીડી જેવી માનસિક બીમારીથી પીડાતા દર્દીઓ પણ ઘણા વધી રહ્યા છે. પણ એક એવી બીમારી છે, જે આપણી સામે છે, પણ આપણે એને ઓળખી શકતા નથી. ઘણા દર્દી એની ફરિયાદ કરે છે, પણ એના લક્ષણની અવગણના થાય છે. એ બીમારીનું નામ છે ‘અતિવિચાર’ કરવાની ટેવ! અતિવિચાર એ માત્ર કોઈ સામાન્ય બીમારી નથી પણ બીજી બધી બીમારીઓનું કારણ સાબિત થાય છે.
રોજિંદા જીવનમાં અતિવિચારના ઘણા ઉદાહરણ મળતા હોય છે. નાના મોટા બધા જ એનાથી પીડાતા હોય છે. કોઈને પોતાની સમસ્યાના સતત વિચારો આવતા હોય છે. તો કોઈને કારણ વગરના વિચારો પણ આવતા હોય છે. કોઈ વ્યક્તિ ‘રાઈનો પહાડ’ બનાવે છે કે કોઈ નકારાત્મક વિચારોમાં ડૂબીને દુનિયાથી વિમુખ થઈ જાય છે. દિવસ-રાતના વિચારો વ્યક્તિને થકવી નાખે છે અને એની ઊંઘ પણ હરામ કરી નાખે છે.
અંતે એક મૂળભૂત પ્રશ્ર્ન આપણી સમક્ષ આવીને ઊભો રહે છે કે ‘આ વિચાર શું છે?’ વિચાર એક એવું તત્ત્વ છે કે મનોવિજ્ઞાન અને ફિલસૂફી વિજ્ઞાન બન્ને માટે પડકાર રૂપી વિષય બની ગયો છે. વિચારને સમજવા માટે ઘણા સિદ્ધાંત પ્રચલિત છે, પણ વિચારોના અતિક્રમણથી એ સિદ્ધાંતો આપણને બચાવી શકતા નથી. આ વિચારોને ચાલુ-બંધ કરવા માટે કોઈ જાદુઈ બટન (સ્વીચ) મળી જાય તો કેવું સારું…
વિચાર શું છે?
વિચારને સમજવા માટે ‘જીવ-તત્ત્વ’ની થોડીક ફીલસૂફી સમજવી પડશે. શાસ્ત્રો કહે છે કે જીવ મૂળભૂત રીતે નિરાકાર હોય છે, એનું અસ્તિત્વ અસીમ હોય છે અને એના ગુણો અબાધીત હોય છે. એની મૂળભૂત દશા જીવના ‘શુદ્ધ સ્વભાવ’ તરીકે વર્ણવામાં આવ્યું છે. જ્યારે એ અસીમ સ્વરૂપ ‘સીમિત’ આકાર લે છે ત્યારે એ સીમિત સ્વરૂપ ‘મન’ પણ નિર્મિત થાય છે. એ ‘મન’ આપણા અસીમ સ્વરૂપ અને અભિવ્યક્ત સીમિત સ્વરૂપ વચ્ચેનો સેતુ છે. આપણું શરીર એ સીમિત સ્વરૂપનો જીવતો જાગતો પુરાવો છે. આપણા સીમિત અને અસીમિત પાસાઓ વચ્ચેનો જે વ્યવહાર છે, સૂક્ષ્મ ઊર્જા અને જ્ઞાનનો જે પ્રવાહ છે એ જ ‘વિચાર’ સ્વરૂપે આપણને ભાસે છે. સરલ ભાષામાં કહીએ તો ‘વિચાર’ એ આપણા જીવનમાં માર્ગદર્શન આપવા માટે, એ અસીમ શક્તિને આપણા સીમિત પ્રદેશમાં અવતરણ માટેની પ્રક્રિયા છે, પણ એ વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ જાય ત્યારે વિચારો મુંઝાઈ જાય છે અને અશુદ્ધ બની જાય છે.
