દર વર્ષે કાશ્મીરમાં શિયાળાની આકરી મોસમ બરફના જાડા ધાબળા હેઠળ વીતતી હોય છે. અહીંની બરફવર્ષાને કારણે કાશ્મીરના અનેક વિસ્તારો દેશથી વિખૂટા પડી જાય છે. નળમાં પાણી જામ થઇ જાય છે. લોકોના કામધંધા ઠપ્પ થઇ જાય છે અને પ્રવાસન ઉદ્યોગ પણ બંધ થઇ જાય છે, પરંતુ હવે કાશ્મીરના ઇતિહાસમાં પ્રથમ વાર આપદાને અવસરમાં ફેરવવાની તૈયારી કરવામાં આવી છે.
કાશ્મીરની ઠંડીને, બરફવર્ષાને મન ભરીને માણવા માગતા સાહસિક અને ઉત્સુક પ્રવાસીઓનો પણ તોટો નથી. જમ્મુ કાશ્મીર પ્રશાસન આ કેન્દ્રશાસિત પ્રદેશને હવે ‘ઓલ વેધર’ ડેસ્ટિનેશન બનાવવા માટે પ્રયત્નશીલ છે. તેમની આ પહેલ અંતર્ગત અનેક ટૂરિસ્ટ ડેસ્ટિનેશનોને શિયાળાની ઋતુમાં પ્રવાસીઓ માટે પ્રથમ વાર ખોલવામાં આવી રહ્યા છે. સરકાર હવે શિયાળાની ઋતુમાં કર્નાહ, સોનમર્ગ અને ગુરેઝ જેવા સ્થળો ખોલી રહી છે અને રાજ્યમાં પ્રવાસનને વધારવા માટે સાહસિક રમતો અને અન્ય પ્રવૃત્તિઓનો સમાવેશ કરવાની યોજના બનાવી રહી છે.
કાશ્મીરને વિકાસના મુખ્ય માર્ગ પર લાવવાના પ્રશાસનના પ્રયાસો ચોક્કસ રંગ લાવશે.