PM મોદીની ડિગ્રીની માંગ કરીને ખૂદ ફસાયા અરવિંદ કેજરીવાલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભણતર અને શૈક્ષણિક લાયકાત વિશે ટિપ્પણી કરીને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ બૂરા ફસાયા છે. ગુજરાતની એક કોર્ટે 15 એપ્રિલે આપેલા આદેશમાં પીએમ નરેન્દ્ર મોદી ડિગ્રી કેસના આરોપી અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને કોર્ટમાં હાજર થવા જણાવ્યું હતું. આજે સુનાવણી હતી, પરંતુ કેજરીવાલ અને સંજય સિંહ બંને કોર્ટમાં આવ્યા નહોતા. અરજકર્તાના વકીલ અમિત નાયકે કહ્યું હતું કે એવું લાગે છે કે સમન્સમાં બહુ સ્પષ્ટતા નહોતી. તેથી ન્યાયાધીશે આદેશ આપ્યો છે કે ફરિયાદની નકલો સાથે બંને આરોપીઓને નવેસરથી સમન્સ જારી કરવામાં આવે. સુનાવણીની આગામી તારીખ 7 જૂન નક્કી કરવામાં આવી છે.
અમદાવાદની એક કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજય સિંહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી પર કથિત કટાક્ષ અને અપમાનજનક નિવેદનો બદલ કરવામાં આવેલી ફરિયાદમાં 15 એપ્રિલે સમન્સ જારી કર્યા હતા. અમદાવાદના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જયેશભાઈ ચોવટિયાની કોર્ટે AAPના બંને નેતાઓને 23 મેના રોજ સમન્સ પાઠવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલની ફરિયાદ પર કોર્ટે કેજરીવાલ અને સંજય સિંહને સમન્સ પાઠવ્યા હતા.
ફરિયાદીના જણાવ્યા અનુસાર કેજરીવાલ અને સંજય સિંહ બંનેએ પ્રેસ કોન્ફરન્સમાં અને ટ્વિટર હેન્ડલ પર પીએમ મોદીની ડિગ્રીને લઈને ગુજરાત યુનિવર્સિટી પર નિશાન સાધતા ‘અપમાનજનક’ નિવેદનો કર્યા હતા. ફરિયાદીએ જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીને નિશાન બનાવતી તેમની ટિપ્પણીઓ બદનક્ષીભરી છે અને સંસ્થાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે, જેણે લોકોમાં પોતાનું નામ પ્રસ્થાપિત કર્યું છે.