અતિવિચારથી મુક્તિ માટે…
વિચારોને સમજવું અને એક વિચારને દૂર કરવા માટે બીજો વિચાર ઊભો કરવો એ બન્ને વ્યર્થ પ્રક્રિયા સાબિત થાય છે. સૌ પ્રથમ જેને આપણે વિચાર તરીકે ઓળખીએ છીએ એના બે ભેદ જાણીએ…
એક પ્રકારના વિચાર એવા છે જે ‘વ્યર્થ’ છે, નકામા છે, તે મુંઝાયેલા મનની પેદાશ છે. અહીં એક વાત મનમાં ઘોળ્યા કરે, એને નકારાત્મક રીતે વાગોળ્યા કરે અને દુ:ખ વેદનાને નિર્માણ કરે આવા વિચારો દિશાહીન હોય છે નુકસાાનકારી હોય છે. આવા વિચારો ગોળ ગોળ ફર્યા કરે, અંતહીન હોય છે. આવી માનસિક દશા આપણે (સર્વત્ર) જોઈ શકીએ છીએ અને બગડેલા મન તંત્રમાં જ્યારે બીજો વિચાર નાખવામાં આવે ત્યારે જાણે
અગ્નિમાં ઘી હોમવાની કોશિશ થતી હોય છે. તો એ અગ્નિ શાંત ક્યારે થાય? માટે જ અતિવિચાર રોગથી પીડિત વ્યક્તિઓને જ્યારે માનસશાસ્ત્રીઓ ‘સમજવાની’ કોશિશ કરે છે ત્યારે એ નિષ્ફળ થતા હોય છે.
અતિવિચાર રોગથી મુક્તિ મેળવવા માટે બગડેલા મન-તંત્રનું સમારકામ કરવું પડશે. આપણા મનની મતિ-બુદ્ધિની શક્તિને ‘સવળી’ કરવી પડશે. જ્યારે મન-તંત્ર શુદ્ધ રીતે સક્રિય થઈ જાય છે ત્યારે એ અસીમ શક્તિ સાથે જોડાઈ જાય છે પછી ત્યાં જે વિચાર આવે છે એ પ્રેરણા બની જાય છે, જીવને દિશા આપે છે. આવા વિચારોથી સમસ્યાનો ઉકેલ મળે છે અને આનંદનો અનુભવ પણ કરાવે છે એ જ ‘વિચાર’નું સાચું સ્વરૂપ છે. એ શક્તિનો સાચો ઉપયોગ છે.
મન-તંત્ર સુધરે ત્યાર સુધી આ ફિલસૂફી રાખવા જેવી છે. વ્યર્થ વિચારોનો કોઈ આધાર નથી. કોઈ તથ્ય નથી. તે વાદળની જેમ ફર્યા કરે. એ વિચારોને રોકવાની કોશિશ નહીં કરતા, એનો સામનો નહીં કરતા… ફક્ત સાક્ષીભાવથી એને જોજો… એ સાક્ષીભાવ ‘ધ્યાન’ સ્વરૂપ ધારણ કરશે. વિચારો પ્રત્યે સભાનતા કેળવવી એ જ અતિ વિચાર રોગથી મુક્તિ માટેનું સાધન છે.
ખરેખર જોવા જઈએ તો આપણા વિવિધ ધર્મ શાસ્ત્રો એ અસીમ શુદ્ધ સ્વરૂપની ઓળખાણ કરાવે છે અને આપણા મંદિરો, દેરાસરો એ અસીમના સંપર્ક માટે યોગ્ય વાતાવરણ નિર્માણ કરવા માટે હોય છે. આ શુદ્ધ વિચાર કોઈ અસીમ શક્તિના સંપર્કથી આવ્યો હશે અને આપણા જીવનને સન્માર્ગે લઈ જશે એ પ્રતીતિ થયા વિના નહીં રહે!