વડોદરા: અહીં શહેરના અલકાપુરી વિસ્તારમાં વિશ્વાસ કોલોનીમાં આવેલા ટોટલ હેલ્થ સ્ટુડિયોમાં એકાએક આગ ફાટી નીકળી હતી. મીટરમાં લાગેલી આગ જોતજોતામાં બિલ્ડિંગના પાંચમા માળ સુધી પસરી ગઈ હતી. જેને પગલે બિલ્ડિંગમાં દોડધામ મચી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ભારે જમહેત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સમયસર આગ પર કાબૂ મેળવ્યા બાદ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.
આગ લાગતા જ બિલ્ડિંગના લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને લોકો દોડીને બિલ્ડિંગની બહાર આવી ગયા હતા. જોકે, મીટરમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો. આગના બનાવને પગલે આસપાસના રહેવાસીઓના ટોળા ઘટનાસ્થળે ઊમટી પડ્યાં હતાં. સ્થાનિકોએ તુરંત જ ફાયરબ્રિગેડને જાણ કરી દીધી હતી. આગ ઓલવવાનું કામ લાંબા સમય સુધી ચાલ્યું હતું, પણ સમયસર લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરતા મોટી જાનહાનિ ટાળી શકાઈ હતી.