ગુજરાતમાં ઠંડી મોડી શરૂ થઈ અને લગભગ માંડ એકાદ મહિના માટે ઠંડુ વાતાવરણ રહ્યું. બે શીતલહેરો આવી ત્યારે આખું રાજ્ય ઠુઠવાયું, પરંતુ સામાન્ય રીતે જોઈએ તો શિયાળાની ચાર મહિનાની ઋતુમાં ઠંડી તો એકાદ મહિનો માંડ અનુભવાઈ. ગુજરાતમાં ખાસ કરીને મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ-વડોદરા જેવા જિલ્લા અને કચ્છમાં વાતાવરણ મોટે ભાગે ગરમ જ રહેતું હોય છે. હજુ તો ફેબ્રુઆરી મહિનો શરૂ થયો ત્યાં જ મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો. એટલું જ નહીં, પરંતુ અકળાવી નાખે તેની ગરમી બપોરના ભાગે પડવાની શરૂ થઈ ગઈ છે.
અમદાવાદમાં ફેબ્રુઆરીમાં જ તાપમાનનો પારો 29-30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે. બે ત્રણ દિવસથી તો બપોરે ગુરુત્તમ તાપમાન 32થી 33 ડિગ્રી સુધી પહોંચી જાય છે. સામાન્ય રીતે આ અરસામાં અમદાવાદ સહિતના મોટા ભાગના શહેરોમાં પારો 30 ડિગ્રીથી ઉપર જતો નથી. જોકે નવેમ્બર-ડિસેમ્બરમાં પણ 20 ડિગ્રી જેટલું તાપમાન રહેતું હતું જે સામાન્ય કરતા સાતેક ડિગ્રી ઊંચું હતું. તાજેતરમાં જ ગુજરાતની મુલાકાતે આવેલા અમેરિકાના ભૂતપૂર્વ સેક્રેટરી હિલેરી ક્લિન્ટને મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું કે ક્લાઈમેટ ચેન્જને લીધે વાતાવરણમાં વધી રહેલી ગરમીએ કામદારો અને મહેનતું વર્ગ માટે એક મોટો પડકાર છે.
અમદાવાદ જેવા શહેરોમાં રસ્તા પર લારી લઈને ઊભા રહેતા કે બાંધકામની સાઈટ્સ પર કામ કરતા મજૂરોને જોઈને આ વાત સો ટકા સાચી જણાય છે. એક મોટો વર્ગ છે જે એરકન્ડીશન્ડ ઓફિસ કે કારમાં રહી કામ કરતો નથી. આ તમામ લોકો વાતાવરણમાં થતા અસામાન્ય ફેરફારનો સીધો ભોગ બને છે, ત્યારે સરકાર અને સમાજ બન્નેએ આ માટે ખૂબ જ ગંભીરતા પ્રમાણે વિચાર કરવાની જરૂર છે.