પાકિસ્તાનની કરાંચીની જેલમાંથી ગુરુવારે છોડવામાં આવેલા 198 માછીમારમાંથી 183 માછીમાર ગુજરાતના હતા. આ તમામને લેવા માટે ગુજરાતની એક ટીમ અમૃતસર ગઈ હતી અને તેઓ વહેલી સવારે વડોદરા પહોંચ્યા હતા. મોટાભાગના માછીમારો સૌરાષ્ટ્રના સાગરકાંઠાના છે અને હવે તેઓ તેમના પરિવારને મળશે. લગભગ ચારેક વર્ષની યાતનાઓ બાદ તેમને છોડવામાં આવ્યા છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની ધરપકડને પગલે થયેલી હિંસાના અહેવાલો વચ્ચે તેમની મુક્તિ મામલે થોડી શંકા હતી, પરંતુ હવે તેઓ માદરે વતનની વાટે ચાલ્યા છે ત્યારે કેન્દ્ર અને રાજ્યની સરકાર અને તેમના પરિવારને હાશકારો થયો છે.
તમામ માછીમારો આજે વહેલી સવારે 5 વાગ્યે અમૃતસર-કોચુવેલી એક્સપ્રેસ ટ્રેનમાં વતન ગુજરાત પરત ફર્યા છે. વડોદરા રેલવે સ્ટેશન પર રાજ્યના મત્સ્યઉદ્યોગમંત્રી રાઘવજી પટેલે માછીમારોનું સ્વાગત કર્યું હતું. વતન પાછા આવવાની ખુશી સાથે તેમણે પાકિસ્તાનની જેલમાં પડેલી યાતનાઓ વિશે પણ વાત કરી હતી. પાકિસ્તાનથી પરત ફરેલા માછીમારોમાં કોઈ 3 વર્ષથી તો કોઈ 5 વર્ષથી કરાંચી જેલમાં બંધ હોવાનું જાણવા મળ્યું હતું.
અમુક માછીમારોના જણાવ્યા અનુસાર સમયસર જમવાનું, જરૂર પડે તો આરોગ્ય સુવિધાઓ વગેરે મળતું ન હતું. માર પડતો હોવાનું પણ અમુકે જણાવ્યું હતું.
દરિયાકિનારે માછીમારી કરી જીવન ગુજારતા માછીમારો પર આ જોખમ હંમેશાં રહે છે. સમુદ્રમાં બોર્ડરની કોઈ દીવાલ હોતી નથી. પાણીના કરંટ અને ઝડપી હવાના કારણે બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાન તરફ માછીમારો પહોંચી જતા હોય છે. તે પાકિસ્તાની કોસ્ટગાર્ડ તેમન પકડી લેતા હોય છે અને તેમને છોડાવવાની પ્રક્રિયા ઘણી જટિલ બની જાય છે.
પાકિસ્તાને કુલ 654 માછીમારમાંથી 499ને છોડવાનો નિર્ણય લીધો હતો. જેમાંથી પહેલા તબક્કામાં 198 માછીમારને છોડ્યા છે. હવે તેઓ બીજી જુને અને ત્રીજી જુલાઈએ સો સો માછીમારોની ટુકડીને જેલમાંથી છોડશે, તેમ એક અધિકારીએ જણાવ્યું હતું.