આજથી આઇપીએલની શરુઆત થવાની છે. આઇપીએલ 2023ની પહેલી મેચ ચેન્નઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. જોકે મેચ પહેલાં CSK નું ટેન્શન વધારે તેવા સમાચાર આવી રહ્યાં છે. ઘૂંટણમાં ઇજાને કારણે સીએસકેના કેપ્ટન એમ.એસ. ધોની આજની મેચ નહીં રમી શકે તેવી અટકળો થતાં સીએસકેના ફેન્સની ચિંતા વધી ગઇ છે. જો ધોની નહીં રમે તો બેન સ્ટોક્સ અથવા તો જાડેજાને કેપ્ટન તરીકેની જવાબદારી મળી શકે છે.
ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023ની શરુઆત આજથી થવાની છે. આ સીઝનની પહેલી મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે થશે. બંને ટીમ વચ્ચેની આ બ્લોકબ્લસ્ટર ટક્કર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:૩૦ વાગ્યાથી શરુ થશે. અત્રે ઉલ્લેખનિય છે કે મેચ પહેલાં જ સીએસકે માટે ચિંતાજનક સમાચાર આવી રહ્યાં છે. ટિમના કેપ્ટન એમ.એસ.ધોનીને થોડા દિવસ પહેલાં પ્રેક્ટીસ દરમિયાન ડાબા ઘૂંટણ પર ઇજા થઇ હતી. ત્યારે ધોની ગુરવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર પ્રેક્ટીસ માટે તો આવ્યા પણ ત્યાં તેમણે બેટીંગ પ્રેક્ટીસ કરી નહતી. તેથી આજે એમ.એસ. ધોની મેચ રમશે કે નહીં તે અંગે સસ્પેન્સ યથાવત છે.
ધોની આ મેચમાંથી બહાર રહેશે તો બેન સ્ટોક અથવા રવિન્દ્ર જાડેજા પર કેપ્ટન તરીકેની જવાબદારી આવી શકે છે. ડેવોન કોન્વે વિકેટ કીપીંગ કરશે. જોકે સીએસકે ટીમના સીઇઓ કાશી વિશ્વનાથને આશા છે કે ધોની પહેલી મેચ રમશે.
ગુજરાત ટાઇટન્સની વાત કરીએ તો તેમના અનુભવી ખેલાડી ડેવિડ મિલરની કમી આજે આ ટીમમાં જોવા મળશે. ડેવિડ મિલર નેદરલેન્ડ સાથે ચાલી રહેલી વન-ડે સિરિઝ માટે હજી સાઉથ આફ્રિકામાં જ છે.