ફિટ સોલ -ડૉ. મયંક શાહ
આપણે લક્ષ્મી દેવીની વાત કરી રહ્યા છીએ. આપણી સાંસ્કૃતિક પરંપરાઓના રહસ્યો ઉકેલવાની કોશિશ કરી રહ્યા છીએ. લક્ષ્મીદેવીના બાહ્ય સ્વરૂપમાં બીરાજમાન એક દિવ્ય શક્તિને પરખવાની ચેષ્ટા કરી રહ્યા છીએ. આ દિવ્ય શક્તિ આપણી જ આત્મ શક્તિ છે એ પ્રતીતિ થયા વિના રહેશે નહીં.
મનુષ્યના સંપૂર્ણ વિકાસ માટે અને એની સુશુપ્ત શક્તિઓ અને આત્મગુણોને ઉજાગર કરવાનો વિજ્ઞાન એટલે અધ્યાત્મ વિજ્ઞાન. આધ્યાત્મિક શાસ્ત્રોમાં સ્વ. ઉત્ક્રાંતિના વિધાનોને પીરસવાની એક વિરલ અને અનોખી રીત છે. દેવી સ્વરૂપમાં અને મંત્રોની ઊર્જામાં ગૂઢ રહસ્યો સમાયેલા છે. જે પણ સાધક આ શક્તિઓને ઓળખવામાં સફળ થાય છે તેને આ બ્રહ્મના રહસ્યો સમજવામાં વાર નહીં લાગે. સાથે સાથે પોતાના શુદ્ધ સ્વરૂપને પણ તે જાણી શકે છે અને પોતાના અસ્તિત્વને સાર્થક કરવાનો લક્ષ્ય સાધી શકે છે.
‘લક્ષ્મી’ શબ્દમાં ‘લક્ષ’ રૂપી બીજ સમાયેલો છે. લક્ષને સાધવાની શક્તિ એ જ લક્ષ્મી શક્તિ છે એ સૂચન કરી રહી છે. આધ્યાત્મિપરિભાષામાં લક્ષને બે રીતે સમજી શકાય છે. આ શબ્દનો સાધારણ અર્થઘટન એટલે ધ્યેય, ઉદ્દેશ્ય અથવા હેતુથી થાય છે, પણ આ શબ્દ એક વિશેષ અર્થને પ્રકાશિત કરે છે. ‘લક્ષ’ એટલે જાણવાની અને સમજવાની એક વિશેષ શક્તિ. જો સમજણ શક્તિ ના હોય તો મનુષ્ય પોતાના ધ્યેય અને ઉદ્દેશ્યને કેમ જાણી શકે??
ખરેખર જોવા જઈએ તો મનુષ્યના ભૌતિક અથવા આધ્યાત્મિક ઉદ્દેશ્યને સિદ્ધ કરવા એની ‘સમજણ’ શક્તિ વિકસિત હોય તે અનિવાર્ય છે. સમજણનો અજ્ઞાન હોય ત્યારે જ અંધ-શ્રદ્ધા અને મિથ્યાત્વ વધે છે. લક્ષ્મી દેવીના ‘આશીર્વાદ’ થકી ‘સમજણ-શક્તિ’ રૂપી અમૂલ્ય ધન પ્રાપ્ત થાય છે જે મનુષ્યને જીવન જીવવાની સાચી દિશા આપે છે.
અષ્ટ લક્ષ્મીનું પ્રથમ સ્વરૂપ – આદી લક્ષ્મી
લક્ષ્મી દેવીનું મૌલિક સ્વરૂપ એટલે આદી લક્ષ્મી તેઓ સુવર્ણ જવેરાતથી અલંકૃત હોય છે અને સુંદર વસ્ત્રોથી સુશોભિત દેખાય છે. ગુલાબી કમળ પર બિરાજમાન સ્વરૂપને ચાર હાથ સાથે દર્શાવામાં આવ્યા છે. એક હાથ અક્ષય મુદ્રા ધારી હોય છે, એક હાથ વરદ મુદ્રામાં સ્થિત હોય છે. ત્રીજા હાથમાં કમળ છે અને ચોથા હાથમાં ધર્મ ધજા ફરકતી દેખાય છે. લક્ષ્મી દેવીનો આ દિવ્ય સ્વરૂપ એક અદ્ભુત સંદેશો આપતી જણાય છે.
