કિસ અને પ્રેમ વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ છે અને કિસ કરવી એ જાણે પ્રેમ વ્યક્ત કરવાનું એક સશક્ત માધ્યમ બની ચૂક્યું છે, તેમાં પણ ખાસ કરીને હોઠ પર કિસ કરવી એ પ્રગાઢ પ્રેમનું પ્રતિક છે. પણ ક્યારેય એવો વિચાર આવ્યો છે ખરો કે આખરે પહેલી કિસ કોણે કરી હશે, કેમ કરી હશે કે કઈ રીતે કરી હશે? આજે આ જ બધા સવાલોના જવાબ કદાચ તમને અહીં મળી જશે…
કિસના ઈતિહાસમાં ડોકિયું કર્યું તો એવું જાણવા મળ્યું કે આની શરુઆત ફ્રેન્ચ કપલ દ્વારા કરવામાં આવી હતી. બીજી એક દંતકથા પ્રમાણે કિસની શરુઆત ભારતમાંથી થઈ અને ત્યાંથી જ આખી દુનિયામાં આનો પ્રસાર-ફેલાવો થયો.
કિસ કરવાની શરુઆત ક્યાંથી અને કઈ રીતે થઈ એના વિશે નિષ્ણાતોમાં મતમતાંતર જોવા મળી રહ્યા છે. મોટાભાગના નિષ્ણાતોના મતે દુનિયામાં થયેલી પહેલી કિસ એ એક એક્સિડન્ટ હતો. લોકોને આ અકસ્માત ગમ્યો અને પછી ત્યાર બાદ કિસ કરવાનું ચલણ પ્રચલિત થતું ગયું.
એક સંશોધન અનુસાર પહેલાંના જમાનામાં માણસોને એક બીજાની ગંધ લેવાની આદત હતી. આ જ રીતે એક બીજાની ગંધ લેવાનો પ્રયાસ કરવા જતી વખતે કિસ થઈ હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. આ દાવામાં તથ્ય હોવાનું કહેવાઈ રહ્યું છે, કારણ કે પ્રાચીનકાળમાં લોકો એકબીજાને મળતાં ત્યારે તેમની ગંધ લેવાની પ્રથા હતી.
કેટલાક લોકોના મતે કિસ કરવાની આ પ્રથા પ્રાણીઓને જોઈને અસ્તિત્વમાં આવી હોવી જોઈએ. અમુક પ્રાણીઓ મોઢાથી પોતાના બચ્ચાઓને ખવડાવે છે, જેને પ્રિમેસ્ટિકેશન ફૂડ ટ્રાન્સફર તરીકે પણ ઓળખવામાં આવે છે અને ત્યાંથી જ આ વસ્તુ માનવોમાં આવી હશે. કેટલાક નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કિસની શરુઆત ભારતમાં જ થઈ હતી. ત્યાર બાદ ગ્રીક લોકો ભારત આવ્યા અને પાછા આવતી વખતે કિસ કરવાની અહીંની પ્રણાલી પોતાની સાથે લઈ ગયા અને ત્યાંથી આખી દુનિયામાં તેનો પ્રસાર થયો, એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.