ભટિંડા/નવી દિલ્હી: બુધવારે વહેલી સવારે પંજાબના ભટિંડામાં લશ્કરી છાવણીમાં ગોળીબારની ઘટનામાં આર્ટીલરી યુનિટના ચાર સૈન્ય કર્મચારીઓ માર્યા ગયા હતા.
સેનાએ જણાવ્યું હતું કે આ ઘટના સવારે ૪.૩૦ વાગ્યે બની હતી અને તેણે ઝડપી પ્રતિક્રિયા ટીમો તૈનાત કરી હતી અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો.
આર્મીના સાઉથ વેસ્ટર્ન કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં, આર્ટિલરી યુનિટના ચાર સૈન્ય જવાનો ઘટના દરમિયાન ગોળી વાગવાથી મૃત્યુ પામ્યા હતા. અન્ય કર્મચારીઓને કોઈ ઈજાઓ અથવા મિલકતને નુકસાન થયું હોવાની જાણ કરવામાં આવી નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે બે દિવસ પહેલા ગુમ થયેલા ૨૮ રાઉન્ડ સાથે ઇન્સાસ રાઇફલની સંડોવણીના સંભવિત કેસ સહિત તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. મોડી સાંજે આ રાઈફલ મળી આવી હતી.
એવું જાણવા મળે છે કે સેનાધ્યક્ષ જનરલ મનોજ પાંડેએ આ બાબતે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને માહિતી આપી હતી.
સેનાએ જણાવ્યું હતું કે આ વિસ્તારને સીલ કરવાનું ચાલુ છે અને કેસની હકીકતો જાણવા માટે પંજાબ પોલીસ સાથે સંયુક્ત તપાસનું સંકલન કરવામાં આવી રહ્યું છે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ગોળીબારમાં ચાર જણાએ જીવ ગુમાવ્યો હતો અને આ ઘટનામાં માર્યા ગયેલા ચારની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી.
આર્મી દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સીલ કરી દેવામાં આવ્યો છે અને હુમલાખોરની તપાસ ચાલી રહી છે.
ભટિંડાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક જીએસ ખુરાનાએ જણાવ્યું હતું કે પોલીસની એક ટીમ લશ્કરી છાવણીની બહાર રાહ જોઈ રહી છે અને સેનાએ હજુ સુધી તેમનો પ્રવેશ મંજૂર કર્યો નથી.
ગોળીબારની ઘટના ભટિંડા મિલિટરી સ્ટેશનના આર્ટિલરી યુનિટમાં બની હતી. આ ઘટના છાવણીના ઓફિસર્સ મેસની અંદર બની હતી. આ વિસ્તારમાં પરિવારો પણ રહે છે. તમામ પીડિતોની ઓળખ મેળવવામાં આવી રહી છે.
આ ઘટનાની જાણ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને કરવામાં આવી હતી અને જાણવા મળ્યાં અનુસાર એમણે તુરંત જ રાષ્ટ્રિય સુરક્ષા સલહકાર અજિત ડોભાલ સહિતના વરિષ્ઠ અધિકારીઓની બેઠક બોલાવી હતી.
ગોળીબારની ઘટના બાદ ભટિંડામાં આર્મી કેન્ટના તમામ પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યા છે.
લગભગ બે દિવસ પહેલા ૨૮ કારતૂસ સાથેની એક ઈન્સાસ રાઈફલ ગુમ થઈ ગઈ હતી.
પંજાબ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે આ ઘટના પાછળ સેનાના કેટલાક જવાનોનો હાથ હોઈ શકે છે. કેમ્પમાં કથિત રીતે બે સશસ્ત્ર હુમલાખોર ફરી રહ્યા છે. ગોળીબાર કરનારા કથિત રીતે સાદા કપડામાં હતા.
એડીજીપી એસપીએસ પરમારે જણાવ્યું હતું કે આ ઘટના આંતરિક સમસ્યા જેવી લાગે છે અને બહારથી કંઈ કરવાનું નથી, તેમણે ઉમેર્યું હતું કે અમે તેની તપાસ કરી રહ્યા છીએ અને આર્મી સાથે ગાઢ સંકલનમાં કામ કરી રહ્યા છીએ.
ભટિંડાના એસએસપી ગુલનીત ખુરુનાએ જણાવ્યું હતું કે, પ્રારંભિક માહિતી કહે છે કે કેટલાક સૈન્યના જવાનોએ અન્ય લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. પ્રાથમિક રીતે કોઈ તોડફોડ કે ત્રાસવાદી ઘટનાની શંકા નથી પરંતુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
ભટિંડા મિલિટરી સ્ટેશન ચંડીગઢ-ફાઝિલ્કા સ્ટ્રેચ પર નેશનલ હાઈવે-૭ પર આવેલું છે. તે દેશની સૌથી મોટી સંરક્ષણ છાવણી હોવાનું કહેવાય છે.
ભટિંડા લશ્કરી છાવણીમાં ૧૦ કોર્પ્સનું મુખ્ય મથક છે, જે જયપુર સ્થિત દક્ષિણ પશ્ર્ચિમ કમાન્ડના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. (એજન્સી)