મધ્ય પ્રદેશમાં મંદસૌરના બાનીખેડી ગામમાં એક કાર્યક્રમ દરમિયાન ગેસની ટાંકીમાંથી લીકેજને કારણે મોટો અકસ્માત થયો હતો અને આગ લાગી હતી, જેમાં 25 લોકો દાઝી ગયા હતા. મળતી માહિતી મુજબ, દાઝેલા સાત લોકોને જિલ્લા હોસ્પિટલમાં અને અન્ય 14ને દલોડાની ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, જેમાં બેની હાલત ગંભીર છે. અન્ય તમામને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે. અકસ્માતમાં આગ ઓલવવા ગયેલો એક પોલીસકર્મી ખરાબ રીતે દાઝી ગયો હતો, જે હાલમાં હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પોલીસના જણાવ્યા અનુસાર બાનીખેડી ગામમાં પ્રકાશ સૂર્યવંશીના ઘરે ગોરણીનો કાર્યક્રમ હતો, જેમાંસમાજ અને સંબંધીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દરેક માટે ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન દાળ-બાટી બનાવતી વખતે અચાનક સિલિન્ડરમાં ગેસ લીક થતાં આગ લાગી હતી. કોઇ કંઇ સમજે અને લીકેજ અટકાવે તે પહેલા આગ પ્રસરી ગઇ હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ભીડ એટલી બધી હતી કે લોકોને ત્યાંથી ભાગવાનો મોકો મળ્યો નહોતો. માહિતી મળતાં પોલીસે અને અગ્નિશમન દળે ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.