આજે વહેલી સવારે મુંબઈમાં અંધેરી રેલવે સ્ટેશનના પરિસરમાં આવેલી કેટલીક દુકાનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. મળતી માહિતી મુજબ આજે સવારે 5.30 વાગ્યે અંધેરી સ્ટેશન વિસ્તારમાં આવેલી લગભગ 4 દુકાનોમાં આગ લાગી હતી. જોકે, આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, અંધેરી વેસ્ટ રેલવે સ્ટેશન પાસેની દુકાનોમાં આગ લાગવાને કારણે રેલવેના કેટલાક ભાગોને પણ મોટું નુકસાન થયું છે. આગની માહિતી મળતાની સાથે જ ચારથી પાંચ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લગભગ એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
આગનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે એક દુકાનમાં આગ લાગી હતી અને થોડી જ વારમાં તે આજુબાજુની કેટલીક દુકાનોમાં પણ ફેલાઈ ગઈ હતી. સદનસીબે આ આગમાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. જેના કારણે લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે.
આ સંદર્ભે અંધેરીની ડીએન નગર પોલીસે કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. એવું માનવામાં આવે છે કે રાત્રિનો સમય હોવાને કારણે સ્ટેશન પરિસરમાં કોઈ ભીડ નહોતી અને દુકાન પણ બંધ હતી, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી.