માછીમારોનું જીવન પણ ઘણા જોખમોથી ભરેલું હોય છે. એક તો સમુદ્રને ખેડવાનો, દરિયાનો મિજાજ ક્યારે બદલે, હવામાન ક્યારે પલટો મારે તેની ખબર નહીં અને વળી પાકિસ્તાનની બદનજરથી પણ બચતા રહેવાનું. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાઈ વિસ્તારોમાં માછીમારી કરતા લોકોએ આ જોખમનો વધારે સામનો કરવો પડે છે ત્યારે પોરબંદરના આ બે યુવાનો વર્ષ 2021માં માછીમારી કરવા બોટમાં તો ગયા, પરંતુ તે હજૂ સુધી પાછા ફર્યા નથી. બે વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ આ માછીમારોની સાથે સાથે તેમના પરિવારની હાલત પણ કફોડી બની છે. પત્ની, બાળકો, માતા-પિતા સહિતના પરિવારના તમામ લોકો વ્યથિત છે અને યુવાન સંતાનોની માતા પોતાના સંતાનો પાછા લાવવા માટે સરકારને રળતી આંખે વિંનંતી કરી રહી છે.
જોકે આ એક બે પરિવાર નથી, પાકિસ્તાન મરીન દ્વારા અનેક વખત ભારતીય બોટ અને માછીમારોના અપહરણ કરી જવામાં આવે છે. હાલ પાકિસ્તાનની જેલમાં 620 જેટલા ભારતીય માછીમાર કેદ છે. આમ માછીમારોમાં પોરબંદરના હિતેશ જોષી અને ધીરજલાલ લોઢારી નામના બે માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. આ બંને પરિવારો પોતાના પરિવારના સભ્યની મુક્તિ માટે ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.
પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા હિતેશ અને ધીરજ નામના બંને યુવાનો પોરબંદરની ધનરાજ નામની બોટથી માછીમારી માટે બે વર્ષ પહેલા એપ્રિલ-૨૦૨૧ ના માછીમારી માટે જખૌ નજીક ગયા હતા. તે દરમિયાન પાકિસ્તાન મરીને ધનરાજ નામની બોટ અને તેમના છ ખાલસીનું અપહરણ કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય બોટ અને માછીમારોના સતત અપહરણનો કારસો જોવા મળતો હોય છે. આ માછીમારોને પાકિસ્તાન દ્વારા લાંબા સમય બાદ પણ છોડવામાં આવતા નથી. હાલ પાકિસ્તાનની જેલમાં મોટાભાગના માછીમારો ઊના અને કોડીનાર તાલુકાના છે.
પાકિસ્તાનમાં કેદ માછીમારોના પરિવારોને સરકાર દ્વારા નિયત કરેલી સહાય આપવામાં આવે છે, પરંતુ ઘણા પરિવારો આર્થિક તંગીથી પરેશાન રહે છે. આ સાથે પરિવારજનો સાથે સંપર્ક પણ થતો નથી.