મુંબઈ: વર્તમાન વર્ષ ૨૦૨૩નાં પહેલા ત્રિમાસિકગાળામાં અમેરિકાનો આર્થિક વિકાસદર અપેક્ષા કરતાં ધીમો રહ્યો હોવાના નિર્દેશો સાથે વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિની ચિંતા સપાટી પર આવતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીમાં રોકાણકારોની નવી લેવાલીના અભાવ વચ્ચે ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૪૬થી ૩૪૭ની અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૫૪૭ની પીછેહઠ જોવા મળી હતી. આજે વિશ્ર્વ બજાર પાછળ .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ છૂટીછવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૫૪૭ના ઘટાડા સાથે રૂ. ૭૩,૮૬૮ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ વેચવાલી સામે વધુ ઘટાડાના આશાવાદે નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી પાંખી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૪૬ ઘટીને રૂ. ૫૯,૯૨૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૪૭ ઘટીને રૂ. ૬૦,૧૬૮ના મથાળે રહ્યા હતા. વર્તમાન વર્ષ ૨૦૨૩નાં પહેલા ત્રિમાસિકગાળામાં અમેરિકાનો આર્થિક વિકાસદર વર્ષ ૨૦૨૨ના અંતિમ ત્રિમાસિકગાળાના ૨.૬ ટકા સામે અપેક્ષા કરતાં વધુ ધીમો ૧.૧ ટકાના સ્તરે રહ્યો હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો હોવાના અહેવાલ હતા, બીજી તરફ બેરોજગારી ભથ્થું મેળવવાની અરજી કરનારાઓની સંખ્યામાં થોડો વધારો થયો હોવાના અહેવાલ હતા. જોકે, આર્થિક વિકાસ ધીમો પડતાં આ સંખ્યામાં વધારો થવાની ભીતિ સેવાઈ રહી હતી. વધુમાં અમેરિકાની આર્થિક વૃદ્ધિ મંદ પડતાં વૈશ્ર્વિક આર્થિક મંદીની ચિંતા સપાટી પર આવતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૧૯૮૩.૮૬ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪ ટકા ઘટીને ૧૯૯૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.