મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખપદેથી શરદ પવારે રાજીનામું આપ્યાની જાહેરાત કર્યા પછી દરેક નેતાઓની અલગ અલગ પ્રતિક્રિયાઓ બહાર આવી રહી છે. શરદ પવારે રાજીનામાની જાહેરાત કર્યા પછી ભાજપ (ભારતીય જનતા પક્ષ)ના નેતા નિતેશ રાણેએ કહ્યું હતું કે પવાર પરિવારમાં તિરાડ પાડવા માટે સંજય રાઉત જવાબદાર છે અને ભૂતકાળમાં ઠાકરે પરિવારમાં પણ વિભાજન માટે તેઓ જવાબદાર હતા.
શરદ પવારે રાજીનામું આપ્યા પછી મહારાષ્ટ્રના રાજકારણમાં તો ઉથલપાથલનો માહોલ સર્જાયો છે. પવારના રાજીનામા માટે અનેક પરિબળોને જવાબદાર ગણવામાં આવે છે, જ્યારે ભાવિ પ્રમુખપદ માટે અનેક લોકોના નામ લેવામાં આવી રહ્યા છે. ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના વિધાનસભ્ય નિતેશ રાણેએ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે શરદ પવારને એનસીપીનું પ્રમુખપદ છોડવા માટે જવાબદાર ઉદ્ધવ ઠાકરે જૂથ (શિવસેના)ના નેતા સંજય રાઉતને જવાબદાર ગણાવ્યા હતા. સંજય રાઉતને જે કામ સોંપવામાં આવ્યું હતું એ પૂરું કરવામાં આવ્યું છે. રાઉત અજિત પવારને ટાર્ગેટ કરી રહ્યા હતા, ત્યાર પછી જે બધુ જોવા મળ્યું છે તે દુનિયા જાણે છે, એવો દાવો રાણેએ કર્યો હતો.
રાઉતે કરેલા નિવેદનોનો ખોટો મેસેજ ગયો અને હવે પવાર પરિવારમાં જે શરુ થયું છે, એવું જ ભૂતકાળમાં ઠાકરે પરિવારમાં પણ થયું હતું. આનાથી જ સંજય રાઉતની રોજી રોટી ચાલે છે, એવો નિતેશ રાણેએ દાવો કર્યો હતો. ઠાકરે પરિવારમાં પણ વિભાજન માટે સંજય રાઉતનું નામ લીધું હતું, જ્યારે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેમાં પણ વિભાજનનું કામ સંજય રાઉતે કર્યું હતું. રાણેએ રાઉત પર આરોપ લગાવ્યો હતો કે પવારના આ નિર્ણય પછી તેઓ મળ્યા પણ નથી.
અહીં એ જણાવવાનું કે એનસીપીના પ્રમુખપદેથી શરદ પવારે રાજીનામાની જાહેરાત કર્યા પછી શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે હાલમાં અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને આ પક્ષનો આંતરિક મુદ્દો ગણાવ્યો હતો. રાજીનામાના નિર્ણય મુદ્દે ફેર વિચારણા માટે શરદ પવારે બે-ત્રણ દિવસનો સમય માગ્યો છે, તેથી આગામી બે-ત્રણ દિવસમાં પક્ષના પ્રમુખપદનું ભાવિ નક્કી થશે.