એક હાથ શૌર્યવાન થવા માટે પ્રેરણા આપે છે અને બીજો હાથ સેવા-કૃપાની ભાવનાનું પ્રતીક જણાય છે. ત્રીજો હાથ કમળની જેમ શુદ્ધતા કેળવવા માટે, ચોથો હાથ ધર્મ માર્ગે આગળ વધવા માટે પ્રાણ પૂરતી કરાવે છે.
આદી લક્ષ્મીને મોક્ષ-પ્રદાની દેવી પણ કહ્યું છે. તે મુક્તિ સમીપે લઈ જનારી શક્તિ છે. દુ:ખોથી મુક્ત કરાવનાર અને પરમ સુખ પ્રદાન કરાવનાર આદી-શક્તિ છે.
આદી લક્ષ્મીની સિદ્ધિ
એક ઊડતા પક્ષીને નીચે પડવાનો ભય હોતો નથી, કારણ કે એને પાંખો પર ભરોસો હોય છે એવી જ રીતે મનુષ્યને ઊંચી ઉડાન માટે સાચું જ્ઞાન અને પરમ પુરુષાર્થ પર શ્રદ્ધા રાખવી પડે છે. આદી લક્ષ્મી સ્વરૂપે આત્મશક્તિને સિદ્ધ કરવા માટે એક સરળ અને અનોખું વિજ્ઞાન ઉપલબ્ધ છે. એ દિવ્ય વિજ્ઞાન એટલે આદી શક્તિને ‘સમર્પિત’ થવાનો પ્રકલ્પ.
ફીલ સુફીના પાનાઓમાં સમર્પણ-ભાવનાની કેળવણીનું અનેરું સ્થાન છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાઓ, ઉદ્દેશ્ય અને અભિપ્રાયોને બાજુમાં મૂકીને પરમ શક્તિના શરણે જાય છે ત્યારે એનામાં સમર્પણ ભાવના પ્રકટ થાય છે. મોટા ભાગની વ્યક્તિઓ પોતે જ કર્તા છે એ મિથ્યા માન્યતા આધીન હોય છે. આવી માનસિકતા સમર્પણ માટે બાધા બની જાય છે. આવી વ્યક્તિઓ હંમેશા
ભૂતકાળમાં વસતા હોય છે. એમના ભવિષ્યમાં પણ ભૂતકાળના પડછાયા પડતા હોય છે. આવી વ્યક્તિઓ એક વાત ભૂલી જતા હોય છે કે આ પ્રચંડ બ્રહ્માંડ એમની ઈચ્છાઓ અથવા પ્રાર્થનાઓથી નથી ચાલવાની. સ્વચ્છંદ ઈચ્છાઓ અને અપેક્ષાઓ જ દુ:ખનું કારણ છે!
‘પ્રભુ…. તારી ઈચ્છા’ જેવા સામાન્ય વાક્યમાં સમર્પણ ભાવનાની ગહનતા છે. જેવી રીતે નદી પ્રવાહના વિપરીત દિશામાં તરવાથી થાકી જવાય છે. એવી જ રીતે આ બ્રહ્મની મહામાયા સામે થવાથી થાકી જવાશે. નદીના વહેણ સાથે તરવાથી સહજતાથી સાગર તરફ જઈ શકાશે. આવી સમજ ભાગ્યે જ મળે છે. અહંકારથી પીડિત માનવ પોતાના જ રચેલા ચક્રવ્યૂમાં ડૂબી જાય છે.
આપણા અહંકારને સમર્પિત કરી દઈએ; હું જ કરતા છું એ મિથ્યા સમજ ત્યજી દઈએ. વર્તમાનમાં જીવી લઈએ અને ક્ષણે ક્ષણે આ મહામાયાની છત્ર છાયામાં સુરક્ષિત થઈ જઈએ, જ્યારે પરમ ઈચ્છા જ આપણી ઈચ્છા બની જાય છે ત્યારે આપણા કાર્યો પરમ સુખકારી બની જાય છે.
આજ ‘સમજ’ આદી લક્ષ્મીની સિદ્ધિનો પ્રસાદ હોય છે. એજ લક્ષ્મી દેવીના આશીર્વાદથી સર્વે દુ:ખોનો અંત છે.