રવિવારે બપોરે પટનામાં પાર્કિંગ મુદ્દે થયેલા વિવાદ બાદ અંધાધુંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો અને આ ઘટનાનું રિપોર્ટિંગ કરવા ગયેલા ન્યુઝ ચેનલના રિપોર્ટર સાથે પણ ગેરવર્તણુક કરવામાં આવી હતી.
બિહારની રાજધાની પટનામાં ગુનેગારોમાં કોઈનો ભય રહ્યો નથી. રવિવારે થયેલા પાર્કિંગ વિવાદ બાદ પટનામાં હિંસાચાર જોવા મળ્યો હતો. ગોળીબારની ઘટનામાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે. આ દરમિયાન રિપોર્ટ કરવા ગયેલા ન્યુઝ ચેનલના રિપોર્ટર રૂપેશ કુમાર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ગુંડાઓએ રિપોર્ટર પાસેથી કેમેરા પણ છીનવી લીધો હતો. મળી રહેલી માહિતી અનુસાર રિપોર્ટર સાથે ગુંડાગર્દી કરતી વખતે ગુંડાઓએ તેનો મોબાઈલ પણ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. જે સમયે ગુનેગારો રિપોર્ટર સાથે ગેરવર્તન કરી રહ્યા હતા તે સમયે પોલીસની ટીમ પણ ત્યાં હાજર હતી. પરંતુ, પોલીસ તમાશો જોઈ રહી હતી. બીજી તરફ રોષે ભરાયેલા લોકોએ કોમ્યુનિટી હોલ સહિત અનેક ઈમારતોને આગ ચાંપી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કોમ્યુનિટી હોલની પાછળ જ ગેસનું ગોડાઉન આવેલું છે.
આવા હિંસાચાર બાદ લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ સમગ્ર મામલો નદી પોલીસ સ્ટેશન વિસ્તારના જેઠુલી ગંગા ઘાટનો છે. કહેવામાં આવી રહ્યું છે કે પૂર્વ પંચાયત પ્રતિનિધિ ટૂનટુન યાદવ પોતાના ગેરેજમાંથી કાર કાઢી રહ્યા હતા. આથી જેઠુલીના સતીશ યાદવ ઉર્ફે બચા રાયના ડ્રાઈવરે ટુનટુન યાદવને વાહન હટાવવા કહ્યું હતું. દરમિયાન બંને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો અને આ વિવાદ એટલો બધો વધી ગયો કે બચા રાયે ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં 5 લોકો ચંદ્રિકા રાય, મુનારિક રાય, રોશન કુમાર, ગૌતમ કુમાર અને નાગેન્દ્ર રાયને ગોળી વાગી હતી. બંને જૂથો વચ્ચે વિવાદ એટલો વધી ગયો કે બંને તરફથી અંધાધુંધ ફાયરિંગ શરૂ થઈ ગયું. આ ઘટનામાં 5 લોકોને ગોળી વાગી હતી અને ત્યાર બાદ લોકો બેકાબૂ બની ગયા હતા. કોમ્યુનિટી હોલની સાથે આસપાસની કેટલીક ઈમારતોમાં આગ ચાંપી હતી. આગની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. દરમિયાન પોલીસ દ્વારા આ મામલે એકની ધરપકડ કરવામાં આવી હતી.