(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણેમાં ઘોડબંદર રોડ પર કાપૂરબાવડીમાં આવેલા ઓરિયન બિઝનેસ પાર્ક અને સિને વંડર મૉલમાં મંગળવારે સાંજે લાગેલી આગ છેક બુધવારે બપોરે ૧૬ કલાક બાદ નિયંત્રણમાં આવી હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. પરંતુ બિઝનેસ પાર્ક અને મૉલને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. તો બિલ્િંડગમાં પાર્ક કરવામાં આવેલા ૧૫થી વધુ વાહનો પણ બળીને ખાખ થઈ ગયા હતા.
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના રિજનલ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેના ચીફ અવિનાશ સાંવતે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે ભીષણ આગ પર નિયંત્રણ મેળવવામાં ૧૬ કલાકથી પણ વધુ સમય લાગ્યો હતો. બપોરના લગભગ ૧.૩૦ વાગે આગ કાબુમાં આવી હતી, જોકે મોડી સાંજ સુધી કુલિંગ ઑપરેશન ચાલુ હતું. આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
મંગળવારે રાતના લગભગ ૮.૩૦ વાગે ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળની ઓરિયન બિઝનેસ પાર્ક બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી હતી. અહીં લગભગ ૯૦ દુકાનો અને ઑફિસ સહિત ખાનગી બ્લડ બૅન્ક પણ આવેલી હતી. તો પાર્કની બાજુમાં જ સિને વંડર મોલ પણ આવેલો છે, તેમાં પણ આગ ફેલાઈ ગઈ હતી.
પ્રત્યાદર્શીઓના કહેવા મુજબ આગ એટલી ભીષણ હતી કે દૂર દૂર સુધી ધુમાડા દેખાઈ રહ્યા હતા. એટલું જ નહીં પણ આગ લાગી તે ઈમારતમાં કોઈ વિસ્ફોટનો પણ અવાજ આવ્યો હતો,
આગ એટલી ભીષણ હતી કે તેને બુઝાવવા માટે થાણે, મુંબઈ, નવી મુંબઈ, ભિવંડી-નિઝામપૂર, કલ્યાણ-ડોંબિવલી, મીરા-ભાયંદર સહિત મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સના ફાયર ઍન્જિન બોલાવવા પડ્યા હતા.
આગમાં પાંચેય માળા પર રહેલા મોટાભાગના ગાળાઓને નુકસાન થયું છે. તો પાર્કિંગ પ્લોટમાં પણ આગ ફેલાઈ હતી, જેને કારણે ત્રણ ફોર વ્હીલર અને ૨૩ ટુ વ્હીલરને નુકસાન થયું હતું.
આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. સ્થાનિક ફાયરબ્રિગેડના અધિકારીના કહેવા મુજબ તપાસ બાદ આગનું ચોક્કસ કારણ જાણી શકાશે. તો પોલીસે પણ દુર્ઘટનાની નોંધ લઈ તપાસ આદરી હતી.
બુધવાર બપોરના ઓરિયન બિઝનેસ પાર્કની આગ તો કંટ્રોલમાં આવી ગઈ હતી. પરંતુ દિવસ દરમિયાન થાણેમાં નાની-મોટી આગના અનેક બનાવ બન્યા હતા, જેમાં થાણે (પશ્ર્ચિમ)માં ઢોકાળી, મોહન મિલ કમ્પાઉન્ડ નજીક શરદચંદ્ર પવાર સ્ટેડિયમ સામે કચરામાં બપોરના ૧૨.૪૯ વાગે તેમ જ તેની બાજુમાં રહેલી ભંગાર ગાડીઓ પણ આગની ચપેટમાં આવી ગઈ હતી. કલાકની જહેમત બાદ ફાયરબ્રિગેડ આગને નિયંત્રણમાં લાવી હતી. એ સિવાય થાણે (પશ્ર્ચિમ)માં ગોખલે રોડ પર મૅંગો ઈલેક્ટ્રોનિક સ્ટોર સામે મહાવિતરણના ઈલેક્ટ્રિક ડીપીમાં બપોરના ૧૨.૦૯ વાગે અચાનક આગ ફાટી નીકળી હતી. અડધો કલાકમાં આગ કાબુમાં આવી હતી.