(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં આવેલા કેમિકલ ગોડાઉનમાં શુક્રવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. મોડે સુધી આગ પર નિયંત્રણ મેળવી શકાયું નહોતું. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
થાણે ડિઝાસ્ટરના જણાવ્યા મુજબ ભિવંડીમાં કાલ્હેર વિસ્તારમાં દેશમુખ વેરહાઉસમાં શુક્રવાર બપોરના ૩.૪૦ વાગે અચાનક આગ ફાટી નીકળી હતી. આ વેરહાઉસમાં મોટા પ્રમાણમાં કેમિકલનો સ્ટોક હતો.
આગને કારણે ઉપરાઉપરી સ્ફોટ થયા હતા અને આગ ઝડપભેર ફેલાઈ ગઈ હતી. ઘટના સ્થળે ભિવંડી ફાયરબ્રિગેડની સાથે જ થાણે ફાયરબ્રિગેડે પહોંચીને આગ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસ કર્યા હતા. મોડે સુધી આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી નહોતